આકાશ અને અનન્યા સાથે ઘણી વાતો થઈ, કેટલાક પ્રશ્નો ઉઠ્યા અને એના સમાધાન શોધવામાં સલોનીને પોતાને લાગ્યું ઘણી બાબતો વિશે પોતાના વિચારોમાં રહેલી ગૂંચો ઉકલી રહી છે. હંમેશા બધી વાતો કૉલોનીના વૃધ્ધ અંકલ-આંટીના સંદર્ભમાં જ વિચારી હતી, જેવી સમસ્યા ઉદ્ભવતી એવો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવામાં આવતો પણ આજે બે પ્રોફેશનલ્સ સાથે વાત કરીને જમીન પરની વાસ્તવિક્તા સમજાઈ, એવા જ વાસ્તવિક પ્રશ્નો અને આવનારા પડકારો સાથે તેને પરિચય થયો. એ બંને પણ નિરાંત લઈને જ આવ્યા હતા, છેક સાંજે કોફી પીને ગયા ત્યાં સુધી ચારે ય જણ એક અતૂટ મૈત્રીમાં બંધાઈ ચૂક્યા હતા.
સાંજે સલોનીને નાયર અંકલ અને સોમૂને મળવાનું હતું, ગાલાઆંટીમાટે. સમીર કહે; “મને બહુ ભૂખ નથી, મોડેથી પાસ્તા સેલડ બનાવી દેશે તો ફાવશે. તું નાયર અંકલને મળી આવ, હું થોડીવાર ટેનિસ મૅચ જોઈશ પછી ઑફિસનું થોડું કામ છે તે પૂરું કરીશ, આપણા બધાને માટે પોંડિચેરી અને કેરાલાના બુકિંગ માટે સૌમિલ સાથે ચેટ પણ કરવાની છે.” સલોની હસતાં હસતાં કહે; “મને ખબર છે તું ફક્ત સોફામાં સૂતાં સૂતાં મૅચ જ જોવાનો છે, પણ મને આવતાં મોડું નહીં થાય.”
એ જ્યારે નાયર અંકલના ઘરે પહોંચી ત્યારે ગાલા આંટી, સોમૂ અને શગૂફ્તા કુરેશી આવી ગયા હતા અને વાતોમાં મશગૂલ હતા. સલોનીને આવી પહોંચેલી જોઈ બધાના મોં પર સ્મિત આવી ગયું. ગાલા આંટીના દિકરાએ આવતા અઠવાડીએ એમના ગામના એક સંબંધી સાથે આંટીને ગામ મોકલવાની તારીખ પણ નક્કી કરી દીધી હતી. એ પોતાના પરિવાર સાથે નવા ઘરમાં જવા ઉતાવળો થતો હતો એટલું જ નહીં, આ ફ્લેટ વેચ્યો ન હતો કોઈને ભાડેથી આપ્યો હતો, આ ખબર કિશનસીંઘચાચા લઈ આવ્યા હતા. તેમણે આજે સવારે બે-ત્રણ જણને ઘરનું સરનામું શોધતા જોયા હતા, પૂછતા જાણવા મળ્યું કે આવતા અઠવાડીએ તેઓ અહીં ભાડેથી રહેવા આવવાના છે. આ બધું જાણીને ગાલાઆંટીને બહુ જ દુઃખ થયું કે મને સાથે ન રાખવી હોય તો કાંઈ નહીં પણ મને આ જૂના ઘરમાં રહેવા દીધી હોત તો ઉંમરના છેલ્લા વર્ષો પરિચીત પાડોશીઓ સાથે સારી રીતે પસાર થઈ ગયાં હોત અને તમારા અંકલની યાદોથી ભરેલા આ ઘરમાં મને એકલું પણ ન લાગ્યું હોત. શગૂફ્તાએ સલોનીની સામે જોઈને કહ્યું આંટીને એમનો સામાન પેક કરતી વખતે અંકલના જૂનાં કપડાંની વચ્ચેથી ગામના ઘરનો દસ્તાવેજ મળી આવ્યો છે. એ ઘર સદનસીબે હજુ અંકલ-આંટીના નામે જ છે. આંટીએ પહેલીવાર ડહાપણનું કામ કર્યું, ઘરમાં કોઈને ય આ પેપર્સની વાત નથી કરી અને સીધા મારી પાસે લઈ આવ્યા.