ગાન-ગંગા – નેહલ

શોધું એક સાર્થ શબ્દ
સબળ, અડિખમ ઊભેલો
પણ મારા શબ્દો તો
થાકેલા, હારેલા, કંટાળેલા
ખૂણામાં ટૂંટીયું વાળીને પડેલા
કાખઘોડીને સહારે
ઉઠવા મથતા
ધાયલ, પાટાપીંડીમાં
પીડાથી કરાંજતા!
શોધું એક અટૂલો
સબળ શબ્દ,
એક ભાગિરથ શબ્દ
ખેંચી લાવે કાવ્ય-ગંગા
નાદ-આકાશ થી.
શોધું એક શિવ શબ્દ
ઝીલી લે
પોતાની સર્વવ્યાપી જટાઓમાં
શબ્દ-ગંગા
નાદ-ગંગા
અને
મુક્ત કરે એને
સહુને માટે
સરળ વહેતી
ખળખળ વહેતી
જીવનદાત્રી
ગાન-ગંગા.
– નેહલ

Poetry, my poems © Copyright 2018, Nehal