અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ- નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
– નરસિંહ મહેતા (1414-1480)