જેમનાં હ્રદય
જેમનાં હ્રદય વૃક્ષોનાં
તેમને જ ફક્ત ફૂલો આવે;
તે જ વધે, પ્રકાશ પીએ,
તે જ મોસમ ઝીલી લિયે.
તેમને ગરજ હોતી નથી
વ્યાખ્યાનબાજ કંઠોની;
કાન બહેરા કરે એવા
આધ્યાત્મિક ઘંટોની.
તેમને માણસ સીડી નથી
પગ મૂકીને ચડવાની;
તેમની સોડમાં જગા હોય છે
હારેલાને છૂપવાની.
તેમને સહેજે સમય નથી
સત્તા પર પણ થૂંકવાનો;
ભોળો ભોળો તડકો તેમને
ખભે બેસી કૂદવાનો.
જેમનાં હ્રદય વૃક્ષોનાં
તેમને જ ફક્ત ફૂલો આવે;
તે જ ફક્ત ગુચ્છા જેવા
ચોમાસાને સૂંઘી લિયે.
– મંગેશ પાડગાંવકર
અનુવાદ – સુરેશ દલાલ
( કવિતાની રોજનીશી )