હરિવર, આમ ન અળગી રાખો – નેહા પુરોહિત

તું આવે તો સૂરજ ઘરના ટોડલીયે બેસાડું,
ચાંદલીયાના તેજે આખ્ખું આંગણીયું લિંપાવું,
પરસાળે મુકાવું રુડી પતંગીયાની હાર…
હવે તો મળવાનું વિચાર!
……….. … ….. ……
હે યોગેશ્વર! મને નથી જાગીને કૈં પણ જોવું,
બાલસખા, તવ સ્મૃતિપટે કાયમ માટે વિચરવું,
એવું કર કે કદી ન ટોણો મારે મુજને ચિત્ત –
અમથી કીધી પ્રીત!
……… ……. …..

હરિવર, આમ ન અળગી રાખો,
ઉદાસ આંખોમાં ઉછરેલો પ્રેમ જરી તો વાંચો!
હરિવર, આમ ન અળગી રાખો .
નથી મટુકી ગોરસની હું, કે નહિ ગોપી નમણી,
મુજ ગઠરીમાં માત્ર પ્રતીક્ષા છે રાધાથી બમણી.
મને ગમે તું… એમ કહીને સ્‍હેજ તો હૈયે ચાંપો –
હરિવર, આમ ન અળગી રાખો .

ભલે જીવી છું અણઘડ પણ એ જિવતર તારા ચરણે,
ઘરઆંગણનો છોડ અહિ તો શાલીગ્રામને પરણે !
લાખસવાયા જાપ જપી છું , હવે તમે પણ લાજો,
હરિવર, આમ ન અળગી રાખો .

વાડ વિના ના ચડતો વેલો, સહુનું કહેવું થાતું,
વેલ વિના તો વાડનુ હૈયું રાતદિન કચવાતું,
બનુ હું નાગરવેલ, હરિવર ! તમે અગથિયો થાજો ;
હરિવર, આમ ન અળગી રાખો.

નેહા પુરોહિત
(સંગ્રહ પરપોટાની જાતમાથી )

17349877_892749897534734_5059176153085081538_o

2 thoughts on “હરિવર, આમ ન અળગી રાખો – નેહા પુરોહિત

  1. આભાર નેહલ.
    આ રીતે શબ્દો પોંખાતા હોય ત્યારે લખ્યાનો સંતોષ થાય.

    Liked by 1 person

    1. You have a long way to go! હજુ વધુ ને વધુ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જન કરતાં રહો એવી શુભેચ્છાઓ!😊

      Like

Comments are closed.