Senior Citizen@home.in …(9)

સલોની એકધારું બોલી રહી હતી અને બધાં એને ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં.એણે વાત આગળ વધારી, આ મકાનની જ સગવડનો ઉપયોગ કરીને જુદા જુદા રૂમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દો, એક માળ આખો શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે ફાળવો, નિવૃત્ત શિક્ષણ ક્ષેત્રના અનુભવી વડિલોને એની સાથે સાંકળો, સાવ નાનાં બાળકોને ભણાવવાની જવાબદારી આપો; એમને ગમશે, બાળકોને પણ ગમશે. દરેક ગામ, નાનાં-મોટાં શહેરોમાં પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી ઍજ્યુકેશન ફરજિયાત બનાવી ,એ સૅન્ટરને ઍક્ટિવીટી સૅન્ટર સાથે જોડી દો, વડિલોને મદદનીશ આપો, પ્રવૃત્તિનું સંચાલન એમને સોંપી દો, સો ટકા લિટરસી રેટ કેમ ન હાંસિલ કરી શકાય!

Senior Citizen@home.inની ઑફિસ અમને નાની પડે છે. અમારા ગ્રુપના વડિલો અાર્ટ ઍન્ડ ક્રાફ્ટ, ઉર્દુ ભાષા અને ગઝલ, ઈંગ્લીશ ભાષા અને સાહિત્ય, સુગમ સંગીત, ક્રિકેટ કોચિંગ, એકાઉન્ટન્સી, કેક્સ ઍન્ડ કુકીઝ, ભરત-ગૂંથણ, યોગ-પ્રાણાયમ, હિંદી વ્યાકરણ અને સાહિત્ય, ગણિત, કી-બોર્ડ અને પિયાનો, ક્લાસિકલ મ્યુિઝક ગાયન અને વાદન, ગુજરાતી કવિતા અને વાર્તા લેખન,ક્રિકેટ કોચિંગ, ટેનિસ ઍન્ડ બૅડમિન્ટન કોચિંગ, રોટલી-થેપલાં-ખાખરા સપ્લાય, વગેરે ક્લાસિસ સાથે સંકળાયેલા છે. એના પરથી તમે અંદાજ લગાવી શકો કે વડિલોને તક મળે તો માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં ઘણું બધું કરવાનું ગમે છે.અમે બીજી ઑફિસ માટે કોશિષ કરી રહ્યાં છીએ, પણ આવી મોકળાશવાળી જગ્યા મળે તો બધાંનો ઉત્સાહ વધી જાય. અમને તમારા ઑડિટોરિયમ ગમી ગયાં, અમે અમારા ગ્રુપને લઈને આવા આઉટિંગ પ્લાન કરી રહ્યા છીએ, એ ઉપરાંત તમારા ચાલવા માટેના અને જૉગિંગના ટ્રેક્સ બહુ ગમ્યાં, વૃધ્ધોને સલામત રીતે હરીફરી શકે એવા રસ્તા બાગ-બગીચા બહુ જ ઓછા છે.અમારી કૉલોનીમાં બાળકો દોડાદોડ કરતાં હોય, સાયક્લિંગ કરતાં હોય, સ્કેિંટગ કરતાં હોય ત્યારે ઘણા વડિલો ડરીને ચાલવાનું બંધ કરી બેસી જાય છે.સલોની આગળ બોલવાનું અટકાવી કહે, માફ કરજો હું ઘણું બોલી ,પણ લગભગ એક વર્ષથી હું આ પ્રવૃત્તિમાં એટલી ડૂબી ગઈ છું કે મને જેવી તક મળે કે આ વિષય પર બોલવા માંડું છું. આપના ઉદ્દાત્ત પ્રયત્નોની ટીકા કરવાનો મારો ઈરાદો નથી, અને ઘણા નિરાધાર વૃધ્ધો અથવા તો વડિલો જેમનાં સંતાનોએ પોતાનાં મા-બાપથી મોં ફેરવી લીધું છે ,જેમને કોઈ જવાની ,સ્વમાનભેર જીવવાની જગ્યા નથી રહી એ લોકો માટે આ જગ્યા આશિર્વાદરૂપ બનશે.