Senior Citizen@home.in ..(14)

આકાશ પરાંજપે, એક મધ્યમ વર્ગીય કુટુંબમાં ઉછેરીને મોટો થયો હતો; જ્યાં વાંચન, સંસ્કાર, સંસ્કૃતિને ખૂબ સન્માન આપવામાં આવતું હતું. પિતા એક વીમા કંપનીમાં ઉચ્ચ અધિકારી હતા અને માતા બેન્કમાં ઉચ્ચ હોદ્દા પર હતા. સંયુક્ત કુટુંબ હતું, દાદા-દાદીની હુંફમાં એનો ઉછેર થયો હતો. બાળપણના મોટાભાગના રવિવાર દાદા-દાદી સાથે કરેલી પિકનીક, નાની,ટૂંકા અંતરની મુસાફરીની સ્મૃતીઓથી ભરેલા હતા. ક્યારેક કોઈ ધાર્મિક તહેવાર માટે, તો ક્યારેક કોઈ સંબંધીને ત્યાં સામાજીક પ્રસંગે, પણ દરેક મુસાફરી દાદા સાથે થતી વાતોથી યાદગાર બની જતી. દાદા એક સૈનિક હતા, પહેલાં બ્રિટીશ આર્મી અને પછી આઝાદ ભારતની આર્મીમાંથી સેવા-નિવૃત્ત થયા હતા. સ્ક્વૉશના સારા જાણકાર અને ખેલાડી હોવાને લીધે મોટી ઉંમર સુધી આર્મી ઑફિસરને અનુરુપ શરીરથી ચુસ્ત અને તંદુરસ્ત હતા.આકાશને પોતાના માતા-પિતાથી પણ વધારે દાદા-દાદીની માયા હતી. એ જ્યારે નોકરી માટે પૂનાથી મુંબઈ આવ્યો ત્યારે એને દાદીના હાથની મહારાષ્ટિ્રયન વાનગીઓ બહુ યાદ આવતી. જ્યારે પણ વીક-એન્ડમાં પૂના જતો દાદી આટલી મોટી ઉંમરે એની બાળપણની ફેવરીટ વાનગી અચૂક બનાવતી. પણ છેલ્લા બે વર્ષમાં આકાશે એના દાદા-દાદીને ગુમાવ્યા બાદ એ પૂના ખાસ કામ વિના જતો નહીં. દાદા તો સાવ સાજા, હરતા-ફરતા અચાનક એક દિવસ 95 વર્ષની ઉંમરે ગુજરી ગયા અને આકાશ એમને છેલ્લે મળી શક્યો નહીં. દાદી, દાદાના ગયા પછી એક જ વર્ષ જીવ્યાં અને ટૂંકી માંદગી માં ગુજરી ગયાં. આકાશ એમની છેલ્લી ક્ષણ સુધી એમની પથારી પાસે થી ખસ્યો ન હતો. એને હજુ ય દાદીનું કરચલીઓ વાળું મીઠું મલકતું મ્હોં યાદ આવતું. એના મીઠા અવાજે ગાયેલાં અભંગ અને જ્ઞાનેશ્વરીના શ્લોક હજુ એની સ્મૃતિમાં ગૂંજતા . એને જ્યારે ‘once more’ની જવાબદારી મળી ત્યારે પોતાની યોજનાઓ, પોતાના વિચારો વહેંચવા માટે દાદા-દાદીની ખોટ બહુ સાલતી.

