મોરપિચ્છ હજુ ખરતું નથી – નેહલ

હોઠો પર હવે પ્રેમનું ગીત સ્ફૂરતું નથી
કદંબની ડાળે હવે કોઈ ઝૂલતું નથી

મધુવનમાં કયાં ખોવાયા વેણુના સૂર
યમુનાની ધારે ગીત હવે કોઈ વહેતું નથી

માન્યું તમે વસાવીને સોનાની દ્વારકા કે
ગોકુળ-વૃંદાવનમાં હવે કોઈ ઝૂરતું નથી

ગોવર્ધન ધાર્યો ને સુદર્શન ચક્ર ધર્યું પણ
રાધાના મનથી મોરપિચ્છ હજુ ખરતું નથી

મોકલ્યા ઉધ્ધવજીને, અમોને સમજાયું કે
ગોકુળીયું ગામ તમને ય પ્રભુ હજી છૂટતું નથી

ગાઈ ભલે તમે ગીતા ને બન્યા યોગેશ્વર
ગોપીઓ સંગેનો રાસ હજુ કોઈ ભૂલતું નથી.

નેહલ

Poetry , my poems © Copyright 2018, Nehal