આદમ અને ઈવ ની આજ! – નેહલ

હું અને તું
ઉભા એક-મેકની
સાવ સન્મુખ લગોલગ
કદાચ હાથ લંબાવી
સ્પર્શી શકીએ
પણ
હું અને તું
તો
ઊછેરીએ
એક પીડાનું વૃક્ષ
જેના મૂળિયાં
હૈયું વીંધતા ફેલાય
આપણ ને એક-મેકથી
દૂર હડસેલતા.
આપે ગગનચુંબી ઊંચાઈ !
સમય ફૂટતો જાય
ડાળ-પાંદડાઓ થઇ
મનના આકાશે વ્યાપ વિસ્તારતો ;
લીલા ઝુરાપાના
તોરણો બાંધતો .
પ્રતીક્ષાના
ફૂલો
ખીલે, કરમાય .
મિલન એક આભાસી ફળ!
જે કદાચ આદમે ચાખ્યું હતું
જયારે સૃષ્ટિની રચના
થવાની બાકી હતી
હું અને તું
સર્જનની જવાબદારી થી
મુક્ત છીએ
આપણા મિલનના
આભાસી ફળ
ઉગે છે
આઇવિએફ ની લેબમાં
જોઈએ ત્યારે,
જોઈએ તેટલા.
– નેહલ.