Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે……(1)

સલોની થોડા દિવસોથી અેકદમ વ્યસ્ત રહેતી હતી, અને એથી જ કદાચ ખુશ પણ રહેતી હતી.સમીરને અમેરિકાથી ભારત આવવાના નિર્ણય અંગે જે અનિશ્ચિતતા હતી તે હવે હળવી થઈ.છતાં સોફટવેર એન્જિનિયર સલોનીને મળવા આસપાસનાં ઘરડાં અંકલ-અાંટી રોજ રોજ આવતાં અથવા તો તે એઓને મળવા જતી એનાથી સમીરને બહુ નવાઈ લાગતી, એવું તે કેવું નવું કામ શરુ કર્યું છે જેમાં આ બધાં અંકલ-આંટીની જરુર પડે છે! જયારે સિનીયર સીટીઝન@હોમ.ઈન જેવો શબ્દ એના કાને પડયો તો પૂછ્યા વિના ન રહેવાયું, કોઈ વેબસાઈટ શરુ કરી છે કે શું ? પણ એ પહેલાં તારે બધાંને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન પણ આપવું પડશે.સલોનીએ કહ્યું એની ચિંતા કરવાની જરુર નથી. આટલાં બધાં કોલોનીના નેટસૅવી છોકરાં ક્યારે કામ લાગશે. આ તો અમારા ગ્રુપનું નામ છે જે સ્પેશ્યલાઈઝ્ડ કન્સલટિંગ માટે નેટવર્કિંગ કરશે અને જરુરી ફન્ડ પણ ઊભું કરશે.
સલોની અને સમીર નાનપણથી સાથે જ ઉછરીને મોટાં થયાં હતાં, બન્નેનાં મમ્મી-પપ્પા ઉચ્ચ શિક્ષણ માટે ભારત છોડી યુનાઈટેડ સ્ટેટ્સમાં જયારે આવ્યા , અમેરિકામાં સ્થાયી થવાનો નિર્ણય કરીને જ આવ્યા હતા, પોત-પોતાનાં જીવનસાથી પણ અભ્યાસ દરમ્યાન જ શોધી લીધા હતા. એઓ એક જ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતાં અને એ રીતે ભારતથી આવેલાં જૂજ કપલ્સ વચ્ચે બહુ ઝડપથી આત્મિયતા બંધાઈ ગઈ હતી.એટલે જ્યારે એમનાં બાળકો સમીર અને સલોનીએ પ્રેમ લગ્નનો નિર્ણય કર્યો તો એમાં જરાય આશ્ચર્ય થયું નહીં બલ્કે એમનો આનંદ બેવડાઈ ગયો.
સમીરનાં પપ્પા-મમ્મી એમના સોશિયલ સર્કલમાં બહુ જ સક્રિય હતાં , એમનું મિત્રવર્તુળ પણ બહોળું હતું. ખાસ તો એનાં પપ્પા અનેક ગ્રુપનાં અગ્રગણ્ય સભ્ય હતાં, એ સતત ભારતિયોને પડતી અનેક મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપવા તૈયાર રહેતા, કાયદાકિય બાબતો, બિમારી અને અકસ્માત, કોઈના મરણ પ્રસંગે, કોઈના દિકરા-દિકરીનાં એજ્યુકેશનની વ્યવસ્થા હોય કે કોઈની નોકરીની વ્યવસ્થા કરવાની હોય એ હંમેશા મદદ કરવા હાજર રહેતાં. એથી જ્યારે સમીરનાં મમ્મી ટૂંકી માંદગીમાં અચાનક ગુજરી ગયાં ત્યારે એમની અનેક પ્રવૃત્તિઓની વ્યસ્તતા જ એમને આઘાતમાંથી બહાર લાવવામાં મદદરુપ થઈ.પણ જ્યારે સમીરે અમેરિકા છોડી ભારત આવવાની વાત કરી ત્યારે ક્ષણવાર એમને થયું કે દિકરા સાથે જાઉં તો સારું એને મારી ચિંતા નહીં.