સાક્ષીભાવ

 

Unknown

 

સાક્ષીભાવ

આમ તો હું જ્યારથી આ ચોવીસમાં માળે ગોઠવાયો છું ત્યારથી મેં ખાસ કાંઈ કર્યું નથી, અવિરત, અનિમેષ નજરે સામે બનતી ઘટનાઓને જોતાં રહેવાનું, કાંઈ ઉમેર્યા કે બાદ કર્યા વિના બસ જોયા કરવાનું ! તમે સૌએ તો એવું જ કાંઈક કરો છો ,ને? મેં એ પણ જોયું છે! આ મજલા પર સામ-સામા બે ફ્લેટ છે, એક તૈયાર છે પણ બંધ પડેલો છે અને બીજામાં હું આવ્યો ત્યારનું કામ ચાલે છે અને એને લીધે જાત-જાતના માણસોની અવર-જવર સતત ચાલુ હોય છે.
એક દિવસ એક તરવરાટ ભરી યુવતી અને એક સોહામણો યુવક આવ્યાં, બહુ જ આનંદમાં લાગતા હતાં, એક-બીજાના ગળાડૂબ પ્રેમમાં હોય એમ સહજપણે પ્રગટ થતું હતું. ઘર ખોલીને અંદર ગયાં પછી ઘણો વખત સુધી ખડખડાટ હસવાના અવાજો ખાલી ઘરમાં પડઘાતા રહ્યા. પાછાં ફરતી વખતે યુવતી, જેને આપણે તી કહીશું, તી એ યુવક જેને કહીશું, ને ગળે હાથ વીંટાળી, આંખોમાં આંખ પરોવી વ્હાલભરી નજરે થેન્ક યૂ કહીને ભીની પાંપણો લૂછી નાંખી અને આવેલી લિફ્ટમાં દાખલ થઈ ગઈ.
એ પછીના અઠવાડિએ સામાન નાના-મોટા બૉક્સમાં આવતો રહ્યો; સાથે તી પણ, મોટેભાગે એકલી જ આવતી. લાંબો સમય રોકાતી. ઘર વસી રહ્યું હતું, બધું હોંશથી ગોઠવતી હશે.ખૂબ ચપળતાથી બધું અંદર લેવડાવતી. સતત કાંઈ સૂચન કરતી અને થાકેલા પગલે પાછા ફરતી વખતે, દરવાજો લૉક કરી થોડીવાર સામે ઊભી ઊભી નિષ્પલક જોયા કરતી! નવી લગાવેલી નેમપ્લેટને પ્રેમથી હાથ ફેરવતી જાણે ઘરની વિદાય માંગતી હોય!
એકાદ મહીના પછી તી લાલ કિનારની, સોનેરી ગૂંથણીવાળી સફેદ સાડી અને મહેંદી ભરેલા હાથે આવી, પાછળ પાછળ પણ તેના દસ-બાર મિત્રો સાથે આવ્યો.બન્નેના ગળામાં ગુલાબના મોટા હાર હતા, સાથે બે-ત્રણ મોટી બેગ્ઝ અને થોડા ભેટના બૉક્સિસ.તે રાત્રે મોડે સુધી ફલેટનો દરવાજો ખુલ્લો રહ્યો. બીજા પણ ઘણા મહેમાન આવ્યા-ગયા. હા કોઈ વડિલ નજરે પડ્યું નહીં! પાર્ટી વહેલી સવાર સુધી ચાલી અને આમ ધામ-ધૂમથી તી અને નું સહજીવન શરૂ થયું.
હાથની મહેંદી ઉતરે તે પહેલાં તી ની ઘટમાળ શરૂ થઈ ગઈ.હું તી ને દરવાજે છાપાં, દૂધ, શાકભાજી, કુરીયર્સ અને સામાન હોમડીલીવર કરવા આવનાર સાથે વ્યસ્ત થઈ ગયેલી જોતો.પતિ ને વિદાય આપવા હંમેશાં દરવાજે આવીને ઊભી રહેતી. રોજ કાંઈને કાંઈ ભૂલી જતો અને તી દોડતી અંદર જઈને લઈ આવતી.ધીરે ધીરે ને રોજ આવતા મોડું થવા લાગ્યું અને તી સાંજને ટાણેથી જ ટોડલે બળતા દિવાની વાટની જેમ ઊંચી ડોકે રાહ જોવા લાગતી.
