Senior Citizen@home.in …(6)

રવિવારની સવાર સલોનીને માટે રોજ કરતા વધારે વ્યસ્ત હતી.એને બેનર્જીઆંટીને ત્યાં જવાનું હતું,પછી આજે સમીર સાથે સન્ડે બ્રન્ચનો પ્રોગ્રામ હતો.એને સમીરને કાંઈક સરપ્રાઈઝ આપવી હતી.આ તરફ સમીરે પણ સલોની ને કાંઈક સરપ્રાઈઝ આપવાનું વિચારી રાખ્યું હતું.બેનર્જીઆંટી એની રાહ જ જોતાં હતાં,રાજવીર સાથે થોડી વાત કર્યા પછી ઓજસ સ્ક્રીન પર આવ્યો,બેનર્જીઆંટી જેવો જ નાકનકશો અને લાગણી ભરેલો અવાજ.થોડીવાર પછી સલોનીને થયું કે મા-દિકરાને હવે એકબીજા સાથે પોતાના ભૂત-ભવિષ્ય-વર્તમાનની ક્ષણો વહેંચવા એકલાં મૂકી દેવાં જોઈએ, ફરી મળીશું કહીને એ ત્યાંથી નીકળી ગઈ.
શહેરની જાણીતી ફઈવસ્ટારમાં બંને ઘણા વખતથી આવવાનું વિચારતા હતા પણ સમીરની વ્યસ્તતામાં એ પાછળ ઠેલાયા કરતું હતું.જ્યારે શેમ્પેઈનની બૉટલ આવી ત્યારે સલોનીએ સમીરને “હૅપ્પી ઍનિવર્સરી” વીશ કર્યું,સમીરે પોતાના પૉકેટમાંથી સૉલીટેર પેન્ડન્ટ કાઢીને એને સામે વીશ કર્યું,પછી બંને હસી પડ્યાં,બંનેને એકબીજાને સરપ્રાઈઝ આપવી હતી,કે માત્ર પોતે જ યાદ રાખ્યું છે.લગ્નના પાંચ વર્ષ પૂરા કર્યા હતા,અહીં ભારતમાં આવ્યાને પહેલું જ વર્ષ પૂરું થવાની તૈયારી હતી.સમીરે એની સામે થોડા ગર્વભર્યા સ્નેહથી જોઈને કહ્યું,તું અહીંના વાતાવરણ અને કોલોનીના લોકો સાથે મારા ધારવા કરતાં વધારે ઝડપથી ઓતપ્રોત થઈ ગઈ,મને તારા વ્યક્તિત્વના નવાં જ પરિમાણનો પરિચય થયો,તું તારી યુએસની જૉબ, તારી લાઈફ મિસ નથી કરતી ?! અને સાવ અણધારી પ્રવૃત્તિઓમાં તારી જાતને ડૂબાડી દીધી છે.I think you are missing our parents,I have a good news for you,guess what!તારાં મમ્મી-પપ્પા આપણી સાથે મહીનો રહેવા આવી રહ્યાં છે .છેલ્લા અઠવાડિએ મારા પપ્પા એમને જોડાશે પછી ત્રણે જણાં બીજા એક મહીના સુધી હિમાલયનાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે.આપણે એમની સાથે થોડા દિવસ જઈ શકીએ,જો તને મન હોય તો.સલોની કહે કદાચ તું સાચું કહે છે મારી અત્યાર સુધીની જિંદગી તમારા બધાને કારણે સુખ-સગવડ અને એક જાતનાં પ્રોટેક્શનમાં વિતી છે એટલે અહીં પહેલીવાર જ મને મારી જાતે કાંઈ વિચારીને અનોખું અને મને ગમતું કરવાની તક મળી.
