સલોની અને બાકીના બધાં હજુ તો પમ્મીઆંટીની વાત પર કાંઈ વિચાર કરે એટલામાં ગાલાઆંટી ધીમેથી બોલ્યા ભગવાન તમારા દિકરાને સુખી કરે અને સો વરસનો કરે, તમને પોતાની સાથે રાખે એના જેવું સુખ નથી.ગાલાઆંટીએ ધીરે ધીરે કહેવા માંડ્યું , સલોનીબેટા તને તો ખબર જ છે તારા અંકલ ગયા વર્ષે ગુજરી ગયા તે પહેલાં એક મહીનો હૉસ્પિટલમાં હતા. એમના મગજની ગાંઠનું ઈમર્જન્સીમાં ઑપરેશન કરવું પડશે કહીને જાત જાતના કાગળો પર તારા અંકલની સહી લઈ લીધી હતી. ઑપરેશન પછી અંકલને આઈસીયુમાં મોકલી દીધા .અઠવાડિયા પછી માંડ બે દિવસ ભાનમાં આવ્યા અને પાછી તબિયત બગડતાં કૉમામાં જતા રહ્યા, અને એ જ અવસ્થામાં મને છોડીને ગયા.છ મહીના સુધી તો કાંઈ જ ખ્યાલ ન આવ્યો.દિકરાએ બધી ક્રિયા-વિધી, વ્યવહાર પૂરા કર્યા.ગયા અઠવાડિયે મારા પૌત્રએ મને કહ્યું દાદી અમે બધાં આવતા મહીને નવા ઘરમાં જઈશું, જ્યાં મારો અને મારા ભાઈનો જુદો રુમ છે પણ દાદી તું કેમ અમારી સાથે નથી આવવાની ? મમ્મી-પપ્પા કહે છે કે તને દાદા વિના ગમતું નથી ,દેશમાં(ગામમાં) જઈને રહેવાની છે. હું તો આઘાતથી જડ થઈ ગઈ. બાળકોના સૂઈ ગયા પછી દિકરાને પાસે બોલાવીને પ્રેમથી પૂછ્યું કે બાળકો તો નાદાન છે; બોલવામાં-સાંભળવામાં ભૂલ થઈ હશે, તું મને કહે સાચી વાત શું છે? પછી જે સાંભળ્યું એમાં મને મારા જીવતર પર તિરસ્કાર આવ્યો. આ મારો જ દિકરો!? અમારી સાથે ચાલાકી કરી ગયો ! ઘર તો અંકલને નામે હતું. એમને કાંઈ થાય તો મારા નામે .પણ હું રહી અંગૂઠાછાપ, ઑપરેશનની મંજૂરી ને નામે એણે ઘર પોતાના નામે કરાવી લીધું, મને કહે તને હવે આ ઉંમરે આ પળોજણ કરવી ના પડે એટલે મેં બધી ઉપાધી મારા માથે લઈ લીધી, તું તારે દેશમાં જઈને ભગવાનનું નામ લે! સલોની, તેં જ્યારે ઑફિસમાં જ મને થેપલાં-ખાખરા કરાવીને વેચવા કહ્યું હતું અને મારો જુદો નવો બૅન્ક ઍકાઉન્ટ કરવા કહેલું ત્યારે મને નહોતું ગમ્યું પણ આજે એ જ નાનકડી મૂડી રહી ગઈ અને ગામમાં હું કોના ભરોસા રહીશ ?! જેનો સગો દિકરો પોતાનો ના થયો એ કયા પારકાના ભરોસે જીવી શકે! મને તો ” Once More” ના જનરલ વિભાગમાં દાખલ કરાવી દે. મારા જેવા બીજા દુઃખી ઘરડાંઓ સાથે વાતો કરીશ તો મારું પોતાનું દુઃખ હળવું થઈ જશે, બોલતાં બોલતાં એમની આંખો ભીની થઈ ગઈ.હાજર રહેલા સૌ આ વાત સાંભળીને આઘાત પામી ગયા.ગાલાઆંટીનો દિકરો રેડીમેડ ગારમેન્ટસની દુકાન સંભાળતો હતો,જેને નાનકડા પતરાંના ખોખામાંથી સારા વિસ્તારના બજાર વચ્ચે પાકી દુકાન કરવાનું કામ તો ગાલાઅંકલે જ કર્યું હતું, દિકરીને મલાવી પરણાવી હતી, એટલે દૂરથી બહુ આવી ન શકે અને એક જ દિકરો, જે બાપની આંગળી પકડીને ધંધાના પાઠ શીખ્યો એણે એ જ આંગળી વાઢી લીધી.સલોનીએ અને બીજાં બધાએ એમને આશ્વાસન આપ્યું.