શબ્દો છે શ્વાસ મારા

wp-1457608886696.jpeg

 

He is an old soul. ડો. વિવેક મનહર ટેલર, એક બહુમુખી પ્રતિભા તો છે જ પણ એમની શબ્દોની સમજ અને  સહજ ગતિ, વિષય તથા રજૂઆતનું વૈવિધ્ય  અને ઊંડાણ સહેલાઈથી એમને યશસ્વી સર્જકોની હરોળમાં મૂકી દે છે, આજના એમના જન્મદિવસ નિમિત્તે એમની સર્જનશીલતા વધુ ને વધુ ઉચ્ચ શિખરો સર કરે એવી શુભેચ્છાઓ સાથે એમની જ એક રચના. અને પહેલા મારા ગમતા થોડા શેર…

પૂંણી શ્વાસની પીંજી શબ્દો રચે,
અમે આયખાનો એ ચરખો કર્યો.
.. .. .. .. ..

પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.
… … … …

જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો
.. . .. . .. . .. .

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
… … … …

શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
.. .. .. .. ..

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું સીમાપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?
. … . … . … .

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય?
.. .. .. .. .. .. ..

આ ભાગવાનું ક્યાં સુધી? કોના સુધી?
હોવાપણું શું શ્વાસ છે? ખાળી શકાય….
. . . . . .

હવા દેખી એ તાજું શ્વસતો નથી,
શું માણસ શરીરોમાં વસતો નથી?
… .. … .. …

પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.
… … … …

શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછાં ફરવું એથી સિરે લખાયું
. . . . . . . . . .

ઝાંઝવાંના પગ લઈ સૌ દોડતાં-
ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે!
.. .. .. .. ..

આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો.
… … …. …

શું કરું તારી અઢાર અક્ષૌહિણી?
તું નથી એ જંગ છે મારી ભીતર.

—-       —-    —–      —–      —–

શ્વાસના અ-ક્ષર થવાની આ ક્ષણે…
દીપ ઘટમાં પેટવાની આ ક્ષણે…

કાંઠાઓ વિસ્તરવાની આ ક્ષણે…
વ્હેણમાં ડૂબી જવાની આ ક્ષણે…

મોત પણ આવે હવે તો દુ:ખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે….

હું જ મારામાં મને ખૂલતો જણાઉ,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે….

જીત સાચેસાચ નિશ્ચિત હોય છે,
હારને સ્વીકારવાની આ ક્ષણે…

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે….

ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે…
(૨૯/૧૦/૨૦૦૬)

-વિવેક ટેલર 

(‘ શબ્દો છે શ્વાસ મારા ‘ ગઝલસંગ્રહ માંથી)

wp-1457609264838.jpeg