વાત વાગોળ્યા કરી
આપણે નીલકંઠની ચર્ચા કરી,
ને મીરાંએ વાટકી પીધા કરી.
બારણું દઈને સૂરજ ચાલ્યો ગયો,
સાંકળો તમરાંએ ખખડાવ્યા કરી.
બોલ્યું અજવાળાની ભાષા કોડિયું,
હોઠ પરની વાત વાગોળ્યા કરી.
સ્વપ્ન પણ ભૂખ્યાંના ભૂખ્યાં નીકળ્યાં,
નાખી દીધા ઊંઘના કટકા કરી.
સાંઢણી મધ્યાહ્ને ખંડણી ભરે,
પગ તળેનાં રેતકણ ભેગા કરી.
વાતમાં ઊંચકાયું એકાકીપણું,
વારતામાં ભીડ દેખાયા કરી.
પાંદડાં પોઢ્યાં પવન-તકિયે ‘ગની’,
વૃધ્ધ વડલે વારતા કીધા કરી.
– ‘ગની’ દહીંવાળા
(કવિતાનું સરનામું- સુરેશ દલાલ)