વિસ્મૃતી

 

જૂની કેડીઓ પર પડે જાણે કો વિશાળકાય વૃક્ષ
ચહેરાઓ હળવેથી સરકતા જાય ભીના કાય પછીતે
નામ ની શાહી પલળેલા મન પર પ્રસરી જાય
અવાજ શોધતો રહી જાય ઓળખને
સંબોધનો થઈ જાય દિશાહીન, કપાયેલી પતંગ
સરનામાનાં શબ્દો એકબીજાનો હાથ ઝાલીને ખોળે ઠામઠેકાણું
રસ્તો જ રાખી મૂકે પરિચય પગલાંનો
સંબંધોનાં વ્હાણ થઈ જાય ક્ષિતિજ પરનાં ટપકાં
જતનથી જાળવેલી જણસ, ઊભી રહે સન્મુખ મ્હોં તાકતી
સુખ, દુઃખ, ખુશી, આંસુ ઘાટ ઘાટનાં રંગબેરંગી મણકા
પહેલાં પછી, પછી પહેલાં ઝઘડો સાવ નક્કામો
જીવ્યું સફળ, જીવતરનો બોજ, ચર્ચા સઘળી ઠાલી
એક સ્મૃતિ વિના સર્વ સંદર્ભો અર્થહીન
નેહલ

Poetry, my poems © Copyright 2016, Nehal