જ્યારે બે-ચાર કોલોનીના બાળકો દેશમુખઆંટીને ત્યાં જવા માંડ્યા એટલે મહીનામાં તો બધી બહેનો વખાણ કરવા માંડી, એક કહે, અરે એક દિવસ મેં બે જ ડાયપર મૂક્યા હતા તો આંટીએ મને ઑફિસમાં ફોન કરવાને બદલે વધારેની જરુર પડી તો જાતે જ મંગાવી લીધા.બીજી કહે, મારી દિકરીએ ચૉકોઝની જીદ કરી તો એ મંગાવી લીધાં.એ કેટલી બધી નર્સરી રહાઈમ્સ શીખવડે છે, વાર્તાઓ કહે છે, એબીસીડી પણ શીખવાડે છે.એક કહે મને તો જાણે હું મારી મમ્મી પાસે મૂકીને આવતી હોઉં એવી નિરાંત લાગે છે.એમણે એમનો વધારાનો બેડરુમ નર્સરીમાં જ ફેરવી દીધો છે, બાળકોનાં દોરેલાં ચિત્રોથી દિવાલ સજાવી છે,રમકડાં કેટલાં બધાં હોંશે હોંશે લઈ આવ્યા છે.એટલા તો વ્હાલથી સાચવે છે કે કોઈ વાર બાળકો એમને ત્યાં જ રોકાઈ જવાની જીદ કરે છે. સલોની ચૂપચાપ બધું સાંભળીને મનમાં મલકાતી હતી, એને થયું આ જ યોગ્ય મોકો છે સિનીયર સીટિઝન… ગ્રુપ બનાવવાની વાત કરવાનો.એણે કહ્યું તમારી ખુશી અને સંતોષની લાગણીથી મને મારી એક યોજના અમલમાં મૂકવાનું બળ મળ્યું છે,તમારા સાથ-સહકારની આશાએ તમારી સાથે શૅર કરવા માંગું છું.આપણી કોલોનીમાં બહુ બધા એકલા રહેતા વૃધ્ધ છે, તો આપણા જેવા મા-બાપથી દૂર રહેતાં કપલ્સ પણ છે.કેટલાંક વૃધ્ધ પોતાનાં જીવનસાથીના વિદાય થવાથી પોતાના દિકરાના ઘરમાં પણ એકલા છે, એમને પોતાના શોખ, ઈચ્છાઓ ભૂલીને ઘડપણની કેદમાં બંધાઈ જવું પડ્યું છે.એઓ એક એવા કાળનાં જીવંત ખજાના છે, જેને એકસપ્લોર કરવાની જરુર છે. એમને જીવવાનું બળ માત્ર સહાનુભૂતિ દર્શાવાથી નહીં આપી શકાય, એમને એ વિશ્વાસ દેવડાવવાની જરુર છે કે આપણને એમની બહુ જ જરુર છે, એવાં એટલાં બધાં કામ છે જે એઓ વિના અશકય છે અને એટલે જ એ કામોને હું સ્પેશ્યલાઈઝ્ડ કન્સલટીંગનો દરજ્જો આપીને એમની સર્વિસને માનદ રકમ આપવા માંગું છું જેથી એમનું ખોવાયેલું આત્મસન્માન, આત્મવિશ્વાસ પાછો અપાવી શકું.
