એણે એની એક આંખ બંધ કરી, હવામાં હાથના અંગૂઠાને સામે સર્પાકારે ફેલાયેલા હાઈ-વે ને ઢાંકી દેવો હોય એમ ઊંચો કર્યો. એક ક્ષણ એને એવું લાગ્યું કે સતત વહે જતો નાની-મોટી કાર નો કાફલો એના એક અંગૂઠાની તાકાતથી રોકી શકે, ઢાંકી દઈ શકે છે. એના મનમાં એક અજબ જેવી ખુશી, સંતોષ અને ગર્વની લાગણી છલકાઈ ગઈ. અરે ચલના, ઐસે કિતની દેર ઈધર બૈઠના હૈ તેરેકુ , રાજુએ વિચારોમાં ડૂબેલા પ્રશાંતને થોડા ચીડભર્યા અવાજે કહ્યું. પ્રશાંત લગભગ દસેક મીટર ઊંચા હોર્ડીંગને ચિતરવાનું કામ પૂરું થયા પછી હજી એના પરથી લટકાવેલા સાંકડા ઝૂલા પર લટકતો બેઠો હતો. રાજૂને હંમેશાની જેમ કામ પતાવીને ઘરે ભાગવાની ઉતાવળ હતી અને પ્રશાંતને હંમેશની જેમ બિલકુલ ઉતાવળ ન હતી. એ ઘણીવાર એનું કામ અંધારા ઉતરવા માંડે ત્યાં સુધીમાં પૂરું કરતો અને પછી દિવાબત્તીના ટાણાની, એક એક કરીને ઊંચા મકાનોમાં ઝળહળતા અને વહી જતા ટ્રાફીકની લાલ-પીળી લાઈટનાં ચમકતા ટપકાંઓની જાદૂઈ દુનિયામાં ખોવાઈ જતો.આના જેવા અનેક કામના દિવસોએ પ્રશાંત આવી ભયજનક ઊંચાઈ પર બેઠો હોવા છતાં એક અનોખા આનંદનો અનુભવ કરતો. આંખો સામે ફેલાયેલો દિલધડક નજારો, સૂસવાટા સાથે વહેતી હવા એને જાણે પોતે દુનિયાની ટોચ પર હોય એવો અનુભવ થતો. આજે એના મનમાં સ્મરણોની ભરતી ચઢી હતી.
પ્રશાંતનું બાળપણ એક નાનકડા ગામડામાં વિત્યું હતું. એને ના-મોટા ઝાડ પર ચડવાનું બહુ ગમતું, ધીરે ધીરે એ એની મનગમતી પ્રવૃત્તિ, એક જાતનું વળગણ બની ગઈ. જ્યારે પણ એ નવરો પડે કે ઊંચામાં ઊંચા ઝાડને શોધીને સડસડાટ ચઢી જતો. ઝાડની ટોચ પરથી એને ગામનાં રમકડાંના હોય એવા ઘરો, લીલા રંગની વિવિધ રંગપૂરણીવાળા ખેતરો અને જંતુ જેવા લાગતા પ્રાણીઓને જોવાની ખૂબ મઝા પડતી.ધીરે ધીરે આ મનગમતી પ્રવૃત્તિ તેના માટે એક અનોખા આનંદ અને સંતોષનો સ્રોત બની ગઈ. વૃક્ષો પર કલાકો બેસી રહીને એની સમક્ષ રંગબેરંગી જીવ-જંતુઓ, વિવિધ પંખીઓ, તેમના ભાત-ભાતના માળા, ઈંડા, નવજાત બચ્ચાં,પાંદડાં અને ફૂલોનું એક અદ્ભુત વિશ્વ ખૂલી ગયું. તેના ગામના બીજા બાળકો માટે પણ ઝાડ પર ચઢવાની, રમવાની નવાઈ ન હતી, પણ પ્રશાંત એકલો જ જાણતો હતો કે ઊંચાઈઓ પર ચઢીને બેસવાનો રોમાંચ કેવો હોય. ઘણીવાર એ ઈલેક્ટ્રિક ટાવર પર પણ ચઢી જતો હતો પણ એકવાર એ માટે પોતાના પિતાના હાથનો માર ખાધા પછી એ સાહસ ફરી કરવાનું માંડી વાળ્યું હતું. આ ઝાડની ટોચ પરની દુનિયાએ એને ચિત્રકળા તરફ વાળ્યો. ભણવાનું એને ક્યારેય ફાવ્યું નહીં પણ ચિત્રકામમાં પૂરા માર્કસ લઈ આવતો. ચિત્રશિક્ષક એના દોસ્ત બની ગયા અને દાદી પછીની સૌથી પ્રિય વ્યક્તિ બની ગયા. એ એની ઝાડ પરની સાહસીક સફર દરમ્યાન જોયેલી જીવસૃષ્ટિનું એના ચિત્રશિક્ષક સામે વિસ્તાર થી વર્ણન કરતો અને એ એને બધું કેવી રીતે કાગળ પર રંગોથી કેવી રીતે ઉતારવું તે શિખવતા.
