સ્ત્રીનું ગીત
મરણના બે પ્રકાર છે
એક શ્વાસને સડવે છે
ઝડપભેર છેક હાડકાંથી
અને આત્મા બળીઝળીને
આંધી પહેલાં ઊછળતું એક સૂકું પાંદડું થાય ત્યાં સુધી
બીજામાં જીવન સંકેલાઈને રવાના થઈ જાય છે
જેમાં પારદર્શક બિછાત, અજવાળું પાથરતી દીવી અને
હવાની પ્યાલી નભતી હોય, તેવા ગુમાવી દીધેલા
બગીચાના ઝાંપામાંથી સરકી જાય તેમ.
પ્રિય, તારે પસંદ કરવી પડશે
બે અમરતાઓમાંથી એક
એક ધરતી સરોવર વૃક્ષ
નામ વિનાના પંખીનાં પીંછાંની,
બીજી કાચની દુનિયા
સંગેમરમર અને કલાત્મક કાષ્ઠકૃતિની.
-માર્ગરેટ ઍટવુડ
અનુવાદ- નીતા રામૈયા
(કાવ્યવિશ્વ -શ્રેણી કેનેડિયન કવિતા)