ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ઉમાશંકર જોશી ઑગસ્ટ 1932 (ગંગોત્રી)
ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો
સંપાદન : નિરંજન ભગત ચિમનલાલ ત્રિવેદી ભોળાભાઈ પટેલ
ઘણા દિવસો થી આ કવિતા વાંચવાની ઇચ્છા હતી.
થેન્ક યું…
LikeLiked by 1 person
ઘણીવાર આપણી જાણીતી રચના પણ પૂરી યાદ રહેતી નથી. આ રચના મને બહુ જ ગમે છે પણ એનો ઉત્તરાર્ધ હું ભૂલી ગઈ હતી જે વાંચીને મને સાનંદાશ્ચર્ય થયું
LikeLiked by 1 person
આ મારી પણ પ્રિય રચનાઓમાની એક છે.
આવી રચનાઓ પીરસતા રહેજો…
LikeLiked by 1 person