એક દિવસ તાનપૂરા અને તબલાં સાથે આધેડ ઉંમરના એક સજ્જન અને એક છોકરડા જેવો લાગતો યુવક આવ્યા. પછી તો એ લોકો લગભગ રોજ આવવા લાગ્યા. દરવાજો ખુલ્લો જ રહેતો. સંગીતના મધુર સ્વર સાથે તી નો તરલ સ્વર વાતાવરણને એક ભીનાશથી ભરી દેતો. તી ની ચાલમાં પાછું નર્તન અને આંખોમાં ઉલ્લાસ ઝળકવા લાગ્યો.
એક દિવસ આગલી રાત્રે ખૂબ મૉડો આવ્યો હોવાથી તી સવારે મૉડી ઊઠી અને દરવાજો ઉઘાડીને હજુ તો દૂધ-છાપાં કાંઈ લે એ પહેલાં જ ફલેશ ઝબકવા લાગ્યા. અડધી ઉંઘ અને થાકથી ભરેલા ચહેરા સાથે તી ઘડીભર મૂઢની જેમ ત્યાં જ સ્થિર થઈ ગઈ. દરવાજા પર કોલાહલ થતો સાંભળી નાઈટડ્રેસમાં જ બહાર ધસી આવ્યો, તી ને ચિત્રવત્ ઊભેલી જોઈ થોડી ખીજ અને થોડી મશ્કરીના સ્વરમાં તેણે તી ને ઘરની અંદર જતા રહેવા કહ્યું અને પોતે બધાની પ્રશંસા, પુષ્પો, ભેટ સ્વીકારતો વિજેતાની અદાથી તસ્વીર ખેંચાવતો રહ્યો.
પછી તો આવું વારંવાર બનવા લાગ્યું. હવે ઘણીવાર ના હોય તો પણ ફૂલો, ભેટ-સોગાદ આવ્યા કરતાં અને એ ફિક્કા સ્મિત સાથે બધું લઈને અંદર જતી. ક્યારેક કોઈ બહુ આગ્રહ કરે તો એકાદ તસ્વીર ખેંચાવતી પણ એની આંખો ને શોધ્યા કરતી અને દર વખતે મળતી નિરાશા તી ના ચહેરાને ઉદાસીમાં રંગી જતી.
હવે તી પહેલાની જેમ દરવાજે બહુ દેખાતી નહીં. એક થોડી આધેડ ઉંમરની બાઈ બપોરે એક વાર આવતી, લગભગ બધું કામ પૂરું કરીને સાંજ સુધીમાં જતી રહેતી. એક દિવસ એક બાસ્કેટમાં ગુલાબી રિબન વીંટાળેલું એક નાનકડું કીટન આવ્યું, તી એ લેવા દરવાજે આવી અને એની ઉપરના કાર્ડ પર લખેલો મેસૅજ વાંચીને આટલા દિવસોમાં પહેલીવાર મેં એના ચહેરા પર સ્મિત ઝળહળી ઉઠેલું જોયું પણ ક્ષણવાર માટે જ, પછી એ પાછી પોતાના એકદંડિયા મહેલમાં પૂરાઈ ગઈ.
ને ઘરે આવતો જોયો નહીં, એ વાતને દિવસો અને હવે તો મહીનાઓ વિતવા આવ્યા.સામેના ફલેટમાં સામાન આવી રહ્યો હતો અને સાથે રહેવા આવનાર માણસો પણ, બધાં તી ના ફલેટ સામે ક્ષણવાર ઊભા રહીને શંકાની નજરે જોવા લાગતાં, નાક-મોં પર રૂમાલ દાબીને ત્યાંથી ખસી જતાં.