Senior Citizen@home.in …(8)

બધાં જેવાં ઑડિટોરિયમમાં પહોંચ્યાં કે થોડી જ વારમાં કાર્યક્રમ શરૂ થયો.સલોનીના સૂચનથી મહેતાઅાંટીએ ” सर्वेत्र सुखिनः सन्तु….” તથા ” सहनाववतु सहनौ भुनक्तु….” જેવા શ્લોકથી શરૂ કરી ” ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહાં જો સોવત હૈ….. ” મધુર કંઠે ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધાં.એના પછી અન્સારીઅંકલ ઊભા થયા,એ ઉર્દુના નિવૃત્ત પ્રોફેસર હતા, ગઝલના શોખિન અને અચ્છા જાણકાર હતા, “કહું છું જવાનીને પાછી વળી જા….. ” ગાઈને બધાની ખૂબ દાદ મેળવી.પછી સૂરજબાના હાથે દેશમુખઆંટી,ચિત્રેઆંટી,ડિસોઝાઆંટી,કિશનસિંઘ,પમ્મીઆંટી,ફળવાળા રામલોચનચાચા,ખાનઅંકલ,નાયરઅંકલ વગેરેનું સર્ટિફીકેટ અને શાલ ઓઢાડી સન્માન કર્યું
એના પછી કાર્યક્રમના સંચાલકોએ સલોનીને Senior Citizen@home.in ની સફર વિશે કહેવાનો અનુરોધ કર્યો.સલોનીને એની યુએસએમાં વિદ્યાર્થીકાળમાં કરેલી સમરજૉબ યાદ આવી,એના ગ્રુપના બધાએ સાથે મળીને ડીમેન્શિયાના દર્દીઓને મદદ કરવા મેમરીએઈડ બનાવી હતી,એકલાં રહેતાં વૃધ્ધોને કેવી રીતે વધુને વધુ સ્વાવલંબી બનાવી શકાય,પોતાનાં ઘરના જ વાતાવરણમાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાય એ માટેના, ઘરને ” ડિમેન્શિયા પ્રુફ ” બનાવી આપે એવા ઈલેકટ્રોનિક ઉપકરણો બનાવતી કંપની હતી.અને જ્યારે ફિલ્ડમાં એ ઉપકરણનું કામ જોવા ગયા,સલોની પહેલીવાર પોતાના કુટુંબ સિવાયના આટલાં બધાં વૃધ્ધોને એક જ દિવસમાં મળી હતી.એનું મિત્રોનું ગ્રુપ આ આખા પ્રોજેકટને ફન ગણીને મઝાક-મસ્તી કરતાં હતાં પણ સલોનીએ ઘરે આવીને નેટ પરથી ડિમેન્શિયા વિષયનું ઘણું વાંચી લીધું.
સલોનીએ માનનિય મૅયરશ્રી ,વડિલ મિત્રો ,….કહીને બોલવું શરૂ કર્યું, ” આપણે દરેક જણ માથામાં એક-બે સફેદ વાળ ડોકાય કે ઘડપણની ચિંતા અને આયોજનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ.વિચારવા મંડી પડીએ છીએ ,પોતાનું ઘર કરી દઈએ,વધારે સંપન્ન હોય તો; જેટલા દિકરા હોય, એના ય નામે ફલેટ લઈ રાખીએ,દિકરીઓમાટે સોનું ભેગું કરવામાંડીએ ,ઘણા પરદેશમાંથી પોતાના દેશમાં,  ઘણા દેશમાં મોટા શહેરોમાંથી પોતાના વતનમાં પાછા જવાની તૈયારી કરવા માંડે,આજકાલ થોડી જાગરૂકતા આવી છે તો વાર્ષિક કે દ્વિ- વાર્ષિક પોતાનું હેલ્થ ચૅકઅપ કરાવા માંડીએ છીએ .આ બધું થઈ ગયું તો માની લઈએ છીએ કે ઘડપણમાં નિરાંત.ઘણા વિલ કરી દેશે જેથી ભવિષ્યમાં વારસો વચ્ચે સંપત્તિમાટે ઝઘડા ન થાય ,આ બધું કરવું કાંઈ ખોટું નથી પણ આપણે સંબંધોમાં લાગણીઓનું ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભૂલી જઈએ છીએ,જે દિકરા માટે ફલેટ બુક કરીએ, તે વખતે એ જણાવવું,એની સમજમા ઉતારવું જરૂરી છે તારી જિંદગી શરૂ કરી આપવી મને ગમે છે એટલે કરું છું,તને તારું જીવન પોતાની રીતે જીવવાનો હક છે પણ મારી મુશ્કેલીઓમાં,માંદગીમાં મને તારી જરૂર પડશે જ,તું મારી પડખે હોય તે જ મને ગમશે.આપણે પતંગને ઉડવા આખું આકાશ આપી દઈએ છીએ પણ દોર હાથમાંથી છોડી નથી દેતાં,પતંગ ગમે તેટલો ઊંચે હોય,દૂર હોય તેની હાથમાં અનુભવાતી હલચલ,એનું હાથમાં અનુભવાતું વજન જેમ આપણને એની સાથે જોડેલા રાખે છે તેમ જ પતંગને પણ દોરનું ખેંચાણ સ્થિરતા આપે છે, દિશા આપે છે

