તારે નામે લખું છું

તારે નામે લખું છું: સિતારા, પતંગિયાં, આગિયા
તારા રસ્તાઓ સીધા સરળ હોય
એના પર છાયા હોય ઝગમગતા આકાશની
અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર
જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં
તારે નામે લખું છું: આનંદ, આરજૂ, ખુશબો
તારો એક એક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
સવાર થતાં જ્યારે તું ઊઠે
તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
જ્યારે રાત આવે
તારી આંખોમાં સ્વપ્નો હોય હિંડોળાનાં
તારે નામે લખું છું: એ આખુંયે ખુશનુમા શહેર
જે મેં જોયું નથી
તારે નામે લખું છું સઘળા એ ખૂબસૂરત શબ્દો
જે મેં લખ્યા નથી
તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
સનાતન જામ લખું છું
જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
તારે નામે લખું છું
– કુમાર પાશી ( 1935-1992 ) Kumar Pashi : Prominent modernist poet who also edited a   literary Magazine ‘Satoor’   
  અનુવાદ સુરેશ દલાલ (‘કાવ્યવિશ્વ’માંથી સંપાદક: સુરેશ દલાલ)