ઉમ્રભર

જળ બની દરિયા તરફ તે ખુદ દડ્યો છે ઉમ્રભર
ને સદા એ શખ્સને ઉંબર નડ્યો છે ઉમ્રભર

એનું મન – જાણે છે ભાંગ્યું-તૂટ્યું શિવાલય કોઈ
ને ધજા પેઠે એ માણસ ફડફડ્યો છે ઉમ્રભર

‘જળ બન્યા છીએ તો પરપોટાની ભાષા શીખીએ’
એક માણસ રણમાં એવું બડબડ્યો છે ઉમ્રભર

આ પગથિયાં ક્યાં જશે – એ જાણતો નહોતો છતાં
બસ, એ માણસ શ્વાસની સીડી ચડ્યો છે ઉમ્રભર

એ ખબર નહોતી કે ઊઘડે છે કોના નામ પર
એ કમળ પેઠે જ મનમાં ઊઘડ્યો છે ઉમ્રભર

આ તમારો ર ર ર ર ર ર ર ર ર ર ર
મેશ સામે સૂર્ય ઉગામી લડ્યો છે ઉમ્રભર

– રમેશ પારેખ (5/11/96- Tuesday)
‘છાતીમાં બારસાખ’ માંથી

 

One thought on “ઉમ્રભર – રમેશ પારેખ

Comments are closed.