શબ્દનું અસ્તિત્વ પળ જેવું હશે
કૈં યુગોને છળતું છળ જેવું હશે
આ સ્મરણ ઊંડે સુધી ઊતરી ગયાં
લોહીમાં પણ કૈં વમળ જેવું હશે
આપણે કાંઠા સમા નિર્મમ હતા
એમનું વ્હેવુંય જળ જેવું હશે
એ પ્રસંગોનું હવે અસ્તિત્વ તો –
વસ્ત્ર પરની કોઈ સળ જેવું હશે
દોસ્ત, નહિતર આ ધ્વનિ છે કાચ- શો
તારી દ્રષ્ટિમાં પડળ જેવું હશે
ચાલ લેશું શુભ્રતાના શ્વાસ ત્યાં
મૌનનું ઘર પણ કમળ જેવું હશે
-મનોજ ખંડેરિયા