આ બ્લોગ પર રમેશ પારેખ ની હાજરી ના હોય તો ગુજરાતી કવિતાનું પાનું અધૂરું રહી જાય. મારા અને અનેકોના પ્રિય કવિ ની તરબતર રચના…
તારું પહેલા વરસાદ સમું આવવું
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
– રમેશ પારેખ
‘મૉન્સૂન મસ્તી’ માંથી સંપાદન ઃ હિતેન આનંદપરા
ખુબ સરસ રચના. 👍👍✌
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર !!
LikeLiked by 1 person