Senior Citizen@home.in ……(3)

રવિવારની મિટીંગમાં સલોનીના ધારવા કરતા ઘણા વધારે લોકો આવ્યા,નાના-મોટાં સૌથી ઑફિસ ભરાઈ ગઈ.પોતાનો અને બનનારા ગ્રુપનો નાનકડો પરિચય આપી સલોનીએ બધાં વડિલોને પોતાની વાત કરવા આમંત્ર્યા.બધાએ ઉત્સાહથી વાર્તાલાપમાં ભાગ લીધો પણ દરેક વાતને અંતે એક વાક્ય સાંભળવા મળતું, અમને તમે બધાં મળવા આવો, કાંઈ પણ જાણવા , શીખવા આવો એ જ અમારા માટે વળતર છે, પૈસાની વાત વચ્ચે લાવવી જરુરી નથી.સલોની બધાને સાંભળતી રહી, પોતાની ડાયરીમાં નોંધ કરતી ગઈ.પછી પંદર વીસ બાળકોને મિટીંગ પછી અલગથી મળીને દરેકને કહ્યું તમારે જર્નાલિસ્ટ બની જવાનું છે. ગ્રુપ બનાવી કોલોનીની પાંચ વીંગ વહેંચી લો.પેન અને પૅડ લઈને ઉપડી જાઓ.બધા દાદા-દાદી,નાના-નાની પાસેથી એમની ફેવરીટ અૅકટીવિટી અને એમની કોન્ટેક્ટ ડીટેઈલ્સ લઈ આવો.ઑફિસની બહાર સિનીયર સિટીઝન@ હોમ .ઇન નું બોર્ડ મૂકાવ્યું અને અંદર એક મોટું બૅાક્સ મૂકાવ્યું જેમાં જયારે જેને જે કાંઈ સૂચન, સલાહ આપવી ,પોતાની વાત કહેવી હોય એ બૅાક્સમાં લખીને નાંખી દઇ શકે.

એ પછીના સલોનીના દિવસો બહુ જ વ્યસ્તતામાં ગયા.રોજ ઑફિસમાં જઈને બાૅક્સ ખોલીને જોતી, નાનકડા જર્નાલિસ્ટ પણ થોડા થોડા દિવસે એમની એકઠી કરેલી માહિતી લઈને આવતા અને પોતાની વાત કહેવા એકબીજા સાથે ચડસાચડસી કરતાં.સલોનીને આટલી મહેનત કરતી જોઈ ડિસોઝાઆંટી બાળકો માટે અને સલોની માટે જાતજાતનાં કુકીઝ,વગેરે બનાવીને લાવતાં.પછી તો જે બાળકોની ટીમ સરસ કામ કરી લાવે તેના માટે ખાસ સ્ટાર શૅપની કુકીઝ લાવતાં સલોનીએ એમની બેકિંગ સ્કીલ્સ વિશે સાંભળ્યું હતું પણ આ તો એનાથી ય વિશેષ હતું,એમના સ્નેહાળ સ્વભાવનો જાદુ હતો.એણે ડિસોઝાઆંટીને આગ્રહ કરી બીજા જ અઠવાડિયાથી એમના ઘરમાં કેકસ એન્ડ કુકીઝના ક્લાસીસ શરુ કરાવી દીધા,અને ગ્રુપના દરેક મૅમ્મબરની બર્થડે કેક ડિસોઝાઆંટીને ત્યાં જ બનાવવાની અને ઑફિસમાં બધા સાથે જ ઉજવવી એવું નક્કી કરી દીધું.ડિસોઝાઅંકલ પૅરેલિસીસ થયા પછી નીચે આવતા બંધ થઈ ગયા હતા.એમનો એકનો એક દિકરો નેવીમાં હતો એટલે ઘરે બહુ ઓછો સમય ગાળી શકતો,એના લગ્નની પણ ડિસોઝાઆંટીને ચિંતા હતી.ક્લાસીસ શરુ થઈ ગયા પણ આંટી ફીઝ લેવા માનતા ન હતા એટલે એમના સ્ટુડન્ટસ જઈને નવું ઓવન લઈ આવ્યા.પછી તો એક સ્ટુડન્ટ ફિઝીયોથેરાપીનું ભણતી હતી એણે અંકલની કસરતની વ્યવસ્થા કરી, એ જોઈ ડિસોઝાઆંટી સલોનીને જ્યારે મળવા ગયાં ત્યારે ગળગળાં થઈ ગયાં.હવે એ જેને મળે તેને ગ્રુપના મૅમ્મબર બનવા માટે સમજાવતાં.