સમીર,તને તો ખબર જ છે મારા બંને મામા, બંને કાકા- ફોઈ અને દાદા-દાદી યુએસમાં ધીરે ધીરે આવીને ગોઠવાઈ ગયાં, એક નહોતાં આવી શક્યાં મારા નાના-નાની બંને મામાઓથી મમ્મી ઉંમરમાં ઘણી નાની,એથી જ નાના મોટીઉંમરે ત્યાં આવવાનું સ્વીકારી ના શક્યાં અને એમના કારણે નાની પણ ક્યારેય અમેરિકા આવ્યાં નહીં.અને એટલે જ મને મારા ચાર-પાંચ વૅકેશન એમને મળવા,અહીં આવવા ,એમની સાથે ભારતમાં ગાળવા મળ્યા.હા, મમ્મીએ મને નાનપણથી સમજાવ્યું હતું કે ભારતમાં પોતાને ગમતું ભણવું,પોતાને ગમતી નૉકરી મળવી બહું અઘરું છે,બહુ જ ભ્રષ્ટાચાર છે અને જે જીવનશૈલીમાં તમને અમે ઉછેર્યા છે એ ભારતમાં આવતાં સો વર્ષ લાગી જશે.પણ મને અહીં આવીને એ બધું અતિશયોકતીભર્યું લાગતું.નાનાનું મોટું ઘર હતું પાછળ મોટી આંબાવાડી,અનેક જાતનાં ઝાડ,અમે આખો દિવસ દોડાદોડ કરતાં,આસપાસનાં બધાં બાળકો અમારે ત્યાં રમવા આવતાં,નાની બધાંને નાસ્તો, ફળ બધું એકસરખું આપતી,કોઈ ભેદભાવ મેં એના વર્તનમાં ક્યારેય જોયો નથી.એ મારી મમ્મીની નાનપણની ઘણી વાતો કરતી,જે સાંભળવું મને બહુ ગમતું.નાનાનું વાંચન વિશાળ,ઘરમાં એક નાની લાયબ્રેરી હતી,અમને ઘણી વાર્તાઓ કહેતાં. જે મા-બાપ આપણા પગલે પગલે હાથ પકડી ચાલ્યાં હોય,એમની અને આપણી મહત્વાકાંક્ષાઓની વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે મા-બાપના પલડાં માંથી આપણું બાળપણ અને બાળપણનાં સ્મરણો કેમ વજનવિહીન થઈ ઊડી જતાં હશે?! એક દિકરી માટે મા-બાપની સેવા કરતી વખતે વારે વારે શા માટે એપોલોજેટિક બની જવું પડતું હશે?? બાળપણમાં જે સંબંધ વિના જીવવું શક્ય ન લાગતું હોય એ જ સંબંધ બોજારુપ કેમ બની જતાં હશે?? હું મારી નાનીને હંમેશા ” મારી સાથે રહેવા ચાલો, અહીં એકલાં કેમ રહો છો ” અેમ કહ્યા કરતી એ હસીને વ્હાલથી કહેતી તારી મમ્મીની પાંખો બહુ મોટી થઈ ગઈ અને મારું આંગણું વધતું અટકી ગયું! હું તારી સાથે તારે ઘરે આવું પણ કાલે તને પાંખો આવશે તો તને ય આ બધું નાનું,ધૂળિયું,બોરીંગ લાગશે શું મા-બાપ બાળકોને પાંખો આપે ત્યારે સ્પીડ કંટ્રોલ શીખવાડવાનું ભૂલી જતાં હશે!!પોતાનાં જ આંગણામાં લૅન્ડિન્ગ કરવાનું વિસરી જવાતું હશે!! તને યાદ છે આપણી સાથે યુએસથી ભારતની ફલાઈટમાં પેલાં ઘરડાં બા એકલાં જ આવ્યાં હતાં અને એમની પાસેનો પાસપોર્ટ જૂનો હતો,એક્સપાઈરી ડેટ વિતી ગયેલો કદાચ એમના બાળકો સાથેના સંબંધોની પણ એક્સપાઈરી ડેટ આવી ગઈ હતી એ જોવાનું બા ચૂકી ગયાં હતાં કે પછી એમને ઉતાવળમાં ડિપોર્ટ કરનારાં બાળકો એમની સાથે સાચો પાસપોર્ટ મૂકવાનું ભૂલી ગયાં હશે
સમીર સલોનીને એકધારું બોલતી જોઈ રહ્યો એને ખ્યાલ હતો કે નાનપણમાં જયારે ઈન્ડિયાથી સલોની એના નાના-નાની પાસે રહીને પાછી આવતી થોડા દિવસ ઉદાસ રહેતી,એનાં નાની ગુજરી ગયાં ત્યારે એનાં મમ્મી-પપ્પા સલોનીને સમીરનાં મમ્મી-પપ્પા પાસે જ મૂકીને ઈન્ડિયા ગયાં હતાં અને સલોનીએ એક દિવસ કાંઈ જ મોંમા મૂક્યું ન હતું.સમીર એને જૂની વાતોમાંથી બહાર કાઢી ચિઅર-અપ કરવાના ઈરાદે બોલ્યો તને એક ખુશી થાય એવી વાત કહું,અમારી કંપની અને એક એનજીઓ જે સિનીયર સિટીઝન માટે કામ કરે છે ભેગાં મળીને એક અત્યાધુનિક ઑલ્ડએજ હોમ બનાવ્યું છે એનું ઓપનિંગ મૅયર કરવાના છે એમાં તમારા ગ્રુપ વિશે તારે બોલવાનું છે એ લોકો તને પ્રશસ્તિપત્ર પણ આપવા માંગે છે.સલોનીના મોં પર ખુશીને બદલે ઉદાસી છવાઈ ગઈ,બોલી ” સિનીયર સિટીઝન@ હોમ .ઇન” આ ગ્રુપનો હેતુ જ એ છે કે સિનીયર સિટીઝન ઘરમાં જ રહે,ઘરડાંઘર આનો ઈલાજ નથી,
કેમ ? સલોની પાસેથી સાંભળીશું,ફરી મળીશું?!
-નેહલ