હું
રસ્તામાં નિજના ભારથી ભાંગી પડેલ હું,
મારી જ આસપાસમાં ટોળે વળેલ હું.
કંઈ ઠાવકાં ઠરેલ શો સાબિત થયેલ હું,
પાંપણ ઉપરથી આંખમાં પાછો ફરેલ હું.
જીવન ભર્યું ભર્યું અને ભયથી ભરેલ હું,
લાખેણી લાગણીની લગોલગ ઊભેલ હું.
વાતાવરણના મોભથી નેવાં વહી રહ્યાં,
ભીના સમયના આંગણે પલળી ગયેલ હું.
નીકળી હતી ચમનથી નનામી વસંતની,
સાથે થયો’તો નિજને ઉપાડી ઊભેલ હું.
વાણી વિના વિષાદને વાચા અપાવવી,
મોઢે નિરાંતે આવીને બેસી ગયેલ હું.
ઊકલી જશે દુઃખોની સમસ્યા બધી ‘ગની’,
તો ક્યાં જઈશ શેષ રૂપે રહી ગયેલ હું?
ગની દહીંવાલા
સુખનવર શ્રેણી
સંપાદન : ચિનુ મોદી, કૈલાસ પંડિત