શર્માઅંકલ રીટાયર્ડ આઈએએસ ઑફિસર હતા .આખા ભારતમાં ઘૂમ્યા હતા પણ આટઆટલી ટ્રાન્સફર પછીયે એમણે એમની કે. એલ. સાયગલ,નૂરજહાઁ,શમશાદ બૅગમ,સુરૈયા વગેરેની રેકોર્ડઝ જીવની જેમ જાળવી હતી.કોઈને સાંભળવા આપે એ અશક્ય હતું,ઋશિકેશ ઉર્ફ ડીજે રીશીની નજર એ અદ્ભુત કલેક્શન પર હતી.એ  દિવસ દરમ્યાન એક અૅડવર્ડટાઈઝીંગ કંપનીમાં કામ કરતો અને પાર્ટટાઈમ ડીજે તરીકે રાત્રે શહેરની જાણીતી ક્લબ્સમાં પરફોર્મ કરતો.શર્માઅંકલનો પરિવાર બહુ મોટો હતો,બે દિકરીઓ પરણીને દિલ્હી અને કાનપુરમાં રહેતી હતી. એમના બે ફલેટમાં બે દિકરાઓ,પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથેનો પરિવાર મહેમાનોની અવર-જવરથી ભરેલો રહેતો.એક દિકરાની કેમિકલની ફેકટરી હતી અને બીજો બૅંકમાં ઉચ્ચ હોદ્દા પર હતો.ઘરમાં પૈસા-ટકાની કોઈ કમી ન હતી અને એકલા તો કોઈને પડવું હોય તો ય શક્ય ન હતું.દિકરાઓ ધાર્મિક કાર્યો , દાન-પુણ્યનાં કામોમાં આગળ રહેતા,પણ આ સલોનીએ શરુ કરેલા ગ્રુપ બાબતે બહુ ખુશ ન હતા.શર્માઆંટી પતિની સાથે બધે ફર્યા હતા,ઘરમાં વહુઓ સાથેનું વર્તન ઉદાર(! ) હતું,ઘરમાં પાર્ટીઓ થતી,સગાં-સંબંધીઓસામે વહુઓ  સોના-હીરાનાં  દાગીનાઓથી લદાયેલી રહે એનું ખાસ ધ્યાન રાખતાં.નીચે બધાંને મળવા,વાતો કરવા ઉતરતાં ત્યારે હંમેશા સિનીયર સિટીઝન…ગ્રુપની ટીકા કરતાં,હા એ ઉમેરવાનું ચૂકતા નહીં કે બધાના નસીબ થોડા સરખા હોય છે,શર્માજીને તો આ વાત જ પસંદ નથી ,એમણે બધી મિલ્કત દાગીના હજુ મારા નામે જ રાખ્યા છે ,દિકરા-વહુ આગળ-પાછળ કેમ ન ફરે, હા દાન વગેરેની જરુર હોય તો અમે ઘણાં ઘરડાંઘર, અનાથાશ્રમોમાં આપીએ જ છીએ તો આપણી કોલોનીના ઘરડાંને જરુરથી આપીશું.કોઈનાથી એમની વાતોમાં રહેલો અહંકાર છૂપો રહી શક્તો નહીં,મોટાભાગનાં વૃધ્ધ મનમાં એમની અધૂરી સમજની દયા ખાઈ ચૂપ રહેતા.રીશી એ ઘરમાં બે-ત્રણવાર જુદી જુદી પાર્ટી એરેન્જ કરવા આવી ચૂકયો હતો,એટલે એ અને શર્માઅંકલ સારી રીતે એકબીજાને ઓળખતા.એક દિવસ શર્માઅંકલનું ગ્રામોફોન (રેકોર્ડ પ્લેયર) બગડી ગયું,ઘરમાં કોને ફુરસદ હોય કે રીપેર કરાવી આપે,અરે પહેલા પાસે બેસીને સાંભળે તો ને.ઉપરાંત એ એટલું જૂના સમયનું હતું કે એને રીપેર કરનાર મળવો ય મુશ્કેલ હતું.એક દિવસ રીશી સલોનીને ઑફિસમાં મળીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે વૉક માટે આવેલા શર્માઅંકલની નજર એના પર પડી.એને બૂમ મારી પાસે બોલાવ્યો,પહેલાં તો વ્યંગ કરીને કહે કે કેમ એ અમૅરિકારીટર્ન છોકરી તને બોલાવીને બધાં ઘરડાંઓને ડાન્સ કરાવશે કે શું ?! ભાઈ, આ ઉંમર તો ભગવાનનું નામ લેવાની છે; આ ભવ તો ગુમાવ્યો હવે આવતા ભવ માટે ભાથું બાંધવાનો સમય છે,પૈસો તો મોહમાયા છે,અરે વાતોમાં મૂળ વાત જ ભૂલી જતો હતો ,તું કોઈ ગ્રામોફોન (રેકોર્ડ પ્લેયર) ને રીપેર કરનારને જાણે છે મારું પ્લેયર અચાનક બગડી ગયું છે, હું આ ઉંમરે ક્યાં રીપેર કરાવવા જાઉં.રીશી કહે સલોનીને આવી અૅન્ટિક વસ્તુઓમાં બહુ રસ છે,તમે કહો તો એને પૂછી જોઉં.સલોનીની મદદ લેવામાં નાનમ લાગતી હતી તે છુપાવીને કહે અરે એને આ બધા નકામા કામોથી ફુરસદ મળે તો મારું કામ કરે એના ભરોસે ન બેસી રહેવાય.રીશીની આંખમાં ચમક આવી,ઉત્સાહથી કહે અંકલ , હું કાંઈક રસ્તો કરી આપું જેથી તમે તમારી બધી ગમતી રેકર્ડ ઈચ્છો ત્યારે સાંભળી શકશો,માત્ર તમારે મને એક દિવસ માટે તમારી બધી રેકર્ડ આપવી પડશે,હું વચન આપું છું કે એમાંની દરેકે દરેક રેકર્ડને ખુબ સાચવીશ અને તમને પાછી આપી દઈશ,ઉપરાંત તમારું પ્લેયર પણ રીપેર કરાવી આપીશ જો કે એ કામમાં વાર લાગશે.શર્માઅંકલને જિંદગીમાં પહેલીવાર અસહાયતાનો અનુભવ થયો.કચવાતે મને હા પાડી,એટલે રીશી તરત એમની સાથે એમના ઘરે જવા તૈયાર થઈ ગયો.એમના બે પૌત્રોની મદદથી બધી રેકર્ડઝ અને પ્લેયર સિનીયર સિટીઝન…ગ્રુપની ઑફિસમાં આવી ગયું.
બાય ધ વે ,શર્માઅંકલના પૌત્રો ગ્રુપના મૅમ્મબર ખાનઅંકલના રવિવારની સવારે ચાલતા ક્રિકેટ કૉચિંગમાં ઘણા વખતથી જતા હતા,ઘરમાં કોઈને ય જણાવ્યા વિના !!

