ધારું તો સમેટી લઉં જાતને એક ક્ષણમાં વસી શકું
ધારું તો અનાદી અનંતકાળ થઈ સતત વહી શકું

ખરતા તારાઓના પ્રકાશવર્ષ જેવું જીવી લઉં
ધારું તો આકાશગંગા થઈ યુગો સુધી વહી શકું

એક ફૂલની ખૂશ્બુ માં બાગેબહાર શ્વસી લઉં
ધારું તો ચિરંતન વાસંતી હવા જેવું વહી શકું

એક હુંફાળા શ્વાસ ની આંચે આયખું આખું પીગાળું
ધારું તો  હિમશીલા થઈ વડવાનલોની પાર તરી શકું

એક આંસુના અરીસે સર્વે ક્ષણભંગુર નિહાળી લઉં
ધારું તો એક બિંદુમાંથી સકળ સૃષ્ટિ રચી શકું
– નેહલ

Poetry , my poems © Copyright 2017, Nehal