Senior Citizen@home.in …(11)

સલોનીએ શનિવારની સાંજે બધા ગ્રુપ મૅમ્બર્સની  મિટીંગ બોલાવી, એને થયું ” Once More”થી આવ્યા પછી આમ પણ બધા સાથે નિરાંતે મળાયું ન હતું અને આકાશની ઑફર અંગે પણ એને થયું બધાનો અભિપ્રાય તો જાણું.બધા ધીરે ધીરે સાંજના ચાલવાનો રાઉન્ડ પૂરો કરી ઑફિસમાં ભેગા થવા માંડ્યા, દેસાઈઅંકલે કિશનસીંઘને બધા માટે સરસ આદુવાળી ચા મૂકવાનું કહી દીધું, ઘણા ચાલીને થાકીને આવ્યા પછી, ચા બની રહી છે એમ સાંભળીને જ ફ્રેશ થઈ ગયા! બધા બેસી ગયા એટલે સલોનીએ શરુ કર્યું, તમને બધાંને કેવું લાગ્યું ?ખરેખર આવી જગ્યાએ રહેવા જવાની ઈચ્છા થાય કે કોઈ ઉપાય જ ન હોય ત્યારે જવું પડે ? જવું પડે તો ગમે ખરું ? મને તમારા બધાંનો પ્રમાણિક અભિપ્રાય જોઈએ. અહીંના ઘણા સભ્યોને કદાચ ક્યારેય જવું પડવાનું નથી કે જવાનો વિચાર પણ કરવો પડવાનો નથી પણ તમારી જ ઉંમરના બીજા વડિલોને માટે કેવું લાગ્યું ? શું એ લોકો આ વ્યવસ્થા ને દિલથી સ્વીકારી શકશે કે બને ત્યાં સુધી પાછળ ઠેલવા માંગશે ? સૌથી પહેલા દેસાઈઅંકલ ઉભા થઈને કહે, જો બેટા હું નથી ઈચ્છતો કે મારે જવાનો વારો આવે, મારો દિકરો ઘણીવાર મારી પુત્રવધૂના સ્વભાવ સામે લાચાર બની જાય છે તો ઘણીવાર હું પોતે તારી કાકીના ઘરમાં વર્તનથી અકળાઈ જાઉં છું પણ બાળકોને લીધે બધાં બધું ભૂલીને સાથે ગાડું ગબડાવ્યે રાખે છે પણ ભવિષ્યમાં મારે ભગવાનને ત્યાં જવાનું તેડું વહેલું આવે તો હું જરૂર એવી વ્યવસ્થા કરીને જાઉં કે તારી કાકી આવી કોઈ જગ્યાએ પોતાની રીતે રહે, એનો સ્વભાવ એના દુઃખનું અને બીજાના દુઃખનું કારણ બને એનાં કરતાં એ આવી જગ્યાએ ખુશ રહેશે, હું તો ઍડવાન્સ્ડ જનરલનું ફૉર્મ સુધ્ધાં લઈ આવ્યો છું.હું જાણું છું કે મારા ઘરની પરિસ્થતી બધાને વત્તે-ઓછે અંશે ખબર જ છે એટલે મને બધાંને નિખાલસતાથી કહેવાની શરમ પણ નથી, મારા જેવા પરિવાર માટે ઈચ્છું કે બધાં આનંદથી સાથે મળીને રહીના શક્તા હોય પોતાની રીતે જીવે પણ શાંતીથી જીવે.પમ્મીઆંટી એમને આગળ બોલતા અટકાવી કહેવા માંડ્યા, મને પૂછો શાંતી કેવી લાગે અને એકલાં રહેવું કેવું લાગે ?! રાજવીર જ્યારે અમારી સાથે રહીને અહી ભણતો હતો ; સલોની, તારા અંકલે એક દિવસ એની સાથે પ્રેમથી, સમજથી વાત કરી નથી, એણે એની જાતે જ બધી તૈયારી કરી, સ્કોલરશીપ માટે પણ એણે જ બધી મહેનત કરી.