Senior Citizen@home.in ……(4)

સૂરજબાની ચિઠ્ઠીએ સલોનીને ઊંડા વિચારમાં ગરકાવ કરી દીધી,એણે જ્યારે ગ્રુપ બનાવ્યું ત્યારે એના મનમાં કોઈ ફોર્મેટ કે રુલ્સ ન હતા,પોતાના કોચલામાં કેદ થઈને દુનિયાના પ્રવાહથી, અરે પોતાના કુટુંબીજનોની ધસમસતી જિંદગીની અડફટે યઢી ન જવાય એટલા માટે ડરીને અળગા રહેતા મા-બાપને @ home ફીલ થાય એવા પ્રયત્ન કરવા હતા,બાકી બધું ધીરે ધીરે એની જાતે જ આકાર લઈ રહ્યું હતું.એને સૂરજબામાં બાણું વર્ષે ધબકી રહેલો જીવનપ્રવાહ ભીંજવી ગયો.સૂરજબા કચ્છ-રાજસ્થાનની બોર્ડરના નાનકડા ગામમાં જન્મ્યા હતા,બહુ જ નાની ઉંમરે પરણાવી દેવામાં આવેલા.છ બાળકો ,ચાર દિકરા અને બે દિકરીઓ જીવ્યા હતા,જન્મીને પહેલા જ છ મહીનામાં કેટલાં મરી ગયા,હવે યાદ પણ ન હતું.એમની ચોથી પેઢી પરણવા જેવડી થઈ ગઈ હતી.પોતાનો દિકરો સિત્તેરની ઉંમરે પહોંચ્યો હતો,એ પૌત્રના ઘરે રહેતા હતા,પોતાના કામ જાતે જ કરવાનો આગ્રહ રાખતાં,લાકડી લઈને અચૂક ચાલવા નીકળી પડતા,બધાં સાથે બેસતાં ,બધાંની વાતો ધ્યાનથી સાંભળીને યાદ રાખતાં અને ફરી મળે ત્યારે એ જ વાત આગળ ચલાવતાં.એમના દિકરા વસનજીની એકોતેરમી વર્ષગાંઠ ઉજવી ત્યારે સલોની અને બધાં મૅમ્મબર્સે મળીને એમનું ચૅમ્પિયન તરીકે શાલ ઓઢાડી સન્માન કર્યું ત્યારે એમના મોંની એક એક કરચલી મલકી ઊઠી.કહેવા માંડ્યા હું વળી શાની ચૅમ્પિયન,એટલે વસનજીના ખાસ મિત્ર અગરવાલઅંકલ બોલવા ઊભા થયા; બા તમે આટલી ઉંમરે જે રીતે આનંદથી જીવો છો,બધાંને યાદ કરીને પ્રેમથી મળો છો ,બાણું વરસે હાથ-પગ-મગજ આટલાં સાબૂત રાખ્યાં એટલે ચૅમ્પિયન તો ખરાં જ ને સાંજ પડે રોજ બધાંને મળો ત્યારે બાળપણનો જમાનો કેવો હતો તેની વાતો કરશો તો બાળકોને ફૅરીટેલ્સ જેવી જ મઝા આવશે.તમારું અમારા ગ્રુપમાં સ્વાગત છે,આ ઑફિસમાં જયારે આવવું હોય ત્યારે આવી જજો,એવું નથી કે બધાએ કોઈને કોઈ ક્લાસ ચલાવવા જ પડે!એ બોલીને બેઠા એટલે નાયરઅંકલ ઊભા થયા. એ કહે મારે બે ગુડ ન્યૂઝ આપવાના છે એક,આપણા ગ્રુપ ઈન્સ્યોરન્સનું નક્કી થઈ ગયું છે બીજું એના ભાગ રુપે જ આવતા અઠવાડિયે બધાના કમ્પ્લીટ હેલ્થ ચૅકઅપ માટે નજીકનાં જ સેન્ટરમાં જવાનું છે,આપણા ગ્રુપ માટે લાવવા-લઈ જવા મિનીબસની વ્યવસ્થા થઈ ગઈ છે,બાર કલાક કાંઈ ખાવા-પીવાનું નહીં,દેસાઈભાઈ સવારની ચા ન પી લેતા,બધા દેસાઈકાકા સામે જોઈ હસવા માંડયા અને આનંદથી છૂટાં પડયાં.