કોલોનીમાં દર થોડા દિવસે કોઈ નવી અૅક્ટિવિટીની જાહેરાત થતી,મૅમ્મબર્સની બર્થડે પાર્ટીની જાહેરાત ગ્રુપની ઑફિસની બહાર કલાત્મક પોસ્ટર દ્વારા થતી, એ કોણ બનાવતું ?કેમ આપણા કળાકાર ચિત્રેઆંટીને ભૂલી ગયા ? એમના ઓફિસમાં અઠવાડિયાના ચાર દિવસ આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસ ચાલતા,બાળકોના સ્કૂલના પ્રોજેક્ટ હવે ક્યારે પૂરા થઈ જતા તે મમ્મીઓને ખબર પણ પડતી નહીં.ચિત્રેઆંટી સાવ એકલાં રહેતાં,એમનો દિકરો પૂના મૅડિકલ કૉલેજમાં ભણતો હતો,વીકએન્ડમાં ઘણીવાર ઘરે આવતો,હવે એને થાકેલી, વારે વારે બિમાર પડતી મમ્મીને સ્થાને પહેલાંની જૂની મમ્મી જોવા મળતી,એ મમ્મી જે પપ્પા હયાત હતા ત્યારે જે તરવરાટથી બધે દોડાદોડ કરતી,જાતજાતની વાનગીઓ બનાવતી અને એ જ્યારે ઘરે આવવાનો હોય ત્યારે કોઈને કોઈ સારા નાટક કે સંગીતના પ્રોગ્રામની ટીકીટ લઈ આવતી,….
એક દિવસ સલોનીને બૉકસમાંથી ગરબડિયા અક્ષરોમાં હિન્દીમાં લખેલો પત્ર મળ્યો,જે નાનકડી જર્નાલિસ્ટ એ લખી લાવી હતી એની પાસે જ સલોનીએ વંચાવ્યો,સલોની બેટા મૈં શાયદ યે કોલોનીકી સબસે બડી બૂઢિયા હું,તુમ્હેં મેરા બહુત આશિર્વાદ હૈ,તુમ બડા નેક કામ કર રહી હો,મૈં ક્યા કર સક્તી હું ? પૂરી જિંદગી સબકો સંંભાલનેમેં નીકાલ દી ન કુછ પઢીલિખી હું ન કોઈ હુન્નર શીખા મૈંને! ક્યા તુમ્હારે ગ્રુપમેં મેરે જૈસો કે લિયે જગહ હૈ ?……સલોનીની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
સલોની શો જવાબ આપશે ? આપણા શર્માઅંકલનું શું થયું ? એમનું ગ્રુપ વિશે મંતવ્ય બદલાયું.?….
કાલે મળીએ…..?!
-નેહલ

2 thoughts on “Senior Citizen@home.in ……(3)

Comments are closed.