ચૂંટેલા શેર- ખલીલ ધનતેજવી

અમારે રાખમાંથી પણ ફરી બેઠા થવું પડશે,
નહીં જંપે અમારાં રેશમી સપનાંઓ સળગીને.

મને વાડામાં આંતરવા કર્યો’તો બંધ ઝાંપો પણ,
એ વાડામાંથી હું નીકળી ગયો’તો વાડ કૂદીને.

નદીમાં પૂર, દરિયામાં કદી ભરતી નથી આવી,
ખલીલ, કાં રોજ છલકાયા કરે પરપોટા ફૂટીને.

સૌ દુ:ખી છે, કોણ કોનું દુ:ખ જુએ,
જાતને જાતે દિલાસો આપીએ.

અહીં તિરાડોમાંથી સૌને ઝાંકવાની ટેવ છે,
બારણાં ખુલ્લાં મૂકી દો કોઈ પણ ફરકે નહીં.

આ ઊથલપાથલ ઉપરછલ્લી છે બસ,
છેક તળિયું તો ઠરેલું હોય છે.

સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહીં,
કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર.

ના, દુવાઓ માગવાથી ચંદ્ર નહિ ટપકી પડે,
નહિ મળે અજવાળું તમને દીપ પ્રગટાવ્યા વગર.

ભીંજવું પાંપણની ભીનાશે તને,
મારામાં વરસાદ દેખાશે તને.

અશ્રુઓ શું શું લખે છે આંખમાં,
વાંચજે ધીમેથી વંચાશે તને.

આખીય વાત મારી એ સાંભળશે ધ્યાનથી,
મનમાં તો માત્ર અડધાની અડધી ઉતારશે.

હિન્દુઓનાં ધાડેધાડાં, મુસ્લિમોનાં ટોળેટોળાં,
આવા ભરચક શહેરમાં બાબા, માણસોની ખોટ પડી છે!

ખલીલ ધનતેજવી ‘સારાંશ’માંથી 2008

maxresdefault
pic: youtube.com