કવિનો શબ્દ છે કોમળ ગુલાબથી ય વધુ
છે ઝળહળાટ તેનો આફતાબથી ય વધુ
***
ફૂલ
તો વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે,
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે!
***
પુષ્પસંહિતા – 3
આ હયાતી છે સતત ખુશ્બૂ તરફ જાવાનું નામ
ફૂલ છે એ રાઝ ખુલ્લેઆમ ચર્ચાવાનું નામ
એનો ગજરો ગૂંથવાનું કોણ-એ જાણ્યા વિના
તૂટતા શ્વાસોને દઈએ ફૂલ ચુંટાવાનું નામ
પુષ્પ છે એ ગ્રંથ-જે લોહી વડે ભણવો પડે
મ્હેક એની શ્વાસને સૌ વેદ સમજાવાનું નામ
સાસસામે બાથમાં મળવું એ બીજું કૈં નથી
છે પીડાના તરજૂમાઓ મ્હેકમાં થાવાનું નામ
ફૂલ તો છે-આંખના કાંઠા ઉપર બેસી, રમેશ
રંગમાં કાયા વગર તરબોળ ભીંજાવાનું નામ
પુષ્પ ઉર્ફે એક સોનલ નામની શ્રધ્ધા, રમેશ
વિશ્વની બેબાકળી આંખોમાં અંજવાનું નામ
રમેશ પારેખ ( લે, તિમિરા સૂર્ય…માંથી)