કેટલાક મારા પ્રિય અશઆર

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
.. .. .. ..
હા, કાલે ઊંઘમાં પલળી ગયાં તાં સપનાંઓ,
જુઓને, સૂકવ્યાં છે આજ અહીં અગાસીએ.
. . . . . .
મને ખબર છે ભરી તી મેં પેનમાં શાહી,
લખું તો કાગળો ઉપર સમુદ્ર વહી આવ્યો.
.. .. .. ..
આ મારો હાથ પઢે કોરા કાગળોમાં નમાઝ,
કલમઘસુને હવે ખ્યાલ ખુદાનો આવ્યો.
. . . . .
અને એ ઘટનામાં આકાશ સંડોવાય સતત,
સાવ ફાટેલ છે મારી પતંગ યાદ આવે.
… … …
આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત,
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.
. . . . .
છે, પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે?
– – – – –
લખ્યો છે મારી હયાતીનો એક દસ્તાવેજ,
બંધ પરબીડિયું છું હું છતાં ટપાલ નથી.
.. .. .. ..
ક્ષણોને સાટવું, સૂંઘું ને મુક્ત છોડી દઉં,
હું તો પારેખ છું પારેખ, કોટવાલ નથી

……. …….. …….. ….

માગ માગ

ગુલાલ માગ, ગરલ માગ, કે ગમે તે માગ,
પરંતુ હે રમેશ, આ સમય કહે તે માગ.

આ તારા શ્વાસ મસાલોભરેલું પંખી છે,
કોઈ મ્યુિઝયમમાં હવે એને ગોઠવે તે માગ.

જડે એ ઘટનામાં ગર્ભિત હો એનું ખોવાનું,
તો હાથ વ્યર્થ ધૂળધૂળ ના રમે તે માગ.

રાતના છાંયામાં ઢંકાઈ જાય છે મૃગજળ,
હે આંખ, જા અને સવાર ના પડે તે માગ.

ઊડે પતંગિયું તે પણ ગણાતું અફવામાં,
આ સગ્ગી આંખ તો આંખોવગી રહે તે માગ.

સૂર્ય ઘરમાં ઉગાડવાની જીદ છોડી દે.
આ ઠરતા કોડિયા પાસેથી જે મળે તે માગ.

એક ઘડિયાળ ધબકતી રહે છે ઘટનામાં,
કદીક તારું ધબકવું તને મળે તે માગ.

માગવા પર તો પ્રતિબંધ નથી, માગી જો,
કદીક લોહીની દીવાલો ફરફરે તે માગ.

છે શ્વાસ ટેવ, નજર ટેવ, ટેવ છે સગપણ,
હવે રમેશ, બીજી ટેવ ના પડે તે માગ.

– રમેશ પારેખ ( 3/12/76, 4/12/76, 5/12/76, 9/12/76)
રમેશ પારેખની શ્રેષ્ઠ ગઝલોમાંથી
સંપાદક:રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

One thought on “માગ માગ – રમેશ પારેખ

Comments are closed.