દાદીમાંની હુંફ અને વાર્તાઓની સુંદર, સરળ દુનિયાનો અચાનક દુઃખદ અંત આવી ગયો જ્યારે એનું ગામ ભૂકંપમાં લગભગ નાશ પામ્યું. એણે એનાં મા-બાપ અને વ્હાલાં દાદીમા ગુમાવ્યા, એથી વધુ એની બાળપણની સુંદર દુનિયા નાશ પામી.એના મામા, જે મુંબઈના એક ફિલ્મ સ્ટુડિઓમાં કામ કરતા હતા, આવીને પ્રશાંતને પોતાની સાથે મુંબઈ લઈ આવ્યા. પ્રશાંત દિવસો સુધી આઘાત અને શોકમાં મૂંગો રહ્યો. મામા સાથે સ્ટુડિઓમાં રોજ જતો અને કોઈ જાતના રસ વિના મૂંગા મૂંગા બધું જોયા કરતો.એના મામા બહુ દયાળુ અને સમજદાર માણસ હતા, એક નાનકડા ગામથી દુઃખદ સંજોગોમાં મુંબઈ જેવા મોટા શહેરમાં અચાનક આવી ગયેલા પ્રશાંતનું દુઃખ, એકલવાયાપણાની લાગણી સમજતા હતા. એ ક્યારેય પ્રશાંતને કાંઈ પણ કરવાનો દુરાગ્રહ રાખતા નહીં. હા, એ જ્યાં પણ કામે જતા ત્યાં પ્રશાંતને સાથે લઈ જતા. તેમને થતું કે પ્રશાંત નવું નવું જુએ અને એનું મન નવી વાતોમાં લાગે તો જૂની વાતોનું દુઃખ ભૂલતો જશે. એમણે પ્રશાંતને નજીકની મ્યુિનસીપલ સ્કૂલમાં દાખલ કર્યો. પણ એનું મન ભણવામાં ખાસ ચોંટ્યું નહીં, હા પહેલાંની જેમ ચિત્રકામના વિષયમાં પૂરા માર્કસ લઈ આવતો. જેમતેમ દસમું ધોરણ પાસ થયો અને મામાની ઓળખાણથી ફિલ્મના પોસ્ટર, સેટ વગેરે ચિતરવાનું કામ મળવા માંડ્યું.એને એના મામા સાથે રહેવાનું, બધે ફરવાનું ધીરે ધીરે ગમવા માંડ્યું. મામા જે પણ સ્ટુડિઓમાં જતા બધાની સાથે પ્રશાંતની ઓળખાણ કરાવતા અને એની કુશળ ચિત્રકારીના બધા સામે ખૂબ વખાણ કરતા.