સલોનીને જ્યારે સમીરે કહ્યું કે આકાશે એમ કહેવડાવ્યું છે કે રવિવારે એ એની ફિઆન્સી સાથે લંચ માટે આવશે. ઉપરાંત જ્યારે સમીર પાસેથી આકાશના એના દાદા-દાદી માટે ના એટેચમેન્ટ વિષે જાણ્યું ત્યારે જ એણે રસોઈમાં દેશમુખઆંટીની મદદ લેવાનું નક્કી કરી દીધું હતું.એમના કહ્યા પ્રમાણે દેશમુખઆંટી સમયસર સલોનીના ઘરે આવી ગયાં અને એમના ચપળ હાથ રસોડામાં ફટાફટ કામે લાગી ગયા. સલોની એમને મુગ્ધભાવે જોતી એમની સૂચના મુજબ મદદ કરવા માંડી અને બધું શીખવા માટે ઉત્સાહથી ધ્યાન આપવા માંડી. દેશમુખઆંટી બધું એને સ્નેહથી સમજાવતાં હતાં. બે કલાકમાં તો બધું બની ગયું અને સર્વિંગ બાઉલમાં બધું મૂકી દીધું, એટલે સલોનીએ માત્ર માઈક્રોવેવમાં ગરમ જ કરી લેવું પડે. સલોની આંટીને હેતથી ભેટીને કહે,” થેન્ક યૂ સો મચ તમારા વિના હું આટલું બધું અને આવું સરસ ક્યારેય બનાવી ના શકી હોત.” પછી એણે કાળજીથી અંકલ-આંટી માટે બધી વાનગી ટીફિનમાં ભરી દીધી. એટલામાં ડોરબેલ વાગી, સલોનીએ દરવાજો ખોલીને આકાશ અને એની ફિઆન્સીને સસ્મિત આવકાર આપ્યો. આકાશે બન્નેની ઓળખાણ કરાવતાં કહ્યું, “અનન્યા, આ સલોની છે, સોફ્ટવેર એન્જિયર છે અને સલોની આ છે ડૉ અનન્યા બર્વે, હમણાં જ એની જેરિઆટ્રીક્સની(વૃધ્ધાવસ્થાને લગતું વિજ્ઞાન) ફેલોશીપ પૂરી થઈ, ટૂંક સમયમાં જ ‘વન્સ-મોર’માં જોડાવાનો વિચાર ધરાવે છે.” “અને આકાશ પરાંજપેના જીવનમાં અને ઘરમાં પણ ટૂંક સમયમાં જ”, અંદરના રુમમાંથી બહાર આવીને સમીરે વાક્ય પૂરું કર્યું. એટલે અનન્યા કહેવા માંડી; “today for the first time he trusted me with his BMW and allowed me to drive his car, I think he is ready to trust me with his life!” એ સાંભળી બધાં સાથે હસી પડ્યાં. અનન્યા સલોનીના હૉલની સજાવટને રસપૂર્વક જોવા માંડી અને સલોની અનન્યાને. અનન્યા નમણી પણ એથ્લેટિક ફિગર ધરાવતી યુવતી હતી. એનો શ્યામ ચહેરો એની બુધ્ધિમત્તાના તેજથી ચમકતો હતો અને આંખો મૈત્રીપૂર્ણ સ્મિતથી. એના ઘટાદાર, કાળા વાળને ઢીલા અંબોડામાં વાળીને એમાં કોતરણીવાળો લાકડાનો સોયો ખોસ્યો હતો. ઓરિસ્સા હેન્ડલૂમની કુર્તીની નીચે જીન્સ હતું અને હાથમાં મોટા ડાયલ અને બ્રાઉન લેધર બેલ્ટવાળું ઘડીયાળ, કાનમાં નાના સોલિટેરના સ્ટડસ. બીજી કોઈ જ્વેલરી અને મેકઅપ વિના એના સૌમ્ય વ્યક્તિત્વમાંથી આપોઆપ સૌંદર્ય ઝળકતું હતું. સલોનીને અનન્યા પહેલી ઓળખાણમાં ગમી ગઈ. અનન્યા સલોનીના ઘરની સાદગીપૂર્ણ કલાત્મક સજાવટ જોઈને પ્રશંસા કર્યા વિના ન રહી શકી. ઑફવ્હાઈટ દિવાલોમાં એક વૉલ લાઈમ ગ્રીન રંગીને ત્યાં ટીવી અને એની નીચે વિશાળ બુકકેસ. એવા જ લાઈમગ્રીનની ફ્લોરલ ડિઝાઈનવાળા ઑફવ્હાઈટ સૉફા અને ઝાડના થડના નેચરલ શેપને જાળવતું સેન્ટર ટેબલ. એક કોર્નરમાં બ્રાસની કોતરણીવાળી હેંગિગ દિવીઓને લેમ્પની જેમ લટકાવીને નીચે રૉકિંગ ચેર હતી. એન્ટ્રન્સ પાસે જ કલાત્મક સીસમના ટેબલ પર ગણેશજીની મોટી બ્રાસની મૂર્તિ વરદહસ્ત કરી આવકારતી હતી. બાલ્કનીમાં રટ્ટન કૉફી ટેબલ અને બે ચેર સાથે ખૂબ બધાં પ્લાન્ટસ. સૉફા પાછળની વૉલ પર એક પૂર્ણકદનું પિછવાઈ પેઈન્ટીંગ હતું જેમાં કૃષ્ણની રાસલીલાનું દ્રશ્ય સુંદર લાગતું હતું. સલોની અને અનન્યા એકબીજા સામે જાણે જૂના મિત્રો હોય એમ હસી પડ્યાં, બન્નેને એકબીજાનું વ્યક્તિત્ત્વ ગમી ગયું. સલોની દેશમુખઆંટીને રસોડામાંથી બહાર બોલાવી લાવી અને એમની ઓળખાણ આપી, તરત જ આકાશ અને અનન્યા એમને વાંકા વળી પગે લાગ્યા. આંટી ખુશીથી ગદ્ગદ્ થઈ ગયાં, કહે હવે હું જાઉં અંકલ રાહ જોતા હશે તમે બધાં આનંદથી જમજો. જ્યારે આકાશ અને અનન્યાએ જાણ્યું કે બધી રસોઈ આંટીએ બનાવી છે ત્યારે એ બન્નેએ પણ અંકલને બોલાવીને લંચમાં જોડાવા બહુ આગ્રહ કર્યો. આંટીએ બીજીવાર ચોક્કસ એવો કાર્યક્રમ ગોઠવીશું, એવું હસતાં હસતાં કહી સલોનીના માથે સ્નેહાળ હાથ ફેરવીને વિદાય લીધી. સલોની બધું ડાઈનીંગ ટેબલ પર ગરમ કરીને ગોઠવવા માંડી. વરણ ભાત, ભરલેલી વાંગી, કોથુંબીર વડી અને હોમમેડ આમ્રખંડ. આકાશની આંખમાં ભિનાશ ફરી વળી એની દાદી અને બાળપણ એની સમક્ષ આવી ગયા. એનું મન સલોનીના સ્નેહાળ હ્રદય માટે માનથી ભરાઈ ગયું.
ચારે જણ આનંદથી જમતા વાતોમાં પડી ગયા. આકાશ કહી રહ્યો હતો કે એ અત્યારે વન્સ મોરના બીજા બે સેન્ટરને સાથે શરુ કરવાની તૈયારીમાં સખત વ્યસ્ત છે, એક સિમલા પાસે અને બીજું દાર્જિલીંગ પાસે, જ્યાં વિશાળ જગ્યામાં હોવાને કારણે કપલ્સ માટેના નાની પેન્ટ્રીવાળા કોટેજીસની સગવડ આપી શકાશે. સલોની એને વચ્ચેથી અટકાવીને કહે માફ કરજો, પણ એ સેન્ટર્સ વિશે હું પછી મારા સજેશન્સ કહીશ, પણ અહીંના સેન્ટર માટે મારે બે-ચાર અગત્યની વાત કહેવાની છે. આ સેન્ટરમાં એક મકાન મને એક્ટિવિટી સેન્ટર શરુ કરવા આપો, એક વર્ષ મને મારી યોજનાઓ પ્રમાણે કામ કરવાની તક આપો તો હું આજે તમારી સાથે જોડાવા તૈયાર છું. એ એક વર્ષના અંતે તમને અને મને એવું લાગે કે આ યોજનાઓ સફળ નથી થઈ રહી અને વન્સ મોર માટે બોજારુપ બની રહી છે તો હું સ્વેચ્છાએ અલગ થઈ જઈશ અને મારી રીતે એને સફળ કરવા પ્રયત્નો કરીશ. આકાશ કહે;” હું તમારા નિર્ણયથી બહુ જ ખુશ થયો છું અને શુભેચ્છા આપું છું કે તમે સફળ થાઓ પણ તમારી યોજના મને વિસ્તારથી કહો તો તેને અમલમાં સારી રીતે મૂકી શકાય.”
સલોની કહેવા માંડી મોટા શહેરોમાં પતિ-પત્ની બંને જણે કમાવું પડે છે અને જેવી રીતે બાળક માટે ક્રેશ, પારણા-ઘરની સગવડ વિશે વિચારીએ છીએ એવી જ રીતે ઘરડાંઓ માટેના ડે-કેર, એક્ટિવિટી સેન્ટર કેમ ના બનાવી શકાય!? બાળકોને લેવા-મૂકવા જેવી રીતે આયા સાથેની બસ હોય છે એવી રીતે વૃધ્ધોને ઘરથી લાવવા-લઈ જવા માટે એટેન્ડન્ટવાળી બસ રાખી શકાય. અહીં એકવાર સેન્ટર પર આવી જાય પછી દરેક જણનું વ્યવસ્થિત રજીસ્ટ્રેશન કરવામાં આવે. અમારા ગ્રુપની જેમ તેમને તેમની રુચિ, શક્તિ અને આવડત પ્રમાણે પ્રવૃત્તિઓમાં જોડી શકાય અને ઓછા શ્રમમાં અર્થોપાર્જન થઈ શકે