વહેતું રહે નામ સાંજલ હવામાં,
હવાઝૂલણું એક એવું લગાવું.

કોઈ વિસ્તરતા જતા રણની ઉદાસી આપણે,
ઝાંઝવાને શોધતી એ આંખ પ્યાસી આપણે.
ભૂલભૂલૈયા ભરી આ ભીડમાં ભટકી ગયા,
આમ તો, એકાંતના છીએ નિવાસી આપણે.
ઘર બનાવીશું કિનારાની ય રેતીમાં હવે?
દોસ્ત, ઘૂઘવતાં જ દરિયાના ખલાસી આપણે.
આપણે તો બસ અરીસામાં જ ખોવાઈ ગયા,
પારખી જુઓ, હતા ખુદ પારદર્શી આપણે.
અહીં ચણીશું જો દીવાલો ને દીવાલો ક્યાં સુધી?
છેવટે આકાશના થઈશું પ્રવાસી આપણે.
છાયા ત્રિવેદી (શ્રી ગઝલ)