બે-ત્રણ િદવસથી તી ના ઘરનો દરવાજો ખૂલ્યો ન હતો, બાઈ પણ બે દિવસ બેલ વગાડી વગાડીને પાછી ગઈ હતી. એક જણથી ન રહેવાયું, નીચેથી સિક્યુરીટિ ગાર્ડને બોલાવી લાવ્યો. એણે પણ આવતાની સાથે જ ધડાધડ બેલ વગાડવા માંડી જાણે કોઈને ઉંઘમાંથી જગાડતો હોય! અંદરથી કોઈ જ હિલચાલ ન જણાતા એણે બીજા ગાર્ડઝ, સેક્રેટરી અને પોલીસને બોલાવ્યા, જોતજોતામાં ટોળું જમા થઈ ગયું, બધાના ચહેરા પર કાંઈ અમંગળ બન્યાના ભાવો સ્પષ્ટ વંચાઈ રહ્યા હતા.
થોડી જ વારમાં બે પોલીસમેન આવી ગયા, તાળું બળપૂર્વક તોડીને દરવાજો ખોલવામાં આવ્યો અને અણગમતી વાસનું પૂર એકસામટું ધસી આવ્યું હોય એમ બધાં બે ડગલાં પાછા હટી ગયા. બે હવાલદાર આવીને દરવાજે ગોઠવાઈ ગયા કોઈને અંદર જવાની પરિમશન ન હતી.ટોળું ધીમા અવાજે ગણગણાટ કરતું વિખેરાવા માંડ્યું એટલામાં લિફ્ટમાંથી ઊતર્યો, કિંમતી કપડાં, સોના-હીરા જડિત મોટી કાંડા ઘડિયાળ અને તીવ્ર પરફ્યુમની વાસથી જે થોડા કૂતુહલપ્રિય લોકો ત્યાં હજી ઊભા હતા તે એની સામે આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહ્યાં, એ આ આખી ઘટનામાં સાવ અતડો જણાઈ રહ્યો હતો, આઉટ ઑફ પ્લેસ! પોલીસે એની ઉલટતપાસ લેવા માંડી અને મોં પર બેદરકારીભર્યા ગુમાન સાથે ઊભો રહ્યો એની સાથે બે બૉડીગાર્ડ અને એક સૂટધારી વ્યક્તિ, કદાચ વકીલ હશે પોલીસના સવાલોના અત્યંત વિનયપૂર્વક જવાબ આપી રહ્યા હતા. વકીલની વાત સાંભળી બે પોલીસના માણસોએ દરવાજા પાસેથી ખસી જઈ ને અંદર જવાનો રસ્તો કરી આપ્યો.પણ જેવો એ અંદર ગયો કે મોં પર રૂમાલ દાબી ક્ષણવારમાં બહાર ધસી આવ્યો, એનું મોં અસહ્ય વાસથી કે અણગમા થી વિકૃત થઈ ગયું. એના હાથમાં પોલીસે એક પત્ર લાવીને આપ્યો, ની સાથે સાથે હું પણ ઉત્કંઠા થી એ પત્ર વાંચવા માંડ્યો.
પત્રની શરૂઆતમાં કોઈ સંબોધન ન હતું,………. ” આપણા સંબંધમાંથી હવે સંબોધન ખરી ગયાં છે તેથી લખવાનું ટાળું છું. જ્યારે આ ઘરમાં આપણે સહજીવનની શરૂઆત કરી ત્યારે જન્મથી અનાથ એવી હું સુખીસંસાર અને બાળકોના સપનાં ગૂંથવા લાગી અને તેં ક્યારે ઘરની બહાર તારું આખું વિશ્વ રચી દીધું, મને ખબર જ ના પડી. અત્યારે તું કદાચ એ જ ધારણા અને અપેક્ષાએ આવ્યો હશે કે તારી સતત અવહેલના અને ઉપેક્ષાથી હારીને મેં કોઈ અંતિમ પગલું ભરી લીધું, હા એક નબળી ક્ષણે એ વિચાર મનમાં આવ્યો ય ખરો અને દૂધના ગ્લાસમાં