પણ એમના અનેક મિત્રો અને તેઓનાં પાડોશમાં જ રહેતાં દિકરા-દિકરીઓના આગ્રહથી હિંમત બંધાઈ હતી.ઉપરાંત એ શારિરીક રીતે એકદમ તંદુરસ્ત હતાં, એમની નિયમીત, સક્રિય અને આરોગ્ય પ્રત્યે જાગરુક જીવનશૈલી તથા આનંદી સ્વભાવથી એ પોતાની ઉંમરથી દસ વર્ષ યુવાન દેખાતાં.એમણે અમેરિકામાં રોકાઈ જવાનો પોતાનો નિર્ણય જ્યારે સમીરને જણાવ્યો, ત્યારે સમીર એમના નિર્ણય પાછળની લાગણી સમજી શક્યો,પણ એણે અને સલોની એ વચન આપ્યંુ કે એઓ વર્ષમાં એક વાર એમને મળવા આવશે અને એ જ રીતે એમણે પણ વર્ષમાં એકવાર ભારત આવવાનું. એ હસતાં હસતાં કબૂલ થયાં હતંા.સલોનીનાં મમ્મી-પપ્પાની િનવૃત્તિને હજુ વાર હતી .સલોનીનો ભાઈ બહુ જ પ્રખ્યાત હોસ્પિટલમાં સર્જન તરીકે જોડાયો હતો અને એના મતે સમીર અને સલોનીએ આવો ઉતાવળિયો,આકરો નિર્ણય લેવાની કોઈ જ જરુર ન હતી.પણ સમીર એને મળેલી અદ્ભુત તક છોડવા તૈયાર ન હતો, એને ચિંતા ફકત સલોનીની હતી. બહુ ઓછો સમય ભારતમાં ગાળનાર સલોની આ વાતાવરણમાં ઍડજસ્ટ કેવી રીતે થશે.
એથી આજે સલોનીએ એનાં ગ્રુપનું નામ અને પ્રવૃત્તિ વિશે કહ્યું ત્યારે એને સલોનીનાં ભોળપણ પર વ્હાલ આવ્યું અને આ આખી વાતમાં કાંઈ ગંભીર લાગ્યું નહીં.ભલે થોડા દિવસ વ્યસ્ત રહેશે, થોડી ઓળખાણો થશે.આમેય એને જેવી જોઈતી હતી તેવી નોકરી મળતા વાર લાગી રહી હતી ત્યાં સુધી ભલે આ ઍકટિવીટી કરતી.સલોની એના પક્ષે એકદમ ગંભીર અને ઉત્સાહમાં હતી.
આ આખો વિચાર એક વાર બાજુમાં રહેતાં દેશમુખઆંટીને ત્યાં જનમ્યો હતો.એ વયસ્ક કપલ એકલું જ હતું.આંટી રિટાયર્ડ સ્કૂલ ટિચર હતાં, એમનાં દિકરાઓ અમેિરકામાં જઈ વસ્યા હતા, એમને પણ ત્યાં જ સાથે રહેવા દબાણ કરતા, પણ અંકલ-આંટીને ત્યાં ઝાઝું ગમતું નહીં.એમને અમેરિકામાં જન્મીને ઉછરેલી સલોની ભારતમાં આવવા,રહેવા તૈયાર થઈ એનું આશ્ચર્ય થતું અને એના માટે લાગણીએ થતી.સલોનીને ઘરવખરી ,વાસણ વગેરેની ખરીદીથી માંડીને, બાઈ શોધવામાં, એના પગાર નક્કી કરવામાં બધે દેશમુખઆંટીની કુશળતા કામ આવતી.એક દિવસ એમનાથી બોલી જવાયું કે મારો મોટો દિકરો ફોન પર કહે મમ્મી તું અહીંયા રહેતી હોય તો મારાં બાળકોને ગમેતેવી બેબીસીટર પાસે મૂકવા ન પડે અને એટલા ડૅાલર તને આપું તો તને અને પપ્પાને કામ આવે.આમજુઓ તો દેશમુખઅંકલ પ્રાઈવેટ કંપનીમાંથી રિટાયર્ડ થયેલા, એમને પેન્શન ન હતું, આંટીના નાના પેન્શનનો ખાસ ટેકો ન હતો, બચત ઘણી હતી પણ દિકરાઓને અમેરિકા મોકલવામાં સારી એવી ખર્ચાઈ ગયેલી.દિકરાઓ પાસે માંગવુ ગમતું નહીં અને દિકરાઓએ એમની તરફથી નિયમિત કાંઈ મોકલવું જોઈએ એમ સમજતા નહીં.
