તૃપ્તિ પાછળની તરસ
સાવ સાચું તો તમસ બાકી છે,
અંધ જન્મેલો દિવસ બાકી છે.
સૂર્યમાં તેજ ભર્યું છે જેણે,
એ જ અગ્નિની હવસ બાકી છે.
ઘર બળ્યે વારતા પૂરી ન થઈ,
મૂળ પાયાની કણસ બાકી છે.
આંખમાં હોય ભલે અંધારું,
સ્વપ્નમાં કૈંક સરસ બાકી છે.
એ પછી કામ કશું નહિ આવે
તૃપ્તિ પાછળની તરસ બાકી છે.
જવાહર બક્ષી
(પરપોટાના કિલ્લા)