જ્યારે પણ બાપ-દિકરા ભેગા થતા એકબીજાની ટીકા કરવા સિવાય વાત જ નહોતા કરતા,તારા અંકલે આખી જીંદગી નાના-મોટા અનેક બિઝનેસ કર્યા, પાર્ટનરના દગાનો ભોગ બન્યા, ભણતર એવું હતું નહીં કે સારી નોકરી તરત મળી જાય, બચત નહીં જેવી અને દિકરાને આગળ ભણાવવાની , પોતાના ઘડપણની કોઈ તૈયારી કર્યા વિના બધું છોડીને ઘરમાં બેસી ગયા !! ક્યા દિકરાને આ ગમે ? પણ રાજવીરને ખૂબ ભણવું હતું, પોતાના માટે સન્માનભરી અને સ્થિર જીંદગી જોઈતી હતી અને એના એ સંઘર્ષના સમયમાં એની હિંમત વધારવાને બદલે તારા અંકલ એના મહત્ત્વાકાંક્ષી સ્વભાવની ટીકા કરતા, આવા સપના જોવાની મૂર્ખામી ન કરવા ચેતવતા. જેવો એને સ્ટુડન્ટવિઝા મળ્યો અને સ્કોલરશીપનો લેટર આવ્યો એ પહેલો એના પપ્પાને પગે લાગ્યો અને તારા અંકલ તો તે દિવસથી જુદા જ માણસ બની ગયા છે ફોન પર વારંવાર એના રહેવા-ખાવાની ચિંતા વ્યક્ત કર્યા કરે છે, એને બહુ મહેનત પડે કે પાર્ટટાઈમ નોકરી કરીને ઘરે પૈસા મોકલે તો ગળગળા થઈ જાય છે અને બેઉ બાપ-દિકરો રાહ જુએ છે કે જેવું એનું ભણવાનું પૂરું કરી સારી નોકરી મળે કે તરત અમને એની પાસે રહેવા બોલાવી લેશે. આખો દિવસ એકલાં જરાય ગમતું નથી, સારું થયું કેઆપણા ગ્રુપને લીધે ભરત-ગૂંથણના ક્લાસ મારા ઘરમાં ચાલુ થઈ ગયા, અમારો બુઢ્ઢા-બુઢ્ઢીનો વાતોમાં, હળવા-મળવામાં સમય પણ પસાર થાય છે અને નાના-મોટા વધારાના ખર્ચાઓ માટે હાથ પર થોડી છૂટ રહે છે.ઘણીવાર તો મારી સ્ટુડન્ટ્સ મને સાંજના પોતાને ત્યાં બનાવેલી વાનગીઓ ચખાડવાના બહાને ટીફિન આપી જાય છે તો અમે કાંઈ એ બહાને ખાઈ લઈએ છીએ નહીં તો એકલાં એકલાં ભૂખ પણ લાગતી નથી.સલોની બેટા તમારા બધાને લીધે એકલાં હોવાનું દુઃખ ઓછું થઈ જાય છે, ઉપરાંત બાળકો, તારા અને રિશી, સના અને સોમૂ જેવા જુવાનિયાને મળીને , નવી નવી વાતો સાંભળીને બહુ સારું લાગે છે. આને બદલે હું ઘરડાં-ઘરમાં મારા જેવા દુઃખી ઘરડાંઓની વચ્ચે રહેતી હોત તો ક્યારનીય દુઃખથી ગાંડી થઈ ગઈ હોત.તું એ ” Once More” વાળાને કહે કે આપણા ગ્રુપ જેવું કાંઈ કરે. નહીં તો બધાં ઘરડાં આખો દિવસ પોતાનાં જેવાં જ લોકો અને પોતાના જેવી જ વાતો, ફરિયાદો સાંભળી સાંભળીને બિમાર થઈ જશે.