ગાલાઆંટી કહે જયારે અંકલનો બિઝનેસ સારો ચાલતો હતો ત્યારે એમને એકવાર વિચાર આવ્યો હતો કે ગામનું ઘર શાળા બનાવવા માટે દાનમાં આપી દઈએ, પણ થોડું સમારકામ કરાવવું પડે તેમ હતું, તેમાં જ આ ઘર રહી ગયું. “અને આમ પણ ગામમાં એ ઘરને વેચવા જઈએ તો બહુ પૈસા મળે નહીં”, નાયરઅંકલ વચ્ચે બોલ્યા. સોમૂ કહે જેટલા આવે એટલા આંટીને કામ તો લાગે. શગૂફ્તા કહે અમે એવું વિચારીએ છીએ કે નાયર અંકલ અને સોમૂ ગામ મૂકવા જઈએ છીએ કહીને આંટીની સાથે ગામ જઈને ઘર વેચીને એની રકમ આંટીના નામે બેંકમાં મૂકી દેશે. ત્યાંથી આવી જાય પછી તમે બધાં આંટીને સીધા વન્સ મોર લઈ જજો, એમનો સામાન મારા ઘરે રાખજો એ સના પછીથી વન્સ મોરમાં આંટીને આપી જશે. આંટી કડવું હસીને કહે સામાન તો શું હોય બેટા, બે જૂની બેગ માંડ માંડ ભરાઈ છે. તારા અંકલે ખાસ મારા માટે કરાવેલો કબાટ, પલંગ, મારા ભગવાનનું નાનકડું મંદિર મૂકીને જતાં મારો જીવ કપાઈ જાય છે.બધાં એમનું દુઃખ સમજી શક્તાં હતાં એટલે આશ્વાસનના ઠાલા વચન બોલવાને બદલે મૌન જ રહ્યાં. સલોનીએ વન્સ મોરની ઓફિસમાં જઈને આંટીમાટે જનરલ વિભાગની રુમ બુક કરી રાખવાની હતી અને હોસ્ટેલમાં રહેતા બાળક માટે લોકલ ગાર્ડિયનનું નામ જોઈએ એમ આંટીના લોકલ સંબંધીના નામની જગ્યાએ સલોની પોતાનું અને સમીરનું નામ લખવાની હતી. એમનાં દીકરાએ હજુ સુધી પોતે જ્યાં રહેવા જવાનો હતો ત્યાંનું સરનામું સુધ્ધાં જણાવ્યું ન હતું. સલોની આંટીની બાજુમાં બેસી ગઈ અને તેમને ખભે પ્રેમથી હાથ મૂકીને કહે તમે જરાય ચિંતા કરશો નહીં અમે બધાં તમારી સાથે જ છીએ. ગ્રુપના બધાંએ તમને મળવા આવવાના વારા ગોઠવી દીધા છે જેથી વન્સ મોરના સરસ બગીચામાં ફરવા અને બેસવા મળે. ઉપરાંત આ વન્સ મોરમાં આપણા ગ્રુપ જેવું જ ઍક્ટીવીટી સેન્ટર શરૂ થવાનું છે જેમાં તમારી થેપલા-ખાખરા બનાવવાની પ્રવૃત્તિ એમના કિચનની મદદથી ઝડપથી શરૂ કરી શકાશે. સેન્ટરના કામે મારે રોજ આવવાનું થશે એટલે હું તો તમને રોજ જ મળીશ. બધાંએ આંટીને સમજાવ્યું કે ઘરમાં આ બધી યોજના વિશે કાંઈ પણ ભોળાભાવે કહેવાની જરૂર નથી, બાળકોને પણ નહીં. આંટીને ઘરડે ઘડપણ આ બધું નાટક કરવું પડશે એ વિચારી પોતાની જિંદગી જે છેલ્લા એક વર્ષમાં જેવા જુદા જુદા રંગ બતાવતી હતી તે હવે ક્યાં જઈ અટકશે એમ થયું.
