ભગવાન ખોવાયા છે!? – નેહલ

ભગવાન ખોવાયા છે!?
જરિયાન વસ્ત્રોના વાઘા અહીં જ મૂકી,
સોનેરી સિક્કાના કુંભ એમ જ છોડી,
રત્નજડિત સિંહાસનો ખાલીખમ રાખી,
છપ્પનભોગના થાળ હડસેલી,
ભગવાન ખોવાયા છે.

જોઉં તો છબીઓમાં કંડારેલા આકારો અકબંધ;
અને ચહેરો સાવ જ ગાયબ!
આભૂષણો-અસ્ત્રો-શસ્ત્રો ને
મૂર્તિઓ સઘળી ત્યાંની ત્યાં જ અને
મુખ સાવ સીધું સપાટ!

ધૂપ-દિપ-હવનની સુગંધી માયાજાળ ત્યજી,
ઝાલર-પંખા અને રેશમી વસ્ત્રોનાં સળ ત્યાગી,
હાર-ગજરા-તોરણોની સુગંધી સુંવાળપ છાંડી,
ભગવાન ખોવાયા છે!

દર્શનની કતારો ઊભી વિમાસણમાં
બુકિંગ કાઉન્ટર્સ થયાં અવાચક!
ભેટની નોંધણી ચઢી છે ખોરંભે
આરતી અને અભિષેક કરવા કોના
હરી ના ચહેરાનો જરીકે ના અાભાસ?

કૌતુક ક્યારેય આવું ન દીઠું
ભોળા ભક્તોનું મુખ થયું વિલું.
થયો શું અપરાધ?
ક્યાં પાડવો પ્રભુને સાદ?
કે ભગવાન ખોવાયા છે!

આ ઘોંઘાટનો કરો કોઈ ઉપાય
ચારેકોર નેતાઓના ચહેરાથી પ્રભુ થયા નિરૂપાય
વિઘ્ન આવી ઊભું એવું
ના ભજન ચાલે ના ચાલે જપ-ધ્યાન
કે વિઘ્નહર્તા હવે ત્રાસ્યા છે.

રમકડે રમો એમ મને રમાડો
અને હું તમને રમાડું એવી અફવા ફેલાવો?
તમારાં ભાવતાં ભોજન મને જમાડો!
બહુ થયું હવે, એમ કહી
હરી હવે રિસાયા છે

આંખો મીંચી તો હરીને અંતરે દીઠા
ખોલી તો અત્ર તત્ર સર્વત્ર દીઠા
મૂર્તિ વિશ્વરુપને પડે નાની
સર્વવ્યાપી ને કેમ કરી સમાવવા મંદિરીયે?
કે ભગવાન હવે થાક્યા છે.
નેહલ

image