તારી લાગણીનાં કેમ કરું મૂલ ?- નેહા પુરોહિત

નેહા પુરોહિત, આ સત્વશીલ કવિયત્રીની કલમે ગીત, ગઝલ, અછાંદસ કવિતાઓ એવું બધું સાહિત્યને ચરણે ભેટ ધર્યું છે, પણ મને એમનાં ગીત સવિશેષ પ્રિય છે. એમાં ઝીલાયેલી કોમળ સંવેદનાઓ, તલસાટ, સ્ત્રી સહજ ઊર્મીઓ, રમતિયાળપણું અને અંતરની તાનનો મનભાવન લય એ ગીતોને ગોપીગીત, મીરાંના પદની કક્ષાએ મૂકે છે.આજે એમની વિવિધ રચનાઓમાંથી મને ગમતી થોડી પંક્તિઓ અહીં મૂકતા ખૂબ આનંદ અનુભવું છું.
. . . . . .

આમ જુઓ તો ઝળહળ ઝળહળ, આમ જુઓ તો આંસુ,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…
. . . . . . .
ભીતર પ્રવેશી ને ભીતર સમાણી, સખી ! વાત મુંને આજ સમજાણી,
હતી મારાથી હું જ અણજાણી.
. . . . . . .
બ્‍હાના વિના બ્‍હાવરી દોડું, પગને રોકું કેમ ?
પાવઠે પાવો રોજ વગાડે ‘એ’ ય જાદૂગર જેમ !
સૂર સૂણીને શાંત સરોવર જળ હિલ્લોળા ખાતાં ,
મુક બધીરા વાયરા આજે પ્રેમનાં ગીતો ગાતા ..
દસ દીશાઓ નાચતી એવો મુજને પડ્યો વ્હેમ ..
. . . . . . . .

* * * * *

તારી લાગણીનાં કેમ કરું મૂલ ?
માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ…

વરસોનાં તાપ કંઈ, મનનાં ઉત્પાત કંઈ,
જોતા’તાં છાંયડીની વાટ;
સદીઓ પીગાળી તંઈ આવી છે હાથ આજ
ચંદ પળની આ મુલાકાત.
ભીતરનો ગોરંભો ભીતરમાં રોકું તોય આંખડીથી છલકે છે ભૂલ
તું કેમ કરી કરશે કબૂલ?

રાધા ને મીરાંની રાહ અને ચાહ નથી
આવડા આ હૈયામાં થોડી,
પાંચાલી જેમ તોય સાદ કીધો જ્યારે સખા !
આવી ઊભો તું દોડીદોડી
નેહની આ ગાંઠ જાણે યુગ યુગની ડાળ પરે મઘમઘતું માલતીનું ફૂલ..
મારે કરવાનું કેમનું કબૂલ ?

ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
મનડું તો એમ ક્યે, મેલી દે લાજ-બાજ, સંઈજી સંગાથ ઘડી ઝૂલ…
આજે તો સઘળું કબૂલ…

-નેહા પુરોહિત