વાતાવરણ હળવું કરવા સોમૂ કહે , અમે બધાં તમને ” Once More” માં મૂકવા આવશું, તમે પણ તમારા દિકરાને કહી દો કે હું પણ નવા ઘરે રહેવા જાઉં છું, અને હું તો ત્યાં પણ તમારા હાથનાં બનાવેલાં થેપલાં લેવા આવીશ. તમારે ત્યાં બનાવવા માટે વ્યવસ્થા કરવી પડશે, in fact; મારી હોસ્ટેલના બધા છોકરાઓ તમને મળવા આવશે,they all are addicted to your thepla!! ગાલાઆંટીને આટલા દુઃખમાં પણ હસવું આવી ગયું, આ છોકરો તેમનું મન હળવું કરવા માટે ઘરડાંઘરમાં જવાની વાત જાણે ઉત્સવની ઉજવણી હોય તેમ કરતો હતો.એ એમની પાસેથી હંમેશાં મોટભાગનાં થેપલાં લઈ જતો, બીજીવાર વધારે બનાવવા ઍડવાન્સ પણ આપતો અને એમના પૈસા બૅંકમાં જમા કરવાનું કામ પણ કરી આપતો.સોમૂના મમ્મી-પપ્પા જ્યારે પણ ચેન્નાઈથી અહીં મળવા આવતા ત્યારે ગાલાઆંટીને મજાકમાં કહેતા અમારા તમિળ છોકરાને ગુજરાતી બનાવી દીધો છે એને હવે ઈડલી-ડોસા નથી ભાવતા અને થેપલાં જ ખાય છે ને ખવડાવે છે. સલોનીના ગ્રુપ શરૂ કરતાં પહેલાં પણ ગાલાઆંટી ઘણા વખત સુધી ટીફિન પહોંચાડવાનું કામ કરતાં હતાં અને એ રીતે જ સોમૂના પરિવાર સાથે ઓળખાણ થઈ હતી .જ્યારે સોમૂના મમ્મી-પપ્પાની ચેન્નાઈ બદલી થઈ ત્યારે ગાલાઆંટીને સોમૂમાટે ટીફિન મોકલવા વિનંતી કરીને ગયા હતા, પણ વધતી ઉંમર અને ગાલાઅંકલનો બિઝનેસ ઠીક-ઠીક ચાલતો હોઈ , ગાલાઅંકલે જ ટીફિનનું કામ બંધ કરાવ્યું હતું , તોય સોમૂ માટે એમણે અપવાદ રાખ્યો હતો. જ્યારે અંકલની બિમારીને લીધે એ પણ શક્ય ન રહ્યું તો એમના એક ઓળખીતા બહેન પાસે ટીફિન ચાલુ કરાવી આપ્યું હતું.અંકલની માંદગી વખતે અને આઘાતજનક મૃત્યુ પછી સોમૂ આંટીને સમય કાઢીને મળી જતો.
સોમૂની વાત પૂરી થઈ એટલે નાયરઅંકલ ઊભા થઈને કહે મારે આ વાત નીકળી જ છે તો એક ઘણા વખતથી મારા મનમાં ચાલતો વિચાર જણાવી દઉં, આપણા ગ્રુપના સભ્યો અને કોલોનીના વૃધ્ધો માટે એક લિગલ એઈડની સંસ્થા તરફથી નાનકડી વર્કશૉપ , મીટિંગ ગોઠવી છે. આપણા સારા નસીબે સનાના મમ્મી શગુફ્તા કૂરેશી જ વકીલ છે અને એ પોતે જ આ એનજીઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે.એમણે આ ઘણા વખતથી સૂચન કર્યું હતું પણ તેમને સમય મળતો ન હતો.એ કહે છે દરેક વૃધ્ધોએ સહી કરતાં પહેલાં પેપર વાંચીને કરવી અને વાંચીના શક્તા હોય તો આ એનજીઓના વકિલ મિત્રો તમને વાંચીને સમજાવશે, તમારી પાસે કોઈ બળજબરીથી કાંઈ લખાવી લેવા માંગતું હોય તો એઓના હેલ્પ લાઈન નંબર્સ પર મદદ માંગી શકાશે.જો બધાંને ફાવે તો આવતા અઠવાડિયે નક્કી કરી દઉં છું, ઉપરાંત કોઈને પોતાનું વિલ કરવા અંગે પણ કાંઈ પૂછવું હશે તો તેનું પણ માર્ગદર્શન મળી શકશે. બધાંએ એકી અવાજે જેમ બને એમ જલ્દી આ મીટિંગ ગોઠવવા જણાવી દીધું અને છૂટાં પડ્યા. માત્ર સલોની, સોમૂ, નાયરઅંકલ અને ગાલાઆંટી મોડે સુધી વાતો કરતાં રહ્યાં.