પડછાયો
હાથમાં હાથ મૂકીને ઊભો છે પડછાયો
મારી સામે જ ખૂલીને ઊભો છે પડછાયો
મેં ઝીલી લીધો સૂરજ આખેઆખો માથા પર
તે ક્ષણે સાવ ખૂટીને ઊભો છે પડછાયો
ક્રોસ પર જેમ ઈસુનું ઢળી ગયું મસ્તક
ભીંત પર એમ ઝૂકીને ઊભો છે પડછાયો
આટલામાં જ હતો શોધતા નથી મળતો
ઝાડના છાંયે ડૂબીને ઊભો છે પડછાયો
આ ત્વચા ચીરી અને આવવું હો ભીતરમાં
પગની પાનીમાં ઘૂસીને ઊભો છે પડછાયો
– ભરત વિંઝુડા (‘આવવું અથવા જવું’ માંથી)