એમનો ચાનો શોખ કહો કે લગાવ પ્રખ્યાત હતો,એટલે સુધી કે ઘરમાં કાકીનો કે દિકરાની વહુનો બબડાટ સહન ન કરવો પડે એ માટે ઑફિસમાં બેથી ત્રણ વાર ચા બનાવડાવતાં,બીજાંને પણ આગ્રહ કરીને પીવડાવતાં.સી વિંગનો વૉચમેન કિશનસિંઘ મોટી ઉંમરનો હતો,એ દિવસની જ ડ્યૂટી કરતો,સિનીયર સિટીઝન…ગ્રુપની ઑફિસની સફાઈ કરતો,માટલું ધોઈને ભરતો અને હવે નવા મનગમતાં કામમાં ચા બનાવતો.દેસાઈઅંકલને બીજું કોઈ ન હોય તો એની કંપની જરુર મળી રહેતી,એ ચા બનાવતી વખતે જાત જાતની વાતો કરતો.એમાં જ દેસાઈકાકાએ શોધી કાઢયું કે એ રામચરિતમાનસની ચોપાઈઓ બહુ મીઠી હલકથી ગાતો,વર્ષોથી રોજ પાઠ કરતો હોવાથી લગભગ એને મોંઢે થઈ ગયો હતો.રાત્રે ઘણીવાર બધા ઑફિસની બહાર બેસતાં,કિશનસિંઘ (રાત્રે ઑિફસમાં જ સૂઈ રહેતો હોવાથી) બધાંને રામચિતમાનસ ગાઈને સંભળાવતો.શિયાળાની રાતોમાં બધા તાપણું કરતાં અને એકબીજાની દોસ્તીની હુંફ માણતા બેસી રહેતા,આમેય બધા વહેલા જમી લેતાં,મોટભાગનાંની શ્રીમતીજીનો ટીવી સિરીયલોનો સિરીયલ મારો શરુ થાય એ પહેલાં જ ઘરની બહાર નીકળી જતા.દેસાઈઅંકલના આગ્રહ પ્રમાણે “પોથી પર તો ભેટ ચઢાવવી જ પડે” એમ કહીને એ કિશનસિંઘને પણ આર્થિક ટેકો કરી આપતા.આ રાતની બેઠકો દરમ્યાન જ સિનીયર સિટીઝન…ગ્રુપની ઑફિસ માટે એક ટીવી લેવું એમ નક્કી ઠર્યું.દરેક જણ પોતાને માટે ઘરમાં અલગ ટીવી તો કયાંથી વસાવે ઉપરાંત ઉંમરને કારણે કાનની બહેરાશને લીધે બધાંને મોટા અવાજે ટીવી ચલાવવા જોઈતું , જે પોતાના ઘરમાં તો શક્ય જ ન હતું,બધા પરિવારના સભ્યો એમની સામે તરત વિરોધ નોંધાવતા.વળી આ બધા અંકલ ક્રિકેટ મૅચ કે ન્યુઝના શોખીન હતાં,અને તમે તો જાણો જ છો આજકલ ન્યુઝ ચૅનલવાળા સિરીયલને ય ટપી જાય એવા અવાજો કરે છે!!અને ખરેખર મોટા સ્ક્રિનનું સરસ ટીવી એક દિવસ સલોનીએ ફીટ કરાવીને જોઈતી ચેનલ્સ પણ ચાલુ કરાવી આપી.ખાનઅંકલ ,અન્સારીઅંકલ અને મહેતાઅંકલ તરત સલોનીને મળવા ગયા,બેટા તારે આવો કોઈ ખર્ચો કરવાનો ન હોય,થોડા વખત પછી ફન્ડ જમા કરીને લેવાયું હોત અરે થોડું નાનું લીધું હોત તો ય ચાલત.સલોનીને બધાં સ્નેહાળ વૃધ્ધોની લાગણી જોઈ પોતાના મમ્મી-પપ્પા અને પ્રેમાળ સસરા યાદ આવી ગયા.Calm down,relax!સલોનીએ કહ્યું; આ ટીવી ગ્રુપને ભેટમાં મળ્યું છે,કોના તરફથી જાણો છો? શર્માઅંકલ અને તેમના મોટા દિકરા તરફથી!