બધાં નવાઈ પામી સલોનીની સામંુ જોઈ રહ્યાં, એટલે તું ખરેખર કરવા શું માંગે છે? અમે તારી સાથે જ છીએ પણ માફ કરજે તારી વાત બરાબર સમજ્યા નહીં.તું શું એ લોકોને આ ઉંમરે નોકરી કરાવા માંગે છે? સલોનીને હવે બોલવાનો ઉત્સાહ આવ્યો. આપણે આ બધાં અંકલ-આંટીનું એક રજીસ્ટર્ડ ગ્રુપ બનાવી ,દરેકનાં નામની સાથે એમનું એડ્રેસ ફોન નંબરની સાથે દરેકની ખાસ હોબી, સ્કીલ વિશે લખીએ અને એ કોઈને માટે પોતાનો સમય આપે તો વળતર કેટલું યોગ્ય ગણાશે જેમકે ચિત્રેઆંટીને બહુ જ સુંદર રંગોળી કરતા આવડે અને એ એમનો શોખ છે એ એના ક્લાસીસ લઈ શકે, મહેતાઆંટીને જૂનાં નાટકોમાં આવતા ગીતો મોઢે આવડે છે, એમણે એ નોટબુકમાં લખીને સાચવ્યા છે,સુબ્રમણિયમ અંકલ પાસે દક્ષિણ હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતની અનેક રેકોર્ડઝ છે જે કયારેય એમના ઘરમાં વગાડી શકતા નથી એવું તો ઘણું હું જાણું છું અને ઘણું હજુ જાણવા મળશે. આપણે સી વિંગની ખાલી પડેલી ઑફિસમાં આ રવિવારે સાંજે મિટીંગ કરીેએ, ઘણા સિનીયર સિટીઝન એ સમયે નીચે જ મળી જશે. જે ઘરમાંથી બહાર નથી જઈ શકતા એને ત્યાં આપણા કીટીના ગ્રુપના બે બે જણા જઈને મળી આવીશું. બાય ધ વે ભાગવતઆંટી, અંકલ આઈએફએસમાં હતા ત્યારે ઘણા વર્ષ ઈટાલીમાં રહ્યા છે અને અમેઝિંગ રેવિઓલી બનાવે છે, મેં આપણી નેક્સટ કીટી એમના ઘરે રાખી છે ,આપણને નવું જાણવા શીખવા મળશે અને રેસ્ટોરન્ટ કરતાં ઘરના વાતાવરણમાં મઝા આવશે,એમને પણ આપણે લંચ માટે એમને ત્યાં જઈશું એનો બહુ જ ઉત્સાહ છે.
સલોની જયારે નાયર અંકલ પાસે સી વિંગની ખાલી પડેલી ઑફિસ વાપરવા માટે પરમિશન લેવા ગઈ ત્યારે એમને પણ એની યોજનામાં રસ પડ્યો. એ કહેવા માંડયા મારા ઘણા મિત્રો ઘરમાટે શાક લાવવાનું, બાળકોને સ્કૂલમાં લેવા-મૂકવા જવાનું, બૅંકને પોસ્ટઑફિસનાં કામો,બિલ ભરવાના કામો કરે છે છતાં એઓને માટે આભારની લાગણીને બદલે સાવ નવરા છે તો આટલું કરે તેમાં શી નવાઈ એવું સાંભળવા મળે છે. ભલે સગા બાપ-દિકરા વચ્ચે વળતરની વાત અજૂગતી લાગે પણ કદરનાં બે બોલ, કંઈક ગમતું કે જરુરી વગર માંગે લાવી આપવું ,વગેરે ની અપેક્ષા વધારે પડતી તો નથી જ.એ જ દિકરાઓ બિલપૅ પોર્ટલ પર ચાર્જ આપશે, હોમડિલીવરીવાળા ને ટીપ આપશે પણ પોતાના મા-બાપને આભાર માનવાનો વિવેક પણ નહીં બતાવે.
નાયરઅંકલ એક રિટાયર્ડ એકચ્યુઅરી હતા ,એમણે સૂચન કર્યું તું આ ગ્રુપના સભ્યોની માંદગીના અણધાર્યા ખર્ચાને પહોંચી વળવા એક ગ્રુપ ઈન્સ્યોરન્સ વિશે પ્લાન કર, જેને પોતાના કામ માટે પૈસા લેવાની જરુર કે ઈચ્છા નથી એમને એ પૈસા ગ્રુપ ઈન્સ્યોરન્સમાં જમા કરવાનું કહે , હું દર વર્ષના મેડિકલ ચેકઅપની ગોઠવણ કરાવી આપીશ…
વાત એકદમ રસપ્રદ રીતે આગળ વધી રહી છે, વધુ આવતીકાલે….
-નેહલ