પણ બાકીના જે વૃધ્ધો કાંઈક કરવા માંગે છે અથવા કરવા શક્તિમાન છે એમને માટે જો આવાં સૅન્ટર આગળ આવે તો કદાચ એમની જીંદગીમાં ઉત્સાહ નો સંચાર થાય.કુટુંબમાં એમને પોતાનું ખોવાયેલું માન-સન્માન પાછું પ્રાપ્ત થાય.હું અહીંના સંચાલકશ્રીનો આભાર માનું છું કે અમને અહીં આવીને અમારી વાતો વહેંચવાની તક આપી.સલોનીને બીજા આમંત્રિત વૃધ્ધોએ પણ તાળીઓથી વધાવી લીધી.પછી મૅયરશ્રીના હાથે ” once more ” નું વિધીવત ઓપનિંગ કરવામાં આવ્યું.મૅયરે પોતાના વક્તવ્ય માં સલોનીની પ્રશંસા કરી, એના સૂચનો પર વિચાર કરવાનો અનુરોધ કર્યો.પછી આમંત્રિતોની સામે જોઈને કહે આપણા દેશમાં લોકો શરીર કરતાંય મનથી વહેલાં ઘરડાં થઈ જાય છે.અને ઘડપણનો સમય જાણે સજા કાપતાં હોય તેમ વિતાવે છે. “હવે આ ઉંમરે નવું જાણીને, શીખીને શું કરવું છે” એમ વિચારતાં ધીરે ધીરે દુનિયાથી, જીવન થી દૂર થતાં જાય છે.આપણે એ પણ જોયું છે સાવ શ્રમજીવી વર્ગનાં, કારીગર વર્ગના લોકો જેમને પેટ ભરવા માટે મોટી ઉંમર સુધી કામ કરતાં રહેવું પડે છે, એમને માટે નિવૃત્તિ શબ્દ કદાચ અસ્તિત્વમાં જ નથી, બીજી બાજુ મોટા મોટા ઉદ્યોગપતિઓ,મોટા નેતાઓને પોતાની મહેચ્છાઓ પૂરી કરવા માટે ઉંમરનો આંકડો આડે આવતો નથી, મારા કહેવાનો આશય એ જ છે ઉંમર એક શારિરીક કરતાં માનસિક ઘટના વધારે છે, આરોગ્યપ્રદ જીવનશૈલી, પ્રવૃત્તિમય જીવનચર્યા અને મિત્રોની સાથે હળતાં-મળતાં રહેવાથી ઘડપણ શ્રાપ નહીં વરદાન જેવું લાગશે,” once more ” ના સ્થાપકોને અને સંચાલકોને અભિનંદન આપું છું, આવી માનવતાભરી પ્રવૃત્તિ માટે યોગદાન આપવા.સમાજ જેમ જેમ પ્રગતિ કરતો જાય તેમ તેમ સમાજ-વ્યવસ્થામાં બદલાવ આવતો જાય, નવા નવા પ્રશ્નો ઊભા થતા જાય; આપણી જવાબદારી માનવતાની જાળવણી કરતાં રહેવાની છે,મેં ક્યાંક વાંચ્યું છે કે સમાજની પ્રગતિ, સિધ્ધીઓનો માપદંડ છે-સમાજમાં સ્ત્રીઓ,બાળકો અને વૃધ્ધોની સ્થિતી. જો આ ત્રણેમાંથી કોઈપણ અસુરક્ષિત, શોષિત હોય, તે સમાજ હજુ પણ પછાત અવસ્થામાં, અજ્ઞાનના અંધકારમાં જીવી રહ્યો છે. ” once more ” જેવી સંસ્થાઓ વૃધ્ધોને એ સુરક્ષા, સલામતી, હુંફનું વાતાવરણ આપવામાં સફળ થાય એ જ શુભેચ્છા.
મૅયરશ્રીના નાનકડાં પણ વિચારપ્રેરક ભાષણની ઘણી પ્રશંસા થઈ.આભારવિધી થયા બાદ સમારોહ સમાપ્ત થયો અને બધાં છૂટાં પડ્યાં. નાયરઅંકલ બધા ગ્રુપના સભ્યોને લઈ ગોઠવણ કર્યા મુજબ મીનિબસમાં રવાના થયા.સમીર સલોનીને લઈને ત્યાંના ચીફ એિક્ઝક્યુટીવને મળવા લઈ ગયો.
–નેહલ