સવારે સવારે હ્રદય ચીતરું છું
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું

હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું

જડી આખરે એક પીંછી ક્ષણોની
હતી કલ્પના, તે સમય ચીતરું છું

નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું

લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં
મને હું અજય ને અભય ચીતરું છું
નિર્મિશ ઠાકર
અમર ગઝલો
સંપાદન ડૉ એસ એસ રાહી
રાજેશ વ્યાસ મિસ્કીન