મને આકાશની વાત ના પૂછો
મને આકાશની વાત પૂછો નહીં
હું તો હજુ જોઈ શકી નથી આ ધરતીને આંખો ભરી,
ગ્રહો નીહારિકાની વાત ના કરો, ના કરો
ઓળખ્યો જ નથી મિત્રને મન ભરી.
સ્વર્ગ-નર્કની વાત ઊઠે જ ક્યાંથી
હજી તો ભોગવ્યો જ નથી
માટીના મર્ત્યને
દેવી-દેવતાઓની વાતો રહેવા દો
ઓળખાણ જ નથી થઈ હજુ પડોશી સાથે
માણસ સાથે
ગ્રહનક્ષત્રોમાં ઘર બાંધવાની લાલચ ન આપો
ધરતી માટેનો મારો મોહ છૂટ્યો છે જ ક્યાં?
આકાશ નીહારિકા દેવી દેવતાની વાત કાઢી
મને ભરમાવો નહીં
થોભો થોભો, બોલાવીશ લાવી બધાને
ધરતી પર એકસાથે.
પરેશાન કરશો નહીં, જવાની વેળા થતાં
નિશ્ચિંતતાથી આકાશમુખી થઈને સૂઈશ
તારા ગણી ગણીને, નીહારિકાને વળોટીને
નરકની ભૂમિ, સ્વર્ગની ભૂમિ ઓળંગીને
પહોંચીશ વિધાતા સુધી
ફરી એક વાર ધરતી પર પાછી આવવા માટે
જીદ કરીશ તેમની પાસે.
– ગિરિબાલા મહંતિ ( અસમિયા )
અનુવાદ – ભોળાભાઈ પટેલ
સંપાદન સુરેશ દલાલ ( કવિતાની રોજનીશી )