જે છે તે માણવાનું – ત્રિપાદ કુંડળ- જવાહર બક્ષી

જે છે તે માણવાનું
ત્રિપાદ કુંડળ- 3

જે છે તે માણવાનું
પૃથક્કરણ ન કરવું
વાદળ કે ઝાંઝવાનું.

વાદળ અજળ-સજળ છે
દળ દળ ખૂલ્યા કરે છે
આકાશ પણ કમળ છે.

આકાશ છે ભ્રમર પણ
જો સાંભળી શકો તો
ઝીણો મધુર સ્વર પણ.

ઝીણો ઉજાસ પ્રગટે
ઊઘડે સ્મરણના રંગો
ચહેરાઓ કૈંક ઊમટે.

ચહેરાનાં વાદળોમાં
જન્મોજન્મનો ફેરો
બસ એક-બે પળોમાં

બસ એક-બે પળોમાં
ખોઈ દીધો મને પણ
તારી જ અટકળોમાં.

તારી ઉપસ્થિતિ પણ
આ સત્ય છે કે મૃગજળ
શ્રધ્ધા છે ને ભીતિ પણ.

શ્રધ્ધાના છાંયડાનું
સુખ એ કે બેસવાનું
જે છે તે માણવાનું.
જવાહર બક્ષી

River-HD-Wallpapers-8

3 thoughts on “જે છે તે માણવાનું – ત્રિપાદ કુંડળ- જવાહર બક્ષી

  1. બેમીસાલ રચના છે સાહેબ ની. આપડે ઘણો પ્રયત્ન કરીયે પણ આટલુ ઉમદા લખાતુજ નથી. 👌

    Liked by 1 person

    1. જવાહર બક્ષીની રચનાઓ ઉત્કૃષ્ટ ગુજરાતી સાહિત્ય નો અનિવાર્ય હિસ્સો છે. ફરી ફરીને વાંચવી ગમે!

      Liked by 1 person

Comments are closed.