સમુદ્રાન્તિકે માંથી….

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે
આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે એમ છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે
અને ઉપરથી કુદરતની રહેમ છે

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી
સૂરજ તો ઊગે ને આથમીયે જાય, મારી ઉપર આકાશ એમનેમ છે
અને ઉપરથી કુદરતની રહેમ છે

ધ્રુવ ભટ્ટ ( સમુદ્રાન્તિકે માંથી )

. . . . . . . . .

ઓગળતા વાદળના આછા આકાર સમા આપણે તો હોવાના હોઈએ
ઓછા નહીં, પાંખોને ખોલવા તો આપણે છેક સુધી ખાલીપા જોઈએ
આવા અવકાશ હાથવેંતમાં મળે તો કહે છોડવા શું કામ સખી આપણે
…યાયાવર ગાન સખી આપણે

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યાં નામ છીએ આપણે

ધ્રુવ ભટ્ટ ( સમુદ્રાન્તિકે માંથી )

.       –     –   –   –    –    –    –     .

આ પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ છે, અને અકૂપાર પછી આ લેખકને વાંચવાનો પ્રથમ પ્રસંગ છે પણ વાંચવાની મજા માણતી વખતે વાંચવામાં આવેલી ઉપરની પંક્તિઓ વહેંચવાનો લોભ જતો નથી કરી શકતી. મુનશી, ધૂમકેતુ, રઘુવીર ચૌધરી, પન્નાલાલ પટેલ,દર્શક, મડિયા વગેરે ની ઘેરી છાપ વચ્ચે ઉછરેલા સાહિત્યપ્રેમી મન ને આ લેખકને વાંચતા થાય છે કે એ ઉજ્જવળ પરંપરા હજુ એવી જ આગળ વધી રહી છે જે ગુજરાતી સાહિત્યના ઉપાસકોનું સદ્ભાગ્ય છે.
નેહલ

One thought on “સમુદ્રાન્તિકે માંથી….

Comments are closed.