જો એક પતંગમાટે આપણે આટલું ધ્યાન રાખીએ તો સંતાનોમાટે કેમ નહીં ? આપણી લાગણીઓને પણ કમ્યુનિકેશન ગૅપનો શિકાર બની જવા દઈએ છીએ, જેમ સંતાન નાનું હોય તો કેટલું સહજ છે કે માતા-પિતા પર સંપૂર્ણ આધારિત હોય, એમ મા-બાપ ઘરડાં, અશક્ત કે બિમાર હોય તો સંતાનો જ સાચવે એ કેમ સહજ ગણાતું નથી ??!! બીજી વાતો સાથે આપણે એ વાત કેમ ભાર દઈને શિખવાડવાનું ભૂલી જઈએ છીએ?!  કે પછી આપણે બધાં જ ક્યારેક વૃધ્ધ કે અશક્ત થઈશું એ વાસ્તવિક્તા સાથે આંખ મેળવવા તૈયાર નથી હોતા ! કે પછી આપણો અહમ વચ્ચે આવે છે ?સંતાનોને બીજા વ્યવહાર શીખવીએ તો આ કેમ નહીં ઘણા લોકોને બોલતાં સાંભળું છું ” ભણી-ગણીને પોત-પોતાને ઠેકાણે પડે એટલે બસ આપણે એમની કોઈ અપેક્ષા નથી ”  કેમ નથી ? આવું બોલનારને ઘડપણમાં જો ઘરડાંઘર જવાનો વારો આવે તો દોષ કોનો ગણવો !! અપેક્ષા હોય જ , રાખવાની અને એ પણ શીખવાડવું કે એ અપેક્ષા સહજતાથી ,એક પારદર્શક સમજણ અને સંવાદ થી કેવી રીતે પાર પાડવી,આ તો એક પક્ષની વાત થઈ પણ સંતાનો પોતાની જવાબદારી માંથી ભાગવા માંગતા હોય ત્યારે આવા ઑલ્ડ એજ હોમ એમને માટે મા-બાપથી છૂટકારો મેળવવા સગવડ કરી આપે છે. જે ભારતની સંયુક્ત કુટુંબ વ્યવસ્થા વર્ષોથી વખણાતી હતી એના પાયા હવે હચમચી ગયા છે પણ એનો અર્થ એવો નથી કે આપણે નવા ઉકેલની દિશામાં પ્રયત્ન જ ન કરીએ અને માનનિય સંચાલકશ્રી અને મેયરશ્રી મને માફ કરે, પણ ઑલ્ડએજ હોમ એનો ઉકેલ નથી, છેલ્લાં થોડાં વર્ષોમાં ઑલ્ડએજ હોમની સંખ્યા લગભગ બમણી થઈ છે પણ વેઈટીંગ લિસ્ટ વધતાં જ જાય છે અને આપણે બધાં જાણીએ છીએ જીવવા માટે અન્ન, પાણી કે મકાન ઉપરાંત માનવીય સહવાસ, લાગણીઓનું આદાન-પ્રદાન, પોતાની કોઈને જરૂર છે એ ભાવ બીજી કોઈ પણ ભૌતિક સગવડ કરતાં મહત્વનાં છે મારો વિનમ્ર અનુરોધ છે જે રીતે અમે ગ્રુપમાં બધાંને જુદી જુદી ગમતી પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાનો મોકો આપીએ છીએ તેવી આ ઑલ્ડએજ હોમને ઍક્ટિવીટી સૅન્ટરમાં ફેરવી દો. બેડરીડન વૃધ્ધો માટેના કૅર સૅન્ટર અને હૉસ્પિટલ સામે મને કોઈ વાંધો નથી પણ હરતાં-ફરતાં જીવંત વ્યકિતત્વોને નિરાશ, રસહીન,તરછોડાયેલાં માણસોમાં ફેરવતી આ વ્યવસ્થા સામે વાંધો છે.મારાં કેટલાંક સૂચન અમારા ગ્રુપ મૅમ્બર્સ દ્વારા પણ કરવામાં આવ્યા છે.જેમ બાળકો માટે ડેકેર હોય છે એ રીતે કામ કરતાં સંતાનોનાં એકલાં પડતાં વડિલો માટે અહીં સૅન્ટર શરૂ કરો, વાત કરીને સમજો કોને શું કરવું ગમે છે તે તે પ્રવૃત્તિમાં એમને વ્યસ્ત રહેવા દો, નાસ્તો, ભોજનની વ્યવસ્થા કરી શકાય, અર્થોપાર્જન કરી આપતી પ્રવૃત્તિ જે વૃધ્ધોને કરવી ગમે છે અને કરવા શક્તિમાન છે એમને માટે એવી ઓછા શારીરિક શ્રમની પ્રવૃત્તિ શરૂ કરો, અહીં હૅલ્પલાઈન, કૉલસેન્ટર શરૂ કરો વૃધ્ધો દ્વારા વૃધ્ધો માટે ચાલતું જે એકલાં લોકો સાથે વાતો કરે એમની સમસ્યાઓ સાંભળે અને એમને આ સૅન્ટર સાથે જોડે.જેને કુટુંબ છે એને સાંજે પોતાને ઘરે પાછા ફરવા દો, એક જાતના ઍચિવમેન્ટની ભાવના સાથે, પોતાના પરિચીત હુંફાળા વાતાવરણમાં પાછા જવા દો એ રીતનું રોજ સાંજે પાછા ફરવું એમને પોતાનું કોઈ ઘર છે પરિવાર છે અને એ પરિવારમાં મારી જરૂર છે જેવી લાગણીઓને દ્રઢ કરશે.ઉપરાંત આખો દિવસ સરખે સરખાની કંપનીમાં ક્યાં પસાર થઈ ગયો ખબર પણ નહીં પડે, ઘણા વિદ્વાન અને અનુભવી વૃધ્ધો નિવૃત્તિ પછી પણ એમના ડહાપણનો,જ્ઞાનનો લાભ કોઈ કંપની સાથે જોડાયેલા રહીને આપી શકે, માનદ વળતર પણ મેળવી શકે

સલોનીની વાતો હજુ બાકી છે, ફરી મળીએ?!

– નેહલ