આજ અચાનક

કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે!
પાળ તૂટેલા વ્હેળા શો
આળોટું રસબસ.
પારિજાતની ગંધ સરીખી તને ગોપવી
લોચન ભીતરમાં રહી ખૂલે!
પ્હેલાં જેમ થતું’તું…
પરિતૃપ્ત એકાંત યાદથી,
એવી… બસ એવી…
કુંવારી શૈય્યાના જેવી તું…
કેટકેટલું વીત્યું મુજને!
હજી રક્તમાં વ્હેતો વ્યાધિ.
અમથી અમથી
મત્ત હવાની ઘૂમરી જેવી
પ્હેલાં ઘરમાં જતી-આવતી.
એક દિવસ ના મળ્યો?
તને મેં ઔષધ પીતાં પીધી!
આજ અચાનક આંગણ કૂદ્યું ટહુકે…
લયની ટેકરીઓ લીલીછમ વ્હેતી;
કઈ બારીએ હેરું?
મન પડતું મેલું – કઈ બારીએ?!

રાવજી પટેલ
(રાવજી પટેલનાં કાવ્યો- સંપાદક: રઘુવીર ચૌધરી)