થોડું અંગત અંગત..
ફાધર વૉલેસ નો પરિચય આપવો એ સૂર્યને દીવો ધરવા જેવું છે. જે ત્રણ-ચાર વર્ષ દરમ્યાન મારે એમની સાથે પત્ર વ્યવહાર થયો અને એમણે એક પિતાતુલ્ય વાત્સલ્ય સાથે મારી જીવન પ્રત્યેની સમજ કેળવી, જીવન નું ઘડતર કર્યું એમનાં લખાણ, પત્રો દ્વારા, જે મારે માટે અમૂલ્ય ખજાના સમાન છે અને આજે એ જ હું આપની સાથે વહેંચી રહી છું. હેતુ એક જ છે કે આવા મહામાનવનું જીવન દર્શન બધા માટે છે, બોક્સના બંધિયારપણામાં મૂકી રાખવા નહીં.
એમના જન્મદિન નિમિત્ત અનેક શુભકામનાઓ ( 4th November)
.. .. ..
ચિ. નેહલ,
પરિણામ માટે અભિનંદન. હવે જરુર વાંચવામાં લાગી જજે અને ઉત્તમ ડૉક્ટર થવા માટે અત્યારથી તૈયારી કરજે. ખૂબ આનંદથી અને શ્રદ્ધાથી કામ કરજે. અને આમ કેમ થાય અને એનું કારણ શું હશે એ વાત જવા દે. ખરું વલણ નિરીક્ષણનું છે, પૃથ્થકરણનું નહિં. બધું જુઓ, નિહાળો, ઝીલો, પચાવો. તટસ્થ ભાવ અને જાગ્રત મન. તું પૂછે છે કે હું શું કરી રહ્યો છું, તો એ જ કરું છું. લખવાનું અને બોલવાનું ચાલે છે, મુખ્ય વાત એ જાગૃતિ, એ તટસ્થતા, વાસ્તવિકતાની સાથે સમાધાન અને જીવન આવે તેવો એનો સ્વીકાર. પ્રશ્નો ઘણા છે, પણ એ શાંતિ, એ નિખાલસતા, એ પારદર્શક્તા આવી જાય તો બધાં કામ સારાં થઈ જાય અને બધી વાતો ઉપકારક નીવડે.એક નવું અંગ્રેજી પુસ્તક પ્રેસમાં આપી આવ્યો. છેલ્લાની થોડા મહિનામાં ચાર આવૃત્તિ થઈ. છેલ્લા ગુજરાતી પુસ્તક “શબ્દલોક” માટે ઘણા સારા પત્રો આવે છે. કાલે રાત્રે ઊંઘ આવી નહિં. તટસ્થ ભાવે રાતના પૂજા કરી. આજે સ્ફૂર્તિ છે. તારો પત્ર આવ્યો. મારું દિલ ખૂલ્યું.
પ્રેમ.
ફાધર
… … … … …
હાલમાં એમની website http://www.carlosvalles.com છે