એક કડવાની આખ્યાન-ગઝલ
મુખબંધ
ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા,
જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા.
ઢાળ
મળવા પહેલાં એના હોવાના થોડા અણસારા બાંધ્યા,
બાંધી કંઈ અટકળ, કંઈ અફવા બાંધી, કંઈ ભણકારા બાંધ્યા.
ખાલી હાથનો જીવ, લઈ શું જાઉં, છતાં અડખપડખેથી,
મુઠ્ઠીભર કંઈ ઝાકળ બાંધી, મુઠ્ઠીભર કંઈ તડકા બાંધ્યા.
એમ થયું એ ઉછીનાં ઉજાશભીનાશ નહીં સ્વીકારે,
તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં, આંખે ટશિયા બાંધ્યા.
વચ્ચે વચ્ચે કેવાં કેવાં નાજુક નાજુક જોખમ ખેડ્યાં,
ચહેરો યાદ નહીં તોપણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા.
વલણ/ ઊથલો
બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા,
આંખો મીંચી ખોલી, મીંચી ખોલી, પાછા બાંધ્યા.
ડગલેપગલે જાણ્યાં-અજાણ્યાં સ્મરણોના મઘમઘ મેળા,
મેળે મેળે અટક્યા-ભૂલ્યા-ભટક્યાના કંઈ જલસા બાંધ્યા.
એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું,
છૂટ્યા સૌ પડઘા પડછાયા જે જન્મોજન્મારા બાંધ્યા.
ફલશ્રુતિ
એનાં આગતસ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યાં,
એણે પરપોટે પરપોટે સાચેસાચા દરિયા બાંધ્યા.
-જવાહર બક્ષી ( પરપોટાના કિલ્લા માંથી )