એકવાર એક ફિલ્મ સ્ટુડિઓમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક લાઈટમેન આવ્યો ન હતો, કોઈકે પ્રશાંતના કાકાને પૂછી જોયું કે એની જગ્યા પર પ્રશાંત થોડા કલાક કામ કરી શકે, એમાં એક ઊંચા લોખંડની પાઈપથી બનેલા માંચડા પર ચઢીને ઊભા રહેવાનું હતું અને જ્યારે જેમ કહેવામાં આવે તેમ લાઈટને ઘૂમાવવાની હતી. જ્યારે પ્રશાંતને એના મામાએ પૂછ્યું ત્યારે પહેલી જ વાર એની આંખોમાં ખુશીનો ઝળહળાટ દેખાયો.એ જરાય ગભરાયા વગર માંચડા પર ઝડપભેર ચઢી ગયો. એની ઝડપ અને નિર્ભયતાથી ત્યાં હાજર રહેલા બધા ચક્તિ થઈ ગયા. પ્રશાંતના મામાને તેની સલામતીની ચિંતા થઈ પણ જ્યારે પ્રશાંતની ચપળતા જોઈ અને એને ખુશ જોયો એઓની ચિંતા દૂર થઈ ગઈ. આ ઘટના પછી તો પ્રશાંતને એવા ઘણા કામની ઑફર મળવા માંડી જેમાં ઊંચાઈ પર ચઢીને કાંઈ પેઈન્ટીંગ કરવાનું હોય. એટલે એ વખતે જ્યારે મોટા મોટા હોર્ડીંગ્સ પેઈન્ટ થતા હતા, ત્યારે બધા પ્રશાંતને સૌથી પહેલા યાદ કરતા. અને આમ કરતા કરતા એ આ સાવ અજાણ્યા શહેરને ક્યારે ચાહવા માંડ્યો અને ઊંચાઈઓથી દેખાતા શહેરની પોતાની સ્પ્નસૃષ્ટિમાં વસવા માંડ્યો, એને ખબર જ ન પડી.
આજે આ ઊંચાઈ પર બેસીને, સામે દેખાતી અદભુત દુનિયા જોઈને એને એની દાદી અને એની વાર્તાઓ બહુ યાદ આવી, ખાસ કરીને એને સૌથી વધારે ગમતી વામનઅવતાર. વામન એ ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર, જ્યારે બલિ રાજાની પરાક્રમી સેનાની વિજયકૂચથી ઈન્દ્રનું સિંહાસન જોખમમાં આવી ગયું ત્યારે ઈન્દ્ર અને બીજા દેવો ભગવાન વિષ્ણુની મદદ માંગવા ગયા. વામન બ્રામ્હણના વેશમાં બલિ રાજાનો જ્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં ગયા. જ્યારે એમને જે જોઈએ તે દાન આપવાનું બલિ રાજાએ વચન આપ્યું ત્યારે વામને પોતાના ત્રણ પગલાં જેટલી ભૂમિ માંગી. બલિ રાજાએ ખુશીથી આપવાની હા પાડી. એટલે વામન અવતારમાં રહેલા ભગવાન વિષ્ણુએ પોતાનું કદ અનેક ગણું વધારી દીધું, પહેલા અને બીજા પગલામાં પૃથ્વી અને સ્વર્ગ સમાવી લીધા, ત્રીજા પગલા માટે જગ્યા ન રહેતા બલિ રાજાએ પોતાનું મસ્તક ધરીને પાતાળમાં જવાનું સ્વીકારી લીધું. દાદી બલિ રાજાની વચનબધ્ધતા અને દાનવીરતાની વાત કરતી પણ પ્રશાંતને તો વામનનું અચાનક વિરાટ થઈ પોતાના પગલાંઓમાં સ્વર્ગ અને પૃથ્વી સમાવી લેવું અત્યંત રોમાંચકારી લાગતું. એને પોતાને પણ વામનની જેમ પોતાના પગલાંમાં ધરતી સમાવી લેવાનું મન થતું.
આજે હોર્ડિંગ્સની ઊંચી સ્લીંગ ઝૂલા પર બેસીને એને બાળપણનું વામન બનવાનું સપનું બહુ યાદ આવ્યું અને કેવું અજબ રીતે સાકાર થયું એનો આનંદ થયો.
– નેહલ