સ્લીપીંગ પીલ્સની બોટલ ઊંધીયે વાળી હતી પણ હજુ હોઠે માંડું ત્યાં તો એકલતાની સંંગાથી મારી કૅટ બ્રાઉની મારા પર કૂદી, દૂધ ઢોળાઈ ગયું અને હું એ નબળી પળ વળોટી ગઈ, જાતને ટપારી, મનને બોજા રહીત કરીને મેં કંઈક નિર્ણય લઈ લીધો. વહેલી સવારમાં, જે મારા નવજીવનની પહેલી સવાર છે મારો સામાન લઈને ચૂપચાપ જઈ રહી છું , આ હું લખી રહી છું ત્યારે જ અહીં વીજળી જતી રહી છે પણ મારા જીવન માં આજ પછી અંધારું નહીં હોય ! તું જ્યારે આ વાંચી રહ્યો હશે ત્યારે હું ખૂબ દૂર નીકળી ચૂકી હોઈશ. મને ખબર છે કે તું મને શોધવાનો નથી; એ એક રીતે રાહત પણ છે, હું તને કોઈ દોષ પણ દેવા નથી માંગતી! મારા સુખનું સર્વસ્વ તને માન્યા પછી તેં મને આમ દૂર હડસેલી ના દીધી હોત તો મારી અંદરની અદ્ભુત સ્ત્રીને હું ક્યારેય મળવા પામી ન હોત. હા જતાં જતાં એક જ અફસોસ થયો હું મારી બ્રાઉનીને દૂધના ઝેરથી બચાવી ના શકી, ના તેની અંતિમક્રીયા સરખી રીતે કરી શકી”……
ની ચાલમાંનું ગુમાન ઓસરી ગયું અને ચહેરો સણસણતો તમાચો પડ્યો હોય એવો થઈ ગયો. ત્યાં હાજર એવા ઈન્સપેક્ટરના હાથમાં ધ્રુજતે હાથે પત્ર આપીને સાવ ખાલી થઈ ગયો હોય એમ ઊભો રહી ગયો કે પછી મને એવું લાગ્યું. થોડીવારમાં બે હવાલદાર ચાદરનું પોટલું ઉપાડીને ફ્લેટની બહાર નીકળીને નીચે ગયા, બધાં બિલાડી મરી ગયેલી જાણી હળવાશમાં હસતાં હસતાં ત્યાંથી વિદાય થવા માંડ્યા, એક ડ્રાઈવરને બોલતાં ય સાંભળ્યો,” યે ફિલ્મી લોગ અપને કુત્તે-બિલ્લી કો અપની બીવી સે ભી જ્યાદા પ્યાર કરતે હૈ, તભી તો યે સ્ટાર કા મુંહ દેખો બીવી કે જીન્દા હોને કી ખુશી કમ બિલ્લી કે મોત કા ગમ જ્યાદા લગ રહા હૈ”.
હું સાંભળીને શું બોલું! મારે ને ઘણી વાતો કહેવી હતી, તી ની પ્રતિક્ષાની, તેના કણ કણ તૂટેલા ઘરની, બિલાડીની તો લાશ મળી, મૃતપ્રાય સંબંધોની કોઈને વાસ પણ નથી આવતી તો લાશ તો ક્યાથી મળે, પણ સાક્ષીભાવે ઊભેલો હું શું બોલું મારે બસ જોયા કરવાનું, જોતા રહેવાનું.
નેહલ

images

2 thoughts on “સાક્ષીભાવ

  1. “સાક્ષીભાવ” યથા યોગ્ય્ શિર્ષક. સર્વેલન્સ કેમેરાની જેમજ માણસ પણ તો સાક્ષી ભાવેજ આજુ બાજુની ઘટના જોતો રહે છે. કોઈ પ્રતિક્રિયા વગર, અને ન થવાનું ઘટી જાય!!!!

    Liked by 1 person

Comments are closed.