અંતમાં તેં વિખેરી નાખીને-
વિશ્વભરમાં કર્યો અનંત મને.
એઓશ્રીના મરણોત્તર પ્રકાશિત આ ગઝલસંગ્રહનું સૂચક શિર્ષક આપણી ખાતરીને બેવડાવે છે, શ્રી મનોજ ખંડેરિયા શબ્દદેહે ક્યાંય ગયા નથી, આપણી વચ્ચે જ છે. ત્રણ-ચાર દાયકાની એક એકથી ચડિયાતી ગઝલની યાત્રાનો અંત ન હોઈ શકે એ તો આપણા સૌના હ્રદય માં અનંત થઈ વિખેરાઈ ગયા છે.
જેને તું મારી ગઝલો માને છે,
વિશ્વ પ્રત્યેનું વ્હાલ છે આ તો!
.. .. .. .. .. .. .. ..
હું હોવાના હવડ વિશ્વાસમાંથી બ્હાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બ્હાર આવ્યો છું.
ગમે ત્યારે હું સળગી ઊઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બ્હાર આવ્યો છું.
હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બ્હાર આવ્યો છું.
હવે થોડાં વરસ વિતાવવાં છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બ્હાર આવ્યો છું.
ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.
હકીકત છે નથી પ્હોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બ્હાર આવ્યો છું.
પડ્યો છું શહેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને રાસમાંથી બ્હાર આવ્યો છું.
સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બ્હાર આવ્યો છું.
-મનોજ ખંડેરિયા ( 1943-2003)
(ક્યાંય પણ ગયો નથી… માંથી 2004)