હાઈકુ- પન્ના નાયક

આપણે કર્યા
કાજળકાળી રાતે
શબ્દના દીવા.
. . .

ઊપડે ટ્રેન-
ફરફરી ના શકે
ભીનો રૂમાલ.
– – – –

કરચલીઓ
ચહેરે ને સ્નેહ પર
પડી તે પડી.
. . . .

ગાડીને કાચ
ઝીણી ઝીણી પગલી
વાદળીઓની.
– – – –

ગોકળગાય
જેમ, વિચાર સરે
મનમાં ધીરે.
. . . . .

સ્પર્શું તમને
પાંપણની કોરથી
ભરમેળામાં.
– – – – –

છાબડીમાંનાં
પારિજાત, વીણેલાં
પરોઢ ગીતો.
. . . .

જોતી’તી ભીનાં
પગલાં ફર્શે, લૂછી
લીધાં તડકે.
– – – – –

ઝળહળતો
સોનલવર્ણો ચંપો.
આંગણું દીપે.
. . . . .

ઝાકળબિંદુ
ગુલાબપાને, કરે
નકશીકામ.
. . . . .

તડકો સૂતો
ડાળી પર, ફૂલનું
ઓશિકું કરી.
– – – – –

દેખાય કશું
ના, આંખમાં ઊભેલા
મીઠાના પ્હાડ.
. . . . .

સૂર્યકિરણ
પ્રવેશ્યું પીંછી લઇ
ભીંતો રંગાઈ.
. . . . .

પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે.
– પન્ના નાયક ( ચેરી બ્લૉસમ્સ માંથી )

image