સલોની દેશમુખઆંટીને કહે અહીં પણ બેબીસીટીંગ કરોને, આપણે યોગ્ય ફીઝ નક્કી કરીશું. દેશમુખઆંટી બે મિનિટ સ્તબ્ધ થઈ ગયા, પછી થયું આ છોકરી તો પરદેશમાં ઉછરી છે એનો શું વાંક, આપણા લોકોનું વિચારવું એને શી રીતે સમજાવું! એમણે કહ્યું જો બેટા આ ઉંમરે હું આવું કંઈ કરું તો અમારા સગા-સંબંધીઓમાં દિકરાઓનું ખોટું દેખાય અને હું કોલોનીનાં લોકોને શું પૈસાની વાત કરી શકું!? સલોનીને બહુ સમજાયું નહીં એણે કહ્યું એમાં કોઈનું ખોટું દેખાવાનો સવાલ કયાં છે! તમે શારિરીક સક્ષમ છો અને બાળકોને પ્રેમથી રાખી શકો છો, વધારે બાળકો રાખવાના થાય તો મદદનીશ પણ રાખીશું.કામ કરી શકતા હોઈએ તો કામ કરવામાં વાંધો શો? અને જે કામ કરતાં હોઈએ એનું યોગ્ય વળતર માંગવામાં નાનમ શા માટે ?થોડી આનાકાની પછી દેશમુખઆંટી તૈયાર થયાં.
બસ પછી તો સલોનીએ એના ઈવનીંગ વૅાકના ગ્રુપમાં વાત કરી કે દેશમુખઆંટી જેવાં પ્રેમાળ અને ઍજ્યુકેટેડ બેબીસીટર હોય તો કેટલી નિરાંત. બે-ત્રણ નોકરી કરનારી બહેનો તરત તૈયાર થઈ ગઈ,પછી સલોનીએ કહ્યું કે મહિનાના આટલા થશે, એટલે બધાં એકબીજાના મોં સામુ જોવા માંડયા, અરે એમના બબ્બે દિકરા અમેરિકામાં છે એમને પૈસાની શી જરુર છે અને આ તો એમના માટે ટાઈમપાસ છે, પૈસા ખર્ચવાના જ હોય તો ક્રેશમાં ન મૂકીએ ,એ કાંઈ પ્રોફેશનલ થોડાં છે. સલોનીને દેશમુખઆંટીની આનાકાની યાદ આવી, એ પાંચ વર્ષથી અહીં રહેતાં હતાં, ઘણાને મદદરુપ થયાં હતાં,કોલોનીમાં જાણીતા અને પોપ્યુલર હતાં પણ પૈસાની વાત આવતાં જ બધાના જાતજાતના અભિપ્રાય અને મંતવ્યો પ્રગટ થવા માંડયા.સલોનીનું મન થોડું નારાજ થઈ ગયું.અત્યાર સુધી એ પોતાને ઈન્ડિયન જ ગણતી હતી, પહેલીવાર એના મનમાં ઈન્ડિયન મેન્ટાલિટી પર ગુસ્સો આવ્યો.લોકોનાં બેવડાં ધોરણો પર ચિઢ ચઢી. એનાથી ચૂપ ન રહેવાયું, તમે જે જે પ્રવૃત્તિને પરોપકારી, સમાજોપયોગી,સત્કાર્ય ,ધર્મનું કામ વગેરે વગેરે કહીને વખાણ કરતાં ધરાતા નથી એ જ કામ માટે કોઈ જરા પણ વળતર માંગે તો એના કામની કિંમત ઘટાડી નાંખો છો , એ માણસને પણ માનની નજરે નથી જોતાં,એવું કેમ..હા જેને વળતરની જરુર નથી અને પોતાનો સમય વિનામૂલ્યે આપવા તૈયાર છે એ સાચે જ મહાન છે પણ એથી જેની પાસે આપવા માટે સમય જ સમય છે અને કદાચ સન્માનપૂર્વક જીવવા વળતરની જરુર છે તો એમની ખુદ્દારીની યોગ્ય કદર કરવી જોઈએ નહીં કે ટીકા કરી, નીંદા કરી એમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવી જોઈએ.

વધુ રસપ્રદ ભાગ આવતીકાલે….આપનો અભિપ્રાય બહુમૂલ્ય છે, વિના સંકોચ આપશો તો અત્યંત આનંદ થશે
-નેહલ

Author: nehal

Physician by profession, I like to spend my spare time reading literature and philosophy, getting to know different cultures and exploring various forms of creative expressions,..paintings,music, photography, cinema, theatre, sculpture and of course poetry. I usually write in my mother tongue Gujarati and sometimes in Hindi and English. Nehal’s world is at the crossroads of my inner and outer worlds, hope you like the journey…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s