બધું નક્કી કરી બધાં છૂટાં પડ્યા અને આંટી પોતાના ઘરે આવ્યા. એમનું વિલું મોં જોવાની કે કાંઈ પૂછવાની કોઈને પડી ન હતી. માત્ર નાનો પૌત્ર એમનો પાલવ પકડી વળગ્યા કરતો, એને કંઈ સમજાતું ન હતું પણ એના ગમા-અણગમાની કોને દરકાર હોય. દિકરો-વહુ સામાનના પેકિંગમાં પડ્યાં હતાં, નવા ઘરે શું લઈ જઈશું, શું નવું ખરીદીશું એની ઉત્સાહભેર ચર્ચાઓ થઈ રહી હતી. આંટીએ દિકરાને બોલાવી લાવવા પૌત્રને કહ્યું. થોડા કંટાળાના ભાવ સાથે દિકરો આવીને ઊભો રહ્યો, હવે તારે શું પ્રોબલેમ છે જોતી નથી કેટલો કામમાં છું. આંટી અવમાનનો કડવો ઘૂંટડો ગળીને કહે એટલે જ કહું છું બે મિનીટ મારી પાસે શ્વાસ ખાવા બેસ. મજાક કરતાં હોય એમ હસવા ગયાં પણ ગળામાં ડૂમો બાઝી ગયો અને ચહેરો રડું રડું થઈ ગયો. દીકરો હજુ કાંઈ દુઃખ થાય એવું બોલી બેસે એ પહેલાં જ ગળુ ખંખેરીને કહે, સોમૂ અને નાયરભાઈ મને ગામ મૂકી જશે, તેઓની ઈચ્છા છે કે ઘર જોઈ રાખ્યું હોય તો અવારનવાર મળવા આવી શકાય. દીકરાના મોં પર વ્યંગ છૂપો ન રહ્યો, કહે હા ભાઈ તારા ગ્રુપવાળા તો તારા સાચા સગાં છે, બધા બધું બોલે પણ સાચેસાચ કોણ મળવા આવે છે તે હું જોઈશ. આંટી મનમાં કહે બેટા તને એટલું જોવા-જાણવાની ય પડી હોય તો મારા ભાગ્ય ઉઘડી જાય. મોટેથી બોલ્યાં એટલે મારે એ લોકો સાથે ગામ જવા માટે એક જ દિવસમાં નીકળવું પડશે, તું પેલા તારા ઓળખાણવાળા ભાઈને ના પાડી દેજે કે તકલીફ લેવાની જરૂર નથી.દીકરાના મોં પર આનંદ છૂપો ન રહ્યો. એક તો પોતે ધાર્યું હતું તેના કરતાં સરળતાથી અને બે-ચાર દિવસ વહેલી જ મા ગામ જવા તૈયાર થઈ ગઈ હતી. ઉપરથી પોતાની જાતે જ જતી હતી, એ મૂકવા ન ગયો હોત અને પરિચીત સાથે મોકલી હોત તો ગામમાં પોતાની બદનામી થઈ હોત. સારું, સારું તને જેમ ઠીક લાગે એમ કરજે એમ કહીને ત્યાંથી પોતાના રૂમમાં જતો રહ્યો. નક્કી કરેલા દિવસે આંટી પોતાની બે બેગ લઈ ગામ જતાં હોય એમ ઘરેથી નીકળ્યાં, ઘર તરફ એક છેલ્લી નજર નાંખીને આંખમાં આવી ગયેલા આંસૂ લૂછી નાંખ્યા. સામાન તો સના લઈને પોતાના ઘરે મૂકી આવી. દીકરા-વહુને સરખી વિદાય આપવાનું ય સૂઝ્યું નહીં. આંટીને હવે એની જરૂર પણ રહી ન હતી, એમનું મન ઉઠી ગયું હતું દિકરાની વર્તણૂંક ને લીધે. જ્યારે ગામ પહોંચ્યા ત્યારે મોટા ભાગના જૂના પરિચીતો રહ્યા ન હતા, કોઈ સ્વર્ગે સિધાવ્યા હતા તો કેટલાંકને દીકરાઓએ શહેરમાં સાથે રહેવા બોલાવી લીધા હતા. એમના પાડોશી હજુ હયાત હતા અને એ અંકલના જૂનાં મિત્ર હતા. એમણે અંકલની માંદગી અને મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું. આંટીને હિંમત રાખવા જણાવ્યું અને પોતાને લાયક કાંઈ પણ કામ હોય તો જણાવવાનું કહ્યું. નાયર અંકલે આ તકનો લાભ લઈ આંટીના દીકરાના સ્વાર્થી વર્તન અને આંટી પર આવી પડેલી આપત્તિ વિશે જણાવ્યું. સાથે સાથે આંટીને ઘર વેચવાની ઊભી થયેલી જરૂરમાં બની શકે તો મદદ કરવાની વિનંતી કરી. પાડોશી તો જાણે આ વાતની રાહ જ જોતા હોય એમ કહે, ભાઈ મારે જ આ ઘરની જરૂર છે. બીજા દીકરાના લગ્ન છે છ મહીનામાં, ભગવાનની દયાથી ખેતીમાં જ બધાં જોતરાયાં છે અને દીકરાઓને ભેગાં જ રહેવું છે. અમારું ઘર નાનું પડે છે, તમારું બાજુનું જ ઘર મળી જાય એથી રૂડું શું હોય! આંટી, નાયર અંકલ અને સોમૂ ના ધારવા કરતાં કામ બહુ સરળતા થી પતી ગયું. ગામથી પાછા આવીને નાયર અંકલ આંટીને વન્સ મોર માં લઇ ગયા. જયાં સલોની એમની રાહ જ જોતી હતી. બધાં આંટીને મૂકીને ગયા પછી આંટી પોતાના સ્વતંત્ર રૂમમાં એકલાં પડ્યાં અને પહેલી વાર ખૂબ મોકળા મને રડ્યાં.એમને થોડો હૈયા નો ભાર હળવો થયેલો લાગ્યો.”હવે પછી શું?”નો વિચાર કરવા માંડ્યાં.