અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા….વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે
….
સાંભળું, જોઉં કે ધારું તો કરી દે ધુમ્મસ
ઓગળી જાઉં તો ભીનાશમાં ઝાલે છે મને
….
કોઈ આકાશી અધૂરપ લોહીમાં ઘૂમરાય છે
જાણે ભૂખરાં વાદળોને પાથરું છું શ્વાસમાં
….
અંધ જગતને હું નહિ આંજું સાંઈ
વેશ નહીં, વૃત્તિ પ્હેરું છું સાંઈ
*****
એને મદ મંથર વરસવાનો, તરસવાનો મને
ઘૂંટે ઘૂંટે આ તૃષામાં ઓગળી તૃપ્તિ મળી
*****
વિરહની વેદનાનો સાવ ઊભો મોલ મળશે
જશો જો મૂળમાં તો મિલનનો કોલ મળશે
……
ઘાવ સરખા જ બેઉને લાગે
હોય એરણ કે ઘણ, ન ફેર પડે
……
ક્યાં સુધી કોઈ બ્રહ્માંડ લીંપ્યા કરે આમ અક્ષર થકી શાહી ચોરી
પાંગળા શબ્દનું અંધ સાહસ હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે?
********
શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત
પ્રાસ પહેરાવું, અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
********
મારી ઊંડેથી આકાશ ઊઘડ્યા કરે
વિશ્વભર વ્યાપવા દે દિશાઓ મને
મારી માટી તસોતસ ત્વચાઓ બની
જકડી રાખ્યા કરે ભોંયભેગો મને
******
ભીડમાં પણ હવે એકલો હોઉં છું
તમને ખોયા પછી મારી હસ્તી તો થઈ
…….
આ રસ્તો જ વાંકોચૂકો જાય છે
મને ના કહો કે દિશાહીન છું
…….
આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે,
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે
……
ઝાંઝવાં ઝરતાં રહે છે ભીંતથી
ને હું ઘરમાં રણ સમો રહી જાઉં છું
– જવાહર બક્ષી ‘તારાપણાના શહેરમાં’