રિશીએ શર્માઅંકલની રેકોર્ડઝમાંથી બધાં ગીત ડિજીટલી રેકોર્ડ કર્યાં.એના રીમીક્સ વર્ઝન ક્લબમાં બહુ જ હીટ ગયા,એની પૉપ્યુલારિટી વધી તો મળતું પૅમેન્ટ પણ વધ્યું.એટલે પોતાના તરફથી અંકલનો આભાર માનવા બધાં જ ગીતો એક આઈપૉડમાં નાંખીને સરસ ઈયરફોન સાથે એમને આપી આવ્યો.એ નાનકડી ભેટથી શર્માઅંકલે પોતાના ગમતાં ગીતો મોકળા મને જેટલીવાર સાંભળવા હોય એટલીવાર સાંભળવાનો અવર્ણનીય આનંદ ઉઠાવ્યો.ઉપરાંત એમની રેકોર્ડઝ બધી સલામત પાછી આવી ગઈ હતી.એમણે રિશી આવું કાંઈ કરશે સ્વપ્નામાંએ ધાર્યું ન હતું.એમણે આખરે એક દિવસ પૂછી જ લીધું; ભાઈ, આટલું બધું કરવાની શું જરુર હતી!? રિશીએ કહ્યું આમાં કોઈ મોટી વાત નથી .સલોની ઘણીવાર કહે છે કે તમે લોકો બહુ નાની વાતથી બહુ જલ્દી ખુશ થઈ જાઓ છો,એ મને આજે સાચું સમજાયું,એ કહે છે આવા મૉકા કોઈ દિવસ હાથથી જવા ન દેવાય, અને તમારા મોં પરની ખુશી જોઈને I feel rewarded!સલોની માટેના અણગમાને બદલે તેની સમજ માટે શર્માઅંકલને પહેલીવાર માન થયું.
એમની પંચોતેરમી વર્ષગાંઠ મોટો દિકરો ધામધૂમથી ઉજવવા માંગતો હતો .એની બે ગણતરી હતી, પપ્પાને ખુશ કરી બીજી ફૅકટરી ઊભી કરવા મદદ કરવા મનાવી લેવા અને એમના જૂના મિત્રોમાંથી ઘણાના પુત્રો ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર હતા,તેની સાથે ઓળખાણ કરવાનો લાભ લેવો.રિશીને એણે ઈવેન્ટ મેનેજર લાવી આપવા સાથે કહ્યું તારે ખાસ પાર્ટીમાં ધમાલ મચાવી દેવાની છે.પહેલીવાર રિશીએ તેમનાથી અલગ અભિપ્રાય આપી કહ્યું જો મારી વાત માનો તો જૂનાં કર્ણપ્રિય હિન્દી ફિલ્મના ગીત ગાનાર ઑરકેસ્ટ્રાને હું જાણું છું,તેમને બોલાવો,શર્માઅંકલ અને તેમના મિત્રોને એ વધારે ગમશે અને કહેવાની જરુર નથી કે એ સૂચન સ્વીકારીને મોટા દિકરાની બંને ઈચ્છાઓ સારી રીતે પૂરી થઈ,પણ દિકરાએ પોતાની પસંદનું આટલું મહત્ત્વ સમજ્યું એનાથી જન્મેલી લાગણીએ બાપ-દિકરા વચ્ચે પહેલીવાર ગણતરી વિનાની લાગણીની આપ-લે થઈ.જ્યારે રિશીએ પોતાની વિચારસરણી બદલવાનો સંપૂર્ણ યશ સલોનીને આપ્યો,સૌથી મહત્ત્વનું કામ સલોનીએ એમનું રેકોર્ડ પ્લેયર રીપેર કરાવીને વર્ષગાંઠને દિવસે ભેટ આપ્યું .શર્મા અંકલે સલોનીને મળીને પૂછ્યું કે સિનીઅર સીટીઝન ગ્રુપની ઓફીસ માટે કંઇ જરૂર હોઈ તો લાવી આપતા બહુ આનંદ થશે , અમારા કુટુંબમાં આત્મીયતા લાવવામાં તારું યોગદાન ભૂલી શકાય તેવું નથી. એટલે આ ટીવી…!
સલોનીને પોતાને ક્યાં કાંઈ અપેક્ષા હતી,હતી?! ફરી મળીએ!
-નેહલ