લક્ષ્મી ડોબરિયા, ગઝલસર્જકો માં એક માનભેર લેવાતું નામ. મારે અહીં એમનો પરિચય આપવાનો ન હોય. એમની વર્ચ્યુઅલ મૈત્રીનું મારે મન અદકેરું મહત્ત્વ છે. એમની રચનાઓ માં સ્વયંસિધ્ધાની ખુમારી સાથે એક દ્રષ્ટાની દ્રઢતા છે. જીવન ની ગહન સમજણ અને ડહાપણ ના મજબૂત પાયા પર રચાયેલી ગઝલોની ભાષા સૌમ્ય છે. ગંગાસતીની જેમ વીજને ઝબકારે પરોવાયેલા મોતી છે, સૂઝ અને સમજણ ના ટાંકણે કંડારેલું જીવનશિલ્પ છે.
મારા મનગમતા અશઆરમાંથી થોડા અહીં મૂક્યા છે, ફરી ફરીને વાંચવી ગમે એવી અનેક રચનાઓ છે, જે ક્યારેક સંતવાણી લાગે તો ક્યારેક સહ્રદયી મિત્રની ગોષ્ઠિ લાગે. એમના શબ્દો પર વિચારી જોશો તો જીવનની ગૂંચોને સરળતાથી ઉકેલી નાંખતા મંત્ર અને મર્મ મળી આવશે.
પોતીકો છે અવાજ ને પોતીકું મૌન છે,
અજવાળું લૈ ઉછીનું ગુજારો નથી કર્યો.
હોવાનો અર્થ એમ જોયો મેં
ઓસ પણ આફતાબ હોઈ શકે.
આ સમયની શારડીથી,
કેટલી ક્ષણ વાંસળી થઈ.
આંસુ જો કોઈના તને ના ભીંજવી શકે,
તર્પણને માટે ઘાટનો કૈં અર્થ સરસે નહિ.
……….
આ ગઝલ એમના સંગ્રહ “તાસીર જુદી છે” માંથી લીધેલ છે.
વરસાદમાં કદાચ ન ભીંજાય શક્ય છે,
આષાઢ એની આંખમાં દેખાય શક્ય છે.
જાગી જવા ક્યાં સૂર્યનું ઊગવું જરૂરી છે?
પ્રશ્રો વડે ઉજાસ થઈ જાય, શક્ય છે.
તું તારું કદ વધારવા દોડ્યા કરે છે પણ,
અંતે તો ભીતરે તું સમેટાય, શક્ય છે.
ઓળખ મને જો મારી, મળી જાય તો પછી,
એના સુધી એ રીતથી પ્હોંચાય શક્ય છે.
ખાલીપણાંનું મૂલ્ય સવાયું કરી જવા,
ખાલીપો આ ગઝલમાં વલોવાય, શક્ય છે.
લક્ષ્મી ડોબરિયા
તાસીર જુદી છે (2015)
ખૂબ ખૂબ આનંદ સાથે આભાર.
મારા શબ્દોને તમે ખૂબ સરસ રીતે પ્રમાણ્યા છે. તમારી સમજણ અને કાવ્યપ્રીતિ માટે માન છે.
LikeLiked by 1 person
બ્લોગ ની મુલાકાત લેવા માટે આભાર! હજી પણ ઘણી તમારી રચનાઓ છે જે મને ખૂબ જ ગમે છે, એ અહીં રજૂ કરવાની ઈચ્છા છે.
Thanks for your kind words 😊😊
LikeLike
વાહ… નેહાબેન
લક્ષ્મીબેન ડોબરિયાની કલમને યોગ્ય રીતે પોંખી છે તમે.
આપના આભાર સાથે,લક્ષ્મીબેનને ગઝલપૂર્વક અભિનંદન.
ડૉ.મહેશ રાવલ
કેલિફોર્નીયા – અમેરિકા.
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર મારા બ્લોગની મુલાકાત લેવા બદલ અને આપના પ્રતિભાવ માટે!
LikeLike