તરસ્યા હરણરૂપે

તમે હાજર હતાં એકાંતમાં વાતાવરણરૂપે,
સુખદ શ્વાસો સમય દેતો હતો એકેક ક્ષણરૂપે.

રૂદનનું બે ઘડી આતિથ્ય સ્વીકાર્યું છે આનંદે,
નિમંત્રણ છે તમોને પણ, પધારો સંસ્મરણ રૂપે.

દિવસ ધોળા કરે છે યાદ જ્યારે શ્યામ રજનીને,
તો એ આવી રહે છે મારા મનની મૂંઝવણરૂપે.

વલખતા વિશ્વના વલખાટનું હું મધ્યબિંદુ છું,
પડ્યો છું એના હૈયામાં વહેતા કોઈ વ્રણ રૂપે.

મૂકી છે દોટ બન્નેએ, હવે જે થાય તે સાચું,
જમાને ઝાંઝવારૂપે, અમે તરસ્યા હરણરૂપે.

અમે પણ કંઈ હકીકતરૂપ વાંચી છે વસંતોને,
દીઠાં છે ઓસબિંદુ પાન ઉપર અવતરણરૂપે.

‘ગની’ આ ગૂંગળામણ છે કોઈ મૂગાની વાચાસમ,
પ્રગટશે કોઈ દિવસ, કોઈમાં પણ કોઈ પણ રૂપે.
– ગની દહીંવાલા
સુખનવર શ્રેણી
સંપાદન: ચિનુ મોદી,કૈલાસ પંડિત.

5 thoughts on “તરસ્યા હરણરૂપે – ગની દહીંવાલા

Comments are closed.