એવી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવે તો આ આખી પ્રવૃત્તિ સ્વાવલંબનથી ચલાવી શકાય. જે વૃધ્ધો પોતાના પરિવારોમાં સન્માનપૂર્વક આનંદથી જીવી રહ્યા એમના વિશે આ વાત નથી, આ એવા લોકો માટે છે જેમનું ઘરમાં રહેવું પરિવારના અન્ય લોકોને ખટકે છે અને સામાજીક ડરથી એમને ઘરમાં તો રાખે છે પણ અપમાનજનક વર્તાવ કરે છે, માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. જો આવા લોકોને વન્સમોર ના જનરલ વિભાગની જાણ થાય તો તરત જ એમના મા-બાપને મૂકી જશે અને પોતાની જવાબદારી ઉઠાવવામાંથી છટકી જશે.એવા પરિવારોને સમજાવી શકાય કે તમારી જવાબદારી તમે સારી રીતે નિભાવી શકો એ માટે સેન્ટર તમને સહાયરુપ થઈ રહ્યું છે પણ દિવસના અંતે મા-બાપનું સાચું સ્થાન તેમના ઘરમાં પરિવારજનોની વચ્ચે જ છે. આ સાથે હતાશ થયેલા, એકલવાયા વૃધ્ધોમાં એ આત્મવિશ્વાસ જગાડવો છે કે તેઓ થોડી સગવડ અને સહાય મળે તો સન્માનપૂર્વક, સમાજોપયોગી જીવન જીવી શકે. પોતાને સંતાનોના આશરે પડેલા લાચાર માનવાને બદલે સ્વનિર્ભર, ખુશખુશાલ માનવીઓની જેમ જીવે. સલોનીને જમવાનું પૂરું થઈ ગયા પછી પણ વાતોમાં ગરકાવ જોઈ સમીર બધી પ્લેટસ અને કન્ટેઈનર્સ કિચનમાં લઈ જવા માંડ્યો એટલે અનન્યા પણ ઊભી થઈને ચૂપચાપ એને મદદ કરવા માંડી, ટેબલ સાફ કરીને સમીર અનન્યાની મદદથી આઈસક્રીમના બાઉલ્સ ભરીને લઈ આવ્યો અને બધાંની સામે મૂકી દીધા, સલોનીનું હવે ધ્યાન ગયું એ શરમાઈને કહે સોરી અનન્યા તમારી મહેમાનગતિ કરવાને બદલે તમને કામે લગાડી દીધાં. અનન્યા તરત વિરોધ નોંધાવીને કહે સરખે-સરખા મિત્રો વચ્ચે આવી વાત નહીં કરવાની અને મને ‘તમે’ ન કહેશો આપણે ઉંમરમાં સરખા જ છીએ, તમારી વાતો ખરેખર અનોખી અને રસપ્રદ છે, સાચે જ એ અમલમાં મૂકી શકાય તો સમાજમાં અદ્ભુત પરિણામ લાવી શકાય. એક ફિઝીશ્યન અને ખાસ કરીને એક જેરિઆટ્રીક્સ સ્પેશ્યાલિસ્ટ હોવાને નાતે હું કહી શકું કે વૃધ્ધોની પોતાની આગવી સમસ્યાઓ હોય છે અને દુર્ભાગ્યે સમાજમાં અને મેડિકલ પ્રોફેશનમાં પણ એના પર ઝાઝું ફોકસ કરવામાં આવતું નથી

old-age

7 thoughts on “Senior Citizen@home.in ..(14)

  1. “today for the first time he trusted me with his BMW and allowed me to drive his car, I think he is ready to trust me with his life!” ~ That’s 🙂

    Like

      1. અરે નાં ! મારે હજુ ઘણા પ્રકરણ બાકી છે પણ આગળના હપ્તા પણ ચૂકાઈ ન જાય માટે તે હપ્તાઓ પણ વાંચું છું.

        પણ શ્રેણી નિતાંત લાગણીઓથી કાળજીપૂર્વક આલેખાયેલ છે , તો તમારે મારા સજેશનની તો બિલકુલ જરૂર નથી , જરાપણ નઈ ! તમતમારે આ જ વહેણથી વહ્યા રાખો 🙂

        Liked by 1 person

        1. I have started writing it with a force I never knew it was existing before!! Still it’s pushing me further. So I need a neutral